UP Election Result 2022: રેલીમાં લોકોની ભીડ, મજબૂત ચૂંટણી પ્રચાર, છતાં કેમ હારી સપા, જાણો પાંચ કારણ

UP Assembly Election Result 2022: ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં દમદાર જીત સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરી રહી છે. તો અખિલેશ યાદવનું ફરી રાજ્યના મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરૂ રહી ગયું છે. ચૂંટણીમાં સપાનો કારમો પરાજય થયો છે. 
 

UP Election Result 2022: રેલીમાં લોકોની ભીડ, મજબૂત ચૂંટણી પ્રચાર, છતાં કેમ હારી સપા, જાણો પાંચ કારણ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મોટી જીત હાસિલ કરી સત્તામાં બીજીવાર વાપસી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 260થી વધુ સીટ આવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 134 સીટો મળી રહી છે. યુપીના રાજકીય ઈતિહાસમાં પ્રથમવાર થશે જ્યારે કોઈ પાર્ટી સતત બીજીવાર રાજ્યમાં સરકાર બનાવશે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપે તમામ માન્યતાને તોડી દીધી છે, જે માન્યતા લાંબા સમયથી પ્રદેશની રાજનીતિમાં ચાલી રહી હતી. 

ભાજપની વિશાળ જીત બાદ કાર્યકર્તાઓ હોળી મનાવી રહ્યાં છે. કાર્યકર્તામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામ બાદ સમાજવાદી પાર્ટીમાં સોંપો પડી ગયો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હારના આ પાંચ કારણો મહત્વના છે. 

1. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી
ઉત્તર પ્રદેશમાં મુખ્ય લડાઈ અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે હતી. બંને નેતા પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ એક કડક વહીવટની છબી ધરાવતા યોગી આદિત્યનાથને મોટો ફાયદો થયો છે. યુપીમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રદેશને ગુનાખોરીથી મુક્ત કરાવવા માટે યોગી આદિત્યનાથે કડક હાથે કામ કર્યુ છે. તેમણે ઉત્તર પ્રદેશને તોફાન મુક્ત બનાવવા માટે જે કામ કર્યુ તેના પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

2. કેન્દ્ર સરકારની યોજનાઓ
કેન્દ્ર સરકાર જે લોકો માટે યોજના ચલાવી છે તેનો ફાયદો પણ ભાજપને મળ્યો છે. કેન્દ્રની ફ્રી રાશન, ઉજ્જવલા, પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ જેવી અનેક યોજનાનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. આ યોજનાનો લાભ મહિલાઓને મળ્યો અને મહિલાઓએ ભાજપને મત આપ્યા છે. એટલે કે કેન્દ્રની યોજનાઓ પણ સમાજવાદી પાર્ટીની હારનું એક કારણ બની છે. 

3. જાતિવાદ વિરુદ્ધ લોકોનું મતદાન
અખિલેશ યાદવે ચૂંટણી પહેલાં ઓમ પ્રકાશ રાજભર અને જયંત ચૌધરીની સાથે ગઠબંધન કર્યુ હતું. પરંતુ અખિલેશનો આ દાંવ નિષ્ફળ રહ્યો છે. યાદવ વોટબેંક પણ વિભાજીત થઈ. ઘણી મુસ્લિમ સીટો પર પણ ભાજપ આગળ છે. એટલે કે અખિલેશ યાદવનો જાતિવાદનો દાવ પણ ચૂંટણીમાં સફળ થયો નથી. 

4. રેલીમાં લોકો આવ્યા પણ મત ન મળ્યા
જો સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરવામાં આવે તો ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો અખિલેશ યાદવની રેલીમાં જોવા મળ્યા હતા. લોકો અખિલેશને સાંભળવા માટે રેલીમાં તો આવ્યા પરંતુ પાર્ટીને એટલા મત મળ્યા નહીં. તો અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીએ આપેલા ચૂંટણી વાયદાઓ પર પણ લોકોએ વધુ વિશ્વાસ કર્યો નથી. 

5. દિગ્ગજ નેતાઓનો સાથ મળ્યો નહીં
અખિલેશ યાદવ આ ચૂંટણીમાં સપા તરફથી એકલા લડી રહ્યાં હોય તેમ જોવા મળ્યા હતા. ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવનો વન મેન શો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં ટિકિટ વહેંચણી હોય કે મેનિફેસ્ટોની જાહેરાત હોય દરેક જગ્યાએ અખિલેશ યાદવ છવાયેલા રહ્યા હતા. મુલાયમ સિંહ યાદવ ઉંમરને કારણે વધુ ચૂંટણી પ્રચાર કરી શક્યા નહીં. તો અખિલેશના વિશ્વાસુ આઝમ ખાન પણ જેલમાં હતા. એટલે કે દિગ્ગજ નેતાઓની ગેરહાજરી પણ સપાની હારનું એક કારણ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news