આજે બપોરે થશે પૂર્વ CM શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર, કોંગ્રેસ હેડક્વાર્ટરમાં અંતિમ દર્શન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થયું. તેઓ 81 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થયું. તેઓ 81 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. આ અગાઉ તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે કોંગ્રેસ મુખ્યમથકમાં રાખવામાં આવશે. સરકાર તરફથી દિલ્હીમાં 2 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
શીલા દીક્ષિત બીમાર હતાં અને શનિવારે સવારે તેમને દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યાં બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. હાલત સુધર્યા બાદ ફરીથી એટેક આવ્યો. સાંજે 3.55 કલાકે તેમનું નિધન થયું. શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને સોનિયા ગાંધી પણ શનિવારે નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. દિલ્હી કોંગ્રેસ અને ભાજપના તમામ મોટા નેતાઓ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કાયાપલટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાનનો શ્રેય પણ આપ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કરતા કહ્યું કે દીક્ષિતના શહેરના વિકાસમાં યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
જુઓ LIVE TV
શીલા દીક્ષિતની સફર..
1. શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ થયો હતો.
2. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં.
3. શીલા દીક્ષિત લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીના ઉત્તર પૂર્વ સીટથી ચૂંટણી લડ્યા હતાં. જો કે આ સીટ પરથી ભાજપના નેતા મનોજ તિવારીએ તેમને હરાવ્યાં હતાં.
4. શીલા દીક્ષિતના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ 1984થી 89 સુધી કન્નોજ (યુપી)થી સાંસદ રહ્યાં.
5. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓના આયોગમાં ભારતના પ્રતિનિધિ રહેવાની સાથે લોકસભાની સમિતિઓમાં પણ સામેલ રહ્યાં.
6. શીલા દીક્ષિત રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.
7. શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 3 વાર દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. ત્યારબાદ તેઓ 2014માં કેરળના રાજ્યપાલ પણ બન્યા હતાં.
8. શીલા દીક્ષિતના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ પંજાબના કપૂરથલામાં થયો હતો. શીલા દીક્ષિતે દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.
9. તેમના લગ્ન યુપીના ઉન્નાવના આઈએએસ અધિકારી સ્વર્ગીય વિનોદ દીક્ષિત સાથે થયા હતાં. અત્રે જણાવવાનું કે વિનોદ દીક્ષિત બંગાળના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના મોટા નેતા સ્વ.ઉમાશંકર દીક્ષિતના પુત્ર હતાં. શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ દિલ્હીના પૂર્વ સાંસદ હતાં.
10. દિલ્હીના 3વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતને રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધીએ ખુબ મહત્વ આપ્યું હતું.
11. શીલા દીક્ષિત વર્ષ 1998માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં.
12. 1998માં જ લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ દિલ્હીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં પરંતુ હારી ગયા હતાં. પરંતુ ત્યારબાદ તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવીને સતત 3વાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે