KGF જોઈ 'રોકી ભાઈ' બનવા નિકળ્યો હતો 18 વર્ષનો આ સીરિયલ કિલર, 72 કલાકમાં 3 હત્યા

સાગર જિલ્લામાં 72 કલાકમાં ત્રણ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરનાર સીરિયલ કિલરની ભોપાલથી ધરપકડ કરવામાં આવી છે. 
 

KGF જોઈ  'રોકી ભાઈ' બનવા નિકળ્યો હતો 18 વર્ષનો આ સીરિયલ કિલર, 72 કલાકમાં 3 હત્યા

ભોપાલઃ સાગરથી લઈને ભોપાલ સુધી હડકંપ... 250 પોલીસકર્મીની 10 ટીમો શોધી રહી હતી. રાત્રે લોકોની ઉંઘ થઈ ગઈ હતી હરામ... ચોકીદારોએ ફરજીયાત જાગવાનું... છેલ્લા 7 દિવસથી મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં લોકો રાત્રે સુવાનું ભૂલી ગયા હતા. 

કારણ કે 18 વર્ષના એક યુવકે 72 કલાકમાં 3 મર્ડર કરી દીધા અને 7 દિવસમાં ચાર. તેનો ઈરાદો હતો KGF રોકી ભાઈ બનવું. શુક્રવારની સવારે ભોપાલથી ઝડપાયેલા શિવપ્રસાદે પોલીસને જણાવ્યું કે તે સિક્યોરિટી ગાર્ડને મારવાના મિશન પર છે જે ડ્યૂટી દરમિયાન સુતા રહે છે. શિવપ્રસાદ સાગર જિલ્લાના કેકરા ગામનો રહેવાસી છે.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે શિવ પ્રસાદે સાગર જિલ્લામાં 4 અને ભોપાલમાં ગુરૂવારે રાત્રે ખજૂરી વિસ્તારમાં એક ગાર્ડની હત્યા કરી હતી. બાકી હત્યાઓની જેમ ભોપાલમાં પણ તેણે ગાર્ડના માથા પર વાર કર્યો હતો. શિવ પ્રસાદ ધુર્વેએ અત્યાર સુધી છ હત્યાની વાત સ્વીકારી છે. તેણે જણાવ્યું કે પુણેમાં પણ એક હત્યા કરી હતી. 

પોલીસને પૂછપરછમાં શિવ પ્રસાદે કહ્યુ કે તે ફિલ્મ KGF-2 ના રોકી ભાઈના પાત્રથી પ્રભાવિત હતો. તે ગેંગસ્ટર બનવા ઈચ્છતો હતો અને તે માટે પૈસા પણ ભેગા કર્યા હતા. 

તેની યોજના ભવિષ્યમાં પોલીસકર્મીઓને નિશાન બનાવવાની હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હાલ વરિષ્ઠ અધિકારી તેની બંધ રૂમમાં પૂછપરછ કરી રહ્યાં છે. આરોપીનું કહેવું છે કે તેણે માત્ર ફેમસ થવાની ઈચ્છા હતી. જાણકારી મળી છે કે શિવપ્રસાદ માત્ર ધોરણ 8 સુધી ભણેલો છે અને ગોવામાં પણ નોકરી કરી ચુક્યો છે.

પોલીસે આરોપી સીરિયલ કિલરને મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા ઝડપી લીધો. ધરપકડ બાદ તેણે સિક્યોરિટી ગાર્ડની હત્યા કરવાની વાત પણ કબૂલ કરી છે. પોલીસ જે મોબાઇલ દ્વારા આરોપી સુધી પહોંચી તે મોબાઇલ તે સિક્યોરિટી ગાર્ડનો હતો. જેની હત્યા પાછલા સપ્તાહે સાગરમાં થઈ હતી. 

આ મામલાનો ખુલાસો કરતા આઈજી અનુરાગે મીડિયાને જણાવ્યું કે આરોપી શિવ પ્રસાદ નેગેટિવ માઇન્ડ સેટનો છે. જેનો ઈરાદો માત્ર પૈસા કમાવાનો હતો. તેણે મહારાષ્ટ્ર, ગોવા, ચેન્નઈ, ભોપાલ, સાગરમાં ઘણા ઘરોમાં નોકર તરીકે કામ કર્યું છે. 

આઈજીએ જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પરથી આઇડિયો લઈને આ હત્યાની રીત અપનાવી. આઈજીએ કહ્યું કે સિક્યોરિટી ગાર્ડ જે સમયે સુતા હોય તો આસપાસમાં હાજર પથ્થર, કે અન્ય વસ્તુથી તે હત્યાને અંજામ આપતો હતો. તે આઠ ધોરણ સુધી ભણેલો છે પરંતુ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ભરપૂર કરે છે. ઘણી જગ્યાએ કામ કરવાને કારણે તે અલગ રીતે બોલવામાં પણ માહેર છે. 

કઈ રીતે કરી ચોકીદારોની હત્યા
શિવ પ્રસાદ ખતરનાક રીતે હત્યા કરતો હતો. તે પહેલા માથુ ફોડી નાખતો અને પછી તેને કચડી નાખતો. તે જ્યારે રાત્રે ચોકીદાર સુતા હોય ત્યારે ત્યાં પહોંચી નિશાન બનાવતો હતો. આ રીતે તેણે ઘણા ચોકીદારોને મોતની ઉંઘમાં સુવડાવી દીધા છે.

આરોપી દ્વારા કરવામાં આવી રહેલી એક બાદ એક હત્યાથી પોલીસ વિભાગ માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કંઈ સમજી શકતા નહોતા. પરંતુ આ બધી હત્યામાં  માત્ર એક વાત કોમન હતી, દરેક હત્યા એક જ  મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવી રહી હતી. પોલીસે અનેક સીસીટીવીની તપાસ કરી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો હતો. આખરે અનેક પોલીસકર્મીઓની મહેનત બાદ આ આરોપી ઝડપાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news