ક્યારે અને શા માટે લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું છે તેની જોગવાઈઓ....

રાષ્ટ્રપતિ શાસન(President Rule) અંગેની જોગવાઈઓ બંધારણની(Constitution) કલમ 356માં(Article-356) આપવામાં આવી છે. કલમ-356 અનુસાર રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે, જ્યારે તેમને એવું લાગે કે રાજ્ય સરકાર બંધારણની વિવિધ જોગવાઈઓ અનુસાર કામ નથી કરી રહી.
 

ક્યારે અને શા માટે લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું છે તેની જોગવાઈઓ....

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં(Maharashtra) સત્તાનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે અને રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન(President Rule) લગાવી દેવાયું છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના(BJP-Shivsena) ગઠબંધનને બહુમત મળ્યા પછી પણ સરકારની રચનાના સમયે બંને વચ્ચે કેટલાક મુદ્દે વિવાદ થયો અને બંને પાર્ટીના માર્ગ અલગ થઈ ગયા. ત્યાર પછી રાજ્યમાં એક પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમત ન હોવાના કારણે 24 ઓક્ટોબર, 2019ના રોજ આવેલા રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ અત્યાર સુધી રાજ્યમાં સરકારની રચના થઈ શકી ન હતી. 

રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયો હતો, તેના પહેલા કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલે સૌથી પહેલા રાજ્યના સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેણે સરકાર રચવા માટે અસમર્થતા વ્યક્ત કરતાં બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને રાજ્યપાલે આમંત્રણ આપ્યું હતું. જોકે, બંને પાર્ટી સરકાર રચવાનો દાવો કરવામાં નિષ્ફળ રહેતાં રાજ્યપાલે રાજ્યના ત્રીજા સૌથી મોટા પક્ષ એનસીપીને સરકારની રચના માટે આમંત્રણ આપ્યું હતું. 

એનસીપીને(NCP) સરકારની રચનાનો દાવો રજુ કરવા માટે મંગળવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ તેના પહેલા જ મોદી કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો નિર્ણય લઈને રાષ્ટ્રપતિને ભલામણ મોકલી આપી હતી. ત્યાર બાદ, રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ રાજ્યપાલને ભલામણ મોકલી હતી કે, રાજ્યમાં એક પણ પાર્ટી સરકાર રચવા માટે સમર્થ ન હોવાના કારણે બંધારણની કલમ-356 અનુસાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. આ બંને ભલામણના આધારે રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. 

આવો જાણીએ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ પરિસ્થિતિમાં લગાવવામાં આવે છે અને તેના માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું કારણ અહીં એક પણ પક્ષને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. 

રાષ્ટ્રપતિ શાસનની બંધારણિય વ્યવસ્થા 
રાષ્ટ્રપતિ શાસન(President Rule) અંગેની જોગવાઈઓ બંધારણની(Constitution) કલમ 356માં(Article-356) આપવામાં આવી છે. કલમ-356 અનુસાર રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે, જ્યારે તેમને એવું લાગે કે રાજ્ય સરકાર બંધારણની વિવિધ જોગવાઈઓ અનુસાર કામ નથી કરી રહી. એવું જરૂરી નથી કે રાષ્ટ્રપતિ એ રાજ્યના રાજ્યપાલના રિપોર્ટના આધારે જ આ નિર્ણય લે. આ કલમમાં એવી પણ જોગવાઈ છે જેમાં કોઈ રાજ્યમાં નાગરિક અશાંતિ જેમ કે કોમી રમખાણોની સ્થિતિનો સામનો કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી હોય તો કેન્દ્ર સરકાર પોતાનો અધિકાર તેના ઉપર સ્થાપિત કરી શકે છે. 

બંધારણમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા પછી બે મહિનાના અંદર સંસદના બંને ગૃહમાં તેની મંજુરી લેવી જરૂરી છે. જો આ દરમિયાન લોકસભા ભંગ થઈ જાય તો રાજ્યસભા પાસેથી મંજુરી લીધા પછી નવી લોકસભાની રચનાના એક મહિનાના અંદર મંજુરી લેવાની રહે છે. 

બહુમતના અભાવમાં રાષ્ટ્રપતિ શાસન
રાજ્યમાં જ્યારે કોઈ પણ પાર્ટી કે ગઠબંધન પાસે સ્પષ્ટ બહુમત ન હોય તો રાજ્યપાલ ગૃહને 6 મહિનાના સમયગાળા માટે 'સસ્પેન્ડેડ અવસ્થા'માં રાખી શકે છે. 6 મહિના પછી જો ફરીથી કોઈ સ્પષ્ટ બહુમત પ્રાપ્ત ન થાય તો એવી દિશામાં ફરીથી ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. 

રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો
જો સંસદના બંને ગૃહ દ્વારા રાષ્ટ્રપતિ શાસનને મંજુરી આપવામાં આવે છે તો રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી ચાલે છે. આ રીતે 6-6 મહિના કરીને તેને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. 

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

શા માટે રાષ્ટ્રપતિ શાસન કહેવાય છે? 
રાષ્ટ્રપતિ શાસન એટલા માટે કહેવાય છે, કેમ કે તેના દ્વારા રાજ્યનું નિયંત્રણ એક ચૂંટાયેલા મુખ્યમંત્રીના બદલે સીધું જ ભારતના રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. વહીવટી દૃષ્ટિએ રાજ્યના રાજ્યપાલને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યકારી અધિકાર આપવામાં આવે છે. વહીવટમાં મદદ માટે રાજ્યપાલ સલાહકારોની નિમણૂક કરે છે, જે સામાન્ય રીતે સિવિલ સેવાના નિવૃત્ત અધિકારીઓ હોય છે. સામાન્ય સંજોગોમાં આ સ્થિતિમાં રાજ્યમાં કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટીની નીતિઓને અમલમાં મુકવામાં આવે છે. 

કેવા પ્રકારના ફેરફાર આવે છે?
- રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીના નેતૃત્વવાળા મંત્રીમંડળને ભંગ કરે છે. 

- રાષ્ટ્રપતિ, રાજ્ય સરકારના કાર્યો પોતાના હાથમાં લઈ લે છે અને રાજ્યપાલ તથા અન્ય કાર્યકારી અધિકારીઓને સત્તા આપવામાં આવે છે. 

- રાજ્યનો રાજ્યપાલ, રાષ્ટ્રપતિના નામે રાજ્ય સચિવની મદદથી અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાયેલા સલાહકારની મદદથી રાજ્યનું શાસન ચલાવે છે. આ જ કારણે કલમ-356 અંતર્ગત કરાયેલી જાહેરાતને 'રાષ્ટ્રપતિ શાસન' કહેવામાં આવે છે. 

- રાષ્ટ્રપતિ એવી પણ જાહેરાત કરી શકે છે કે, રાજ્યની વિધાનસભાની સત્તાઓનો ઉપયોગ સંસદ કરશે. 

- સંસદ જ રાજ્યના ખરડા અને બજેટ પ્રસ્તાવને પસાર કરે છે. 

- સંસદ પાસે એ અધિકાર હોય છે કે, તે રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિમણૂક કરાયેલા અધિકારીને આપી શકે. 

- જ્યારે સંસદ ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિ 'કલમ-356 શાસિત રાજ્ય' માટે કોઈ વટહુકમ બહાર પાડી શકે છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news