રામલલાના દર્શન માટે યાત્રિકોનો વધતો ધસારો, ભારતીયોની રામમાં આસ્થાનો સાક્ષાત પરચો
22 જાન્યુઆરી નજીક આવી રહી છે અને દેશભરમાં ઉત્સાહ વધી રહ્યો છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરને લઈને ઉત્સવનો માહોલ છે. તો અયોધ્યામાં આવતા રામભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
Trending Photos
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર સમગ્ર દેશ માટે તહેવાર બન્યો છે. અયોધ્યા દેશ દુનિયાના યત્રિકોનું ઠેકાણું બની છે. માહોલ એવો છે કે કોઈને પણ અહીં રહેવું ગમી જાય, 22મી તારીખ નજીક આવતાં યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે. લોકોની આસ્થા રંગ લાવી રહી છે..
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રામનગરીમાં આ ઐતિહાસિક અવસર માટે માહોલ જામી ગયો છે.
રામલલાના દર્શન માટે બહારથી આવતા યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે. કોઈ વાહન લઈને અયોધ્યા આવી રહ્યું છે, તો કોઈ દંડવત પ્રણામ કરતા પ્રભુ શ્રી રામના દર્શન કરવા આગળ વધી રહ્યું છે. તો કોઈએ સ્કેટિંગ કરીને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે..
રસ્તા પર દંડવત કરીને રામ મંદિર તરફ આગળ વધતો આ વ્યક્તિ યુપીના સહારનપુરનો વતની છે. અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે સરયૂ નદીના દર્શન કર્યા અને ત્યાંથી દંડવત કરતા રામ જન્મભૂમિ મંદિર સુધી પહોંચ્યો હતો. રસ્તા પર આસપાસથી વાહનો પસાર થતા રહ્યા પણ આ વ્યક્તિ પોતાની આસ્થા માટે રસ્તા પર દંડવત કરીને આગળ વધતો રહ્યો.
રામનગરીના માર્ગો પર સ્કેટિંગ કરી રહેલા આ યુવકે કંઈક એવું કહ્યું છે, જે અવિશ્વસનીય છે. ગુજરાતના આણંદનો અગસ્તસ્ય 72 દિવસનો પ્રવાસ ખેડીને અયોધ્યા પહોંચ્યો છે. આ પ્રવાસ તેણે કોઈ વાહનમાં નહીં પણ સ્કેટિંગ કરીને ખેડ્યો છે. આ વાત અવિશ્વસનીય લાગશે, પણ સાચી છે. 72 દિવસ પહેલા યુવકે તમિલનાડુના રામસેતુથી પ્રવાસ શરૂ કર્યો હતો. ત્યાંથી તે ભગવાન રામના વનવાસના રૂટ પર સ્કેટિંગ કરતા અયોધ્યા સુધી આગળ વધતો રહ્યો. ચાર હજાર 532 કિલોમીટરનું અંતર કાપીને છેવટે તે અયોધ્યા પહોંચી ગયો છે..રામ લલાના દર્શન કરીને યુવકે પોતાનો પ્રવાસ સાર્થક કર્યો. અગસ્તસ્યને આ માટે અગાઉના સ્કેટિંગ પ્રવાસ કામ લાગ્યા છે..
અયોધ્યા સુધીના માર્ગમાં અગસ્તસ્યને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પણ તે પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા મક્કમ હતો. રસ્તામાં સ્થાનિકો અને હિંદુ સંગઠનોએ પણ તેને જરૂરી મદદ પૂરી પાડી.
અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ જુદી જુદી વેશભૂષા પણ ધારણ કરી રહ્યા છે. આ મહાશયને જોઈને તમે સમજી ગયા હશો કે તે કોના ગેટઅપમાં છે...તેમનું નામ છે રણજીત રાજપૂત, મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રણજીત શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેથી પ્રભાવિત છે, કેમ કે બાલ ઠાકરે પણ રામ મંદિર નિર્માણ આંદોલનમાં સામેલ હતા. રણજીત પોતે પણ રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા રહ્યા હોવાનો દાવો કરે છે... આ જ કારણ છે કે તેઓ બાલ ઠાકરેનો વેશ ધારણ કરીને લોકોને રામ લલાના દર્શન કરવા અપીલ કરી રહ્યા છે..બાલ ઠાકરેની વાતો અને જૂના અનુભવોને શેર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે