હવે તાજમહેલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાશો તો ચૂકવવી પડશે વધુ રકમ

તાજમહેલ નિહાળવા માટેની હવે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, સાથે જ તાજમહેલમાં ટૂંક સમયમાં નવી કોઈન સિસ્ટમ પણ લાગુ કરાશે અને નવી વ્યવસ્થા અનુસાર તાજમહેલમાં ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે 
 

હવે તાજમહેલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાશો તો ચૂકવવી પડશે વધુ રકમ

નવી દિલ્હી/ આગરાઃ પ્રેમનું પ્રતીક ગણાતા તાજમહેલને જોવા જવાનું હવે વધુ મોંઘું થઈ ગયું છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તાજમહેલ નિહાળવા માટેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં પ્રવેશ માટેની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અગાઉ ડિસેમ્બર-2018માં મુખ્ય કબર જોવા માટે વધારાના રૂ.200ની ટિકિટ ખરીદવાનો દર પણ લાગુ કરાયો હતો.  

ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવેશ
તાજમહેલમાં પ્રવેશ માટે નવો 'ટર્ન સ્ટાઈલ ગેટ' બનાવવામાં આવ્યો છે. આ ગેટ તાજમહેલના પૂર્વ અને પશ્ચિમ પ્રવેશદ્વાર પર ઊભા કરાયા છે. નવી વ્યવસ્થા મુજબ હવે પ્રવાસીઓને ટિકિટ સ્કેન કર્યા પછી જ તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ હવે થોડા સમયમાં પ્રવાસીઓને તાજમહેલમાં પ્રવેશ માટે એક મેગ્નેટિક કોઈન(સિક્કો) પણ આપવામાં આવશે. આ કોઈન સાથે પ્રવેશ કરનારા પ્રવાસીને તાજમહેલમાં ત્રણ કલાક સુધી રોકાવા દેવાશે. 

ત્રણ કલાક પછી વધુ રકમ ચૂકવો
જો કોઈ પ્રવાસી તાજમહેલમાં ત્રણ કલાક કરતાં વધુ સમય પસાર કરે છો તો તેણે તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. પ્રવાસીએ આ માટે તેની પાસેના કોઈનને રિચાર્જ કરાવાનો રહેશે. જેના માટે તાજ પરિસરમાં રોયલ ગેટની નજીક કાઉન્ટર લગાવવામાં આવશે. આ અગાઉ મુલાકાતીઓને તાજમહેલ ખુલ્યા પછી તેને બંધ કરવાનો સમય થાય ત્યાં સુધી રોકાવા દેવામાં આવતા હતા. પુરાતત્વ ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, સિક્કાની વ્યવસ્થા લાગુ કરતા પહેલા કેટલાક ફેરફાર કરવામાં આી રહ્યા છે. ત્યાર પછી જ પ્રવાસીને સિક્કા આપવામાં આવશે. 

જુદા-જુદા રંગના સિક્કા
ભારતીય પુરાતત્વ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ વિદેશી પ્રવાસીને વાદળી રંગનો સિક્કો, ભારતીય પ્રવાસીને ગ્રે રંગનો સિક્કો અને સાર્ક દેશોના પ્રવાસીને પીળા રંગનો સિક્કો આપવામાં આવશે. પાંચ વર્ષના બાળકો માટે ઝીરો વેલ્યુની ટિકિટ પણ આપવામાં આવશે. અગાઉ, 15 વર્ષથી નીચેના બાળકોને મફતમાં પ્રવેશ અપાતો હતો, પરંતુ તેમની ટિકિટ બનાવવામાં આવતી ન હતી.

ડિસેમ્બર-2018માં વધારી હતી ફી 
આ અગાઉ ડિસેમ્બર-2018માં તાજમહેલની મુખ્ય કબર જોવા માટે વધારાની રૂ.200 ફી નક્કી કરવામાં આવી હતી. એટલે કે, ભારતીય પ્રવાસીએ તાજમહેલ જોવાની ફી રૂ.50 અને તેની મુખ્ય કબર જોવી હોય તો રૂ.200 વધુ એમ કુલ રૂ.250 ચૂકવવાના રહેતા હતા. રૂ.50ની ટિકિટ લેનાર પ્રવાસીને મુખ્ય મકબરામાં પ્રવેશ અપાતો ન હતો, પરંતુ તેઓ તાજમહેલના પરિસર અને તેની પાછળની ભાગ, યમુના નદી વગેરે જોઈ શકતા હતા. તાજમહેલની મુખ્ય કબર જોવા માટેની વિદેશીઓની કુલ ફી રૂ.1300 થઈ ગઈ છે. એ જ રીતે સાક્ર દેશના મુસાફરોએ રૂ.540ને બદલે હવે રૂ.740 ચૂકવવાના થયા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news