આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો જાણો

કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તે આગામી સોમવાર(6 મે,2019)ના રોજ થનારી કોર્ટની આગામી સુનાવણી પહેલા પોતાનો નિર્ણય લઈ લે 

આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો જાણો

નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તે આગામી સોમવાર(6 મે,2019)ના રોજ થનારી કોર્ટની આગામી સુનાવણી પહેલા પોતાનો નિર્ણય લઈ લે. આ અંગે ચૂંટણી પંચે અદાલતને જણાવ્યું છે કે, વડાપ્રધાન અને ભાજપના પ્રમુખ સામે કોંગ્રેસ પાર્ટીની 11 ફરિયાદોમાંથી 2 પર પહેલાથી જ નિર્ણય લઈ લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સિંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતી કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ અગાઉ મંગળવારે સુપ્રીમે ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો, જે મુજબ ગુરૂવારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો. 

શું છે ઘટના? 
કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરાઈ છે કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને આદેશ આપે કે પીએમ મોદી અને અમિત શાહ સામે આદર્શ આચારસંહિતા ઉલ્લંઘન અંગે જે ફરિયાદ કરવામાં આવી છે તેના પર તાત્કાલિક કાર્યવાહી કરે. કોંગ્રેસનો આરોપ છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહે વોટ માગવા માટે સશસ્ત્ર દળો અને સુરક્ષા કર્મચારીઓનો ઉલ્લેખ કર્યો છે. 

સુષ્મિતા દેવ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષા છે. તેઓ વર્તમાનમાં આસામની સિલચર લોકસભા બેઠક પરથી સાંસદ છે અને 17મી લોકસભા માટે પણ તેઓ આ બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર છે. 

કોંગ્રેસનો આરોપ 
આ અગાઉ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અને અમિત શાહે ચૂંટમી દરમિયાન તમામ પક્ષોને એક સમાન તકના મુદ્દે 'છેતરપીંડી' આચરી છે. સિંઘવીએ આ અંગે ચૂંટણી પંચ દ્વારા સાધવામાં આવેલા 'મૌન' અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. 

તેમણે ચૂંટણી પંચને પુછ્યું હતું કે, શું મોદી અને અમિત શાહ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના દાયરાથી બહાર આવે છે. સિંઘવીએ ચૂંટણી પંચને 'ઈલેક્શન ઓમિશન' કહેતા આચાર સંહિતાને 'મોદી કોડ ઓફ કન્ડક્ટ' જણાવી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, બંને નેતા આચાર સંહિતાનું વ્યાપક ઉલ્લંઘન કરીને પોતાના ભાષણોમાં મતોનું ધ્રુવીકરણ, ચૂંટણી પ્રચાર દરમિયાન સશસ્ત્ર દળોનો ઉલ્લેખ અને મતદાનના દિવસે પણ રેલીઓ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news