આખરે કોણ નક્કી કરતું હોય છે વાવાઝોડાઓનાં જાત-જાતનાં નામ? જાણવા કરો ક્લિક...

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન(World Meteorological Organization ) નામની એક વૈશ્વિક સંસ્થા છે જે વાવાઝોડાનું નામ અને તેનો પ્રકાર નક્કી કરતી હોય છે. આ સંસ્થાને વિવિધ દેશો પોતાના તરફથી નક્કી કરેલા નામની એક યાદી સોંપતા હોય છે

આખરે કોણ નક્કી કરતું હોય છે વાવાઝોડાઓનાં જાત-જાતનાં નામ? જાણવા કરો ક્લિક...

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ છેલ્લા કેટલાક મહિનાથી દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા(Cyclone) ત્રાટકવાની ગતિવિધિમાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ જુદા-જુદા વાવાઝોડા 'વાયુ', 'ક્યાર' અને હવે 'મહા' નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના પછી હવે ઓરિસ્સાથી દૂરના વિસ્તારમાં નવું 'બુલબુલ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 100 જેટલા વાવાઝોડા/ચક્રવાત સર્જાતા હોય છે. જેમાંથી કેટલાકની તીવ્રતા વિનાશક હોય છે, જ્યારે કેટલાક હળવા હોય છે. ગુજરાત પર ત્રાટકનારા વાવાઝોડાને 'મહા' નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.

જ્યારે પણ વાવાઝોડું ત્રાટકે ત્યારે તેને એક નામ આપવામાં આવેલું હોય છે. આથી, જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે તેનાં નવા-નવા નામ જાણીને દરેકને એ બાબતની ઉત્સુક્તા જાગતી હોય છે કે, આખરે આ વાવાઝોડાનું નામકરણ કોણ કરતું હોય છે? કેવી રીતે વાવાઝોડાને નામ આપવામાં આવે છે? 

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (World Meteorological Organization)
વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન(World Meteorological Organization ) નામની એક વૈશ્વિક સંસ્થા છે જે વાવાઝોડાનું નામ અને તેનો પ્રકાર નક્કી કરતી હોય છે. આ સંસ્થાને વિવિધ દેશો પોતાના તરફથી નક્કી કરેલા નામની એક યાદી સોંપતા હોય છે અને ત્યાર પછી આલ્ફાબેટિક ઓર્ટર પ્રમાણે સંસ્થા વાવાઝોડાને નામ આપતી હોય છે. 

વર્ષ 1953 સુધી એટલાન્ટિક સમુદ્રમાં સર્જાતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનાં(Tropical Cyclone) નામ નેશનલ હરિકેન સેન્ટર દ્વારા આપવામાં આવતા હતા. હવે સમગ્ર વિશ્વમાં આવેલા જુદા-જુદા રાષ્ટ્રો અને સમુદ્રી વિસ્તારોમાં જે વાવાઝોડા સર્જાય છે તેની યાદી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે આવે છે. અગાઉ વાવાઝોડાનું નામ માત્ર મહિલાઓના નામથી જ રાખવામાં આવતું હતું. 1979માં પુરુષોનાં નામ પણ ઉમેરવામાં આવ્યા. ત્યાર પછી એક મહિલા અને એક પુરુષ એ રીતે વારાફરતી નામનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. 6 નામની યાદીનો વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હવે 2019નું લીસ્ટ ફરીથી 2025માં ઉપયોગમાં લેવાશે. 

અત્યંત વિનાશક હોવાના સંજોગોમાં નામ બદલાય છે
કોઈ ચક્રવાત જ્યારે અત્યંત વિનાશક હોય છે ત્યારે તે નામનો ઉપયોગ ભવિષ્યમાં કરવામાં આવતા નથી. આથી તેના કારણે યાદીમાં ફેરફાર થતો હોય છે. આવ જ કેટલાક નામ છે, જેનો એક વખત ઉપયોગ થઈ ગયો છે અને હવે ફરીથી તેનો ઉપયોગ નહીં થાય. જેમ કે, માંગખૂડ (ફિલિપિન્સ, 2018), ઈરમા એન્ડ મારિયા (કેરેબિયન, 2017), હૈયાન (ફિલિપિન્સ, 2013), સેન્ડી (યુએસએ, 2012), કેટરિના (યુએસએ, 2005), મિચ (હોન્ડારૂસ, 1998), ટ્રેસી (ડાર્વિન, 1974). 

નામકરણની એક ચોક્કસ પદ્ધતિ 
ઉષ્ણકટિબંધિય વિસ્તારોના આધારે વાવાઝોડા/ચક્રવાતનું નામકરણ કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ બનાવવામાં આવી છે અને તેનું ફરજિયાતપણે અનુસરણ કરવાનું હોય છે. જે-તે વિસ્તારની ઉષ્ણકટિબંધિય વાવાઝોડા સ્થાનિક સમિતિ વાર્ષિક અથવા દ્વિવાર્ષિક બેઠકમાં વાવાઝોડાનાં નામ નક્કી કરતી હોય છે. અત્યારે આવી 5 ઉષ્ણકટિબંધીય સમિતિ કાર્યરત છે, જે તેમના વિસ્તારમાં ઉદભવતા વાવાઝોડાનું નામ નક્કી કરે છે. 
1. ESCAP/WMO ટાયફૂન કમિટિ
2. WMO/ESCAP પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ
3. RA-I ટ્રોપિકલ સાયક્લોન કમિટિ
4. RA-IV ટ્રોપિકલ હરિકેન કમિટિ
5. RA-V ટ્રોપિકલ સાયક્લોન કમિટિ 

અરબી સમુદ્ર(Arabian Sea) અને બંગાળની ખાડીના(Bay of Bengal) વાવાઝોડાની સમિતિ 
ભારતના દક્ષિણમાં આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાનું નામ કરણ કરવા માટે વર્ષ 2004માં WMO/ESCAP પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ કમિટિની રચના કરવામાં આવી હતી. તેના અંતર્ગત એક રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટર કાર્યરત હોય છે, જેને નામની યાદી મોકલવાની હોય છે.  

8 દેશ, 8 નામની યાદી સોંપે છે 
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મયાંમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ 8 નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરને મોકલી આપે છે. આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી તૈયાર છે. 

દેશો દ્વારા મોકલવામાં આવેલા નામોને નીચે દર્શાવ્યા પ્રમાણે 8x8ના ટેબલમાં ગોઠવવામાં આવે છે. વાવાઝોડાનું નામકરણ કોલમ પ્રમાણે વારાફરતી આપવામાં આવે છે. એક વખત કોલમના અંતમાં પહોંચી જવાય ત્યાર પછી બીજી કોલમના નામની શરૂઆત કરાય છે. આ રીતે અત્યારે 8મા નંબરની કોલમના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

વાવાઝોડાનું નામ સામાન્ય લોકોની સમજમાં આવે તે રીતે આપવાની શરત હોય છે. ઉપરના 64 નામ પુરા થઈ જાય ત્યાર પછી દેશોએ નવેસરથી નવા 8 નામની યાદી આપવાની હોય છે. હવે જે બુલબુલ નામનું વાવાઝોડું ઓરિસ્સા પર ત્રાટકવાની સંભાવના છે, તેનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલું છે. ત્યાર પછી જે કોઈ નવા વાવાઝોડા આવશે તેને અનુક્રમે શ્રીલંકાનું 'પવન' અને થાઈલેન્ડનું 'અમ્ફાન' નામ આપવામાં આવશે. 

ભારતે સુચવેલા નામ
અગ્ની, આકાશ, બિજલી, જલ, લહેર, મેઘ, સાગર અને વાયુ. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news