મમતા બેનરજીનો 'મીમ' બનાવનાર ભાજપની નેતા પ્રિયંકા શર્માને સુપ્રીમમાં મળ્યા જામીન

પ્રિયંકા શર્માની તૃણમુલ કોંગ્રેસના નેતા વિભાસ હજારાની ફરિયાદના આધારે પશ્ચિમ બંગાળની પોલિસે ભારતીય દંડસંહિતાની ધારા-500 (માનહાની) અને માહિતી-ટેક્નોલોજી કાયદા અંતર્ગત 10 મેના રોજ ધરપકડ કરી હતી
 

મમતા બેનરજીનો 'મીમ' બનાવનાર ભાજપની નેતા પ્રિયંકા શર્માને સુપ્રીમમાં મળ્યા જામીન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો 'મીમ' બનાવવાના આરોપમાં 14 દિવસથી પોલિસ કસ્ટડીમાં રહેલી ભાજપની નેતા પ્રિયંકા શર્માને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા છે. કોર્ટે પ્રિયંકા શર્માને તાત્કાલિક છોડી મુકવા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો છે. 

આ સાથે જ પોતાના આદેશમાં કોર્ટે પ્રિયંકા શર્માને પોલીસ કસ્ટડીમાંથી છુટ્યા પછી મમતા બેનરજીની લેખિતમાં માફી માગવા જણાવ્યું છે. સાથે જ પશ્ચિમ બંગાળ સરકારને પણ નોટિસ ફટકારી છે કે શું 'મીમ' (બનાવટી ફોટો) પોસ્ટ કરવા અંગે કોઈ રાજકીય પક્ષ સામે કેસ ચલાવી શકાય છે. હવે, જુલાઈ મહિનામાં આ કેસની બીજી સુનાવણી હાથ ધરાશે. 

પ્રિયંકા શર્માના ભાઈ રાજીવ શર્માએ પ્રિયંકાને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થતું હોવાનું કારણ સુપ્રીમમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું. સાથે જ કોર્ટ સમક્ષ એફઆઈઆર રદ્દ કરવાની પણ માગ કરી હતી. આ બનાવટી ફોટોમાં પ્રિયંકાએ મમતા બેનરજીને મેટ ગાલા ઈવેન્ટમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાના લૂક જેવા બતાવ્યા હતા. 

મમતાનો 'મીમ' સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પશ્ચિમ બંગાળમાં ભાજપના મહિલા નેતા પ્રિયંકા શર્માને પકડી લેવાઈ હતી. પોલીસે શુક્રવારે તેની સામે FIR  દાખલ કરી હતી. પ્રિયંકા શર્માએ આ ફોટો પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ કર્યો હતો. ટીએમસીના કાર્યકર્તાઓને આ ફોટો અંગે ખબર પડતાં જ ભારે હોબાળો મચ્યો હતો. હાલ, સાયબર સેલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news