UP Election 2022: બીજા તબક્કાના વોટિંગ ટ્રેન્ડે ઊભા કર્યા અનેક સવાલ, અનેક ઠેકાણે વધેલું મતદાન કોને ફળશે?

બીજા તબક્કામાં જે પ્રકારે મતદારોએ ઉત્સાહ દેખાડ્યો છે તેનાથી અનેક સવાલ ઊભા થયા છે. જો કે બીજા તબક્કામાં ગત વખત કરતા ઓછું વોટિંગ થયું છે. પરંતુ પહેલા તબક્કાની સરખામણીમાં આ કદાચ વધુ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો વોટિંગ ટકાવારી વધી હતી અને તેનું પરિણામ સત્તા પરિવર્તન રૂપે જોવા મળ્યું હતું. 

UP Election 2022: બીજા તબક્કાના વોટિંગ ટ્રેન્ડે ઊભા કર્યા અનેક સવાલ, અનેક ઠેકાણે વધેલું મતદાન કોને ફળશે?

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. 14 ફેબ્રુઆરીએ નવ જિલ્લાની 55 બેઠકો માટે મતદાન થયું. અહીંથી કુલ 586 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. આ વખતે મતદાનની ટકાવારી પહેલા કરતા ઓછી રહી. કુલ 61.80 ટકા મતદાન થયું. જ્યારે ગત વખતે આ જ બેઠકો પર લગભગ 65 ટકા મતદાન થયું હતું. એ રીતે જોઈએ તો આ વખતે 3 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. આવામાં લોકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે બીજા તબક્કામાં વોટિંગ ટ્રેન્ડ શું કહે છે.

અખિલેશ માટે મહત્વનો હતો આ તબક્કો
બીજા તબક્કામાં જે 55 બેઠકો પર મતદાન થયું તે બેઠકો પર 2017ના ચૂંટણી પરિણામ જોઈએ તો ભાજપે 38 બેઠકો મેળવી હતી. સમાજવાદી પાર્ટીએ 15 અને કોંગ્રેસને 2 બેઠક મળી હતી. આ વખતે ભાજપ સામે મુકાબલા માટે અખિલેશ યાદવ અને જયંત ચૌધરીએ ગઠબંધન કર્યું છે. અખિલેશની નજર શરૂઆતથી જ બીજા તબક્કાના મતદાન પર હતી. કારણ કે અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા સારી એવી છે. જે નવ જિલ્લામાં બીજા તબક્કા હેઠળ મતદાન થયું છે તેમાંથી 6 જિલ્લાઓમાં 40 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી છે. 

ક્યાં કેટલા મુસ્લિમ મતદારો
રામપુર માં 50 ટકાથી વધુ મુસલમાન છે. એ જ રીતે મુરાદાબાદ અને સંભલમાં 47 ટકા, બિજનૌરમાં 43 ટકા, સહારનપુરમાં 41 ટકા અને અમરોહામાં 40 ટકાથી વધુ મુસ્લિમ છે. એક અંદાજા મુજબ આ વખતે આ બેઠકો પર મુસલમાન વોટર્સે 65થી 70 ટકા સુધી મતદાન કર્યું છે. 2017માં આ આંકડો 50 ટકા હતો. એટલે કે 50 ટકા મુસ્લિમ સમુદાયના મતદારોએ મત આપ્યા જ નહતા. પરંતુ આ વખતે 15 થી 20 ટકા વોટિંગ વધુ થયું. જેનો સીધો અર્થ એ છે કે મુસ્લિમ મતદારો જાણતા હતા કે તેમણે કોને અને શાં માટે મત આપવાનો છે. 

વોટિંગ પ્રતિશત વધવું એ સત્તા પરિવર્તન?
પહેલા તબક્કાની વાત કરીએ તો કુલ 62.08 ટકા મતદાન થયું હતું. કૈરાનામાં સૌથી વધુ 75.12 ટકા મતદાન થયું તો સાહિબાબાદમાં સૌથી ઓછું 45 ટકા મતદાન થયું. પહેલા તબક્કામાં જે 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થયું હતું તે વિધાનસભા ક્ષેત્રોમાં 2017માં 63.75 અને 2012માં 61.03 ટકા મતદાન થયું હતું. એક્સપર્ટ માને છે કે યુપી ચૂંટણીના પહેલા તબક્કામાં થયેલા વોટિંગને પણ અગ્રેસિવ વોટિંગના દાયરામાં જ રાખવું જોઈએ. હવે બીજા તબક્કામાં જે પ્રકારે મતદારોએ ઉત્સાહ દેખાડ્યો છે તેનાથી અનેક સવાલ ઊભા થયા છે. જો કે બીજા તબક્કામાં ગત વખત કરતા ઓછું વોટિંગ થયું છે. પરંતુ પહેલા તબક્કાની સરખામણીમાં આ કદાચ વધુ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો વોટિંગ ટકાવારી વધી હતી અને તેનું પરિણામ સત્તા પરિવર્તન રૂપે જોવા મળ્યું હતું. 

હવે યાદવ બેલ્ટમાં પરીક્ષા
બે તબક્કાની ચૂંટણીમાં જાટલેન્ડ, મુસ્લિમ બેલ્ટ અને રૂહેલખંડની લડાઈ જોવા મળી છે. હવે ત્રીજા તબક્કામાં સેન્ટ્રલ યુપીના યાદવ બેલ્ટ અને બુંદેલખંડની બેઠકો પર મતદાન થશે. મતદારોના બદલાતા સમીકરણ સાથે જ ત્રીજા તબક્કાથી ચૂંટણી મુદ્દાઓ અને ભાષણોના ટોન પણ બદલાઈ શકે છે. ત્રીજા તબક્કા હેઠળ જે 16 જિલ્લાની વિધાનસભા  બેઠકો પર મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, કાસગંજ, એટા, મૈનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, અને ઈટાવા જિલ્લા સામેલ છે. ઓરૈયા, કાનપુર ગ્રામીણ, કાનપુર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબામાં પણ ત્રીજા તબક્કા હેઠળ મતદાન થવાનું છે. જેમાંથી સાત જિલ્લા યાદવ બેલ્ટ અને પાંચ જિલ્લા બુંદેલખંડના છે. 

પોતાના ગઢમાં ખરાબ રહ્યું સપાનું પ્રદર્શન
સપાનું પ્રદર્શન આ વિસ્તારમાં ખરાબ રહ્યું છે. 2017માં સત્તામાં રહેવા છતાં સપા અહીંથી આશા મુજબ મત ભેગા કરી શકી નહતી. પાર્ટીને માત્ર આઠ બેઠકો મળી હતી. સપાની ગઠબંધન સહયોગી કોંગ્રેસને તો એક જ બેઠક મળી હતી. જ્યારે ભાજપે 49 બેઠકો જીતી હતી. 2022માં અખિલેશ યાદવ પણ પોતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. અખિલેશના આ પગલાંને પોતાના ગઢમાં સમીકરણ સાધવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે તેનો કેટલો ફાયદો થશે તે તો સમય જ જણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news