ટીકા કરતી શિવસેનાના પણ બદલાયા સૂર, કહ્યું-"મોદી છે તો શક્ય છે...જમીન ઉપર અને આકાશમાં પણ"

ભારતના ઉપગ્રહ ભેદી મિસાઈલના સફળ પરીક્ષણના પેટ છૂટા વખાણ કરતા શિવસેનાએ ગુરુવારે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલે આ શક્ય બન્યું.

ટીકા કરતી શિવસેનાના પણ બદલાયા સૂર, કહ્યું-"મોદી છે તો શક્ય છે...જમીન ઉપર અને આકાશમાં પણ"

મુંબઈ: ભારતના ઉપગ્રહ ભેદી મિસાઈલના સફળ પરીક્ષણના પેટ છૂટા વખાણ કરતા શિવસેનાએ ગુરુવારે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલે આ શક્ય બન્યું. શિવસેનાએ મિશન શક્તિને ભારતની મોટી ઉપલબ્ધિ ગણાવતા પોતાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ...' જમીન ઉપર અને આકાશમાં પણ..'

પાર્ટીએ કહ્યું કે "ભારત ગઈ કાલ સુધી એક પરમાણુ તાકાત ધરાવતો દેશ હતો...ઈન્દિરા ગાંધીથી લઈને અટલ બિહારી વાજપેયી સુધી (પૂર્વ) વડપ્રધાનોએ આ માટે આકરી મહેનત કરી. મોદીના કાર્યકાળમાં આપણે એક અંતરીક્ષ મહાશક્તિ બની ગયાં. આપણા વૈજ્ઞાનિકોએ આ કરી બતાવ્યું." 

સંપાદકીયમાં કહેવાયું છે કે જ્યારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને નેતાઓ એક બીજા પર કાદવ ઉછાળવામાં લાગ્યા છે, એક બીજા પર આરોપ લગાવી રહ્યાં છે, એવામાં મોદીએ વૈજ્ઞાનિકોની સફળતાના "આનંદદાયક" સમાચાર સંભળાવ્યાં. 

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે સરકાર દ્વારા નવેમ્બર 2016માં નોટબંધીનો નિર્ણય લેવાયા બાદ ગઈ કાલે લોકોમાં એ વાતની ઉત્સુકતા હતી કે મોદી પોતાના સંબોધનમાં શું જાહેરાત કરવાના છે. સામનાના અહેવાલ મુજબ "કેટલાક વિચારી રહ્યાં હતાં કે ભારતીય જવાનોએ ફરીથી પાકિસ્તાન પર હુમલો કરી દીધો. જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને મારીને તેનો મૃતદેહ ગુજરાત તટ પાસે અરબ સાગરમાં નાખી દીધો."

પાર્ટીએ કહ્યું કે એવી પણ અટકળો હતી કે ભાગેડુ ઊદ્યોગપતિ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીને રાતોરાત એક જ વિમાનમાં દિલ્હી  પાછા લાવવામાં આવ્યાં. એવી પણ અટકળ થઈ રહી હતી  કે દાઉદ ઈબ્રાહીમને પકડીને મુંબઈ કે દિલ્હી લાવવામાં આવ્યો છે. 

સંપાદકીયમાં લખાયું છે કે કેટલાક લોકો એમ પણ વિચારવા લાગ્યા હતાં કે ગરીબ પરિવારોના બેંક ખાતામાં દર વર્ષે 72,000 રૂપિયા જમા કરાવવાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની યોજનાના જવાબમાં લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરાવવાના મોદીના વચન ઉપર જ કઈંક નવી વાત હશે. 

પાર્ટીએ કહ્યું કે "આ બધાથી વિપરિત ઉપગ્રહ ભેદી મિસાઈલના સફળ પરીક્ષણની પીએમ મોદીની જાહેરાતે દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધુ."  

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news