BJPના શત્રુધ્ન સિન્હાએ નવી પાર્ટીમાં જોડાવાના આપ્યા સંકેત

ભાજપમાં રહીને ભાજપના જ કેન્દ્રીય નેતાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા શત્રુધ્ન સિંહાએ હવે નવી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓ કરી લીધી છે અને તેઓ ટૂંક સમયમાં જ આ અંગેની જાહેરાત કરે તેવી સંભાવના છે 

BJPના શત્રુધ્ન સિન્હાએ નવી પાર્ટીમાં જોડાવાના આપ્યા સંકેત

પટનાઃ ભાજપમાં રહીને ભાજપના જ કેન્દ્રીય નેતાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા શત્રુધ્ન સિંહાએ હવે નવી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓ કરી લીધી છે અને તેઓ ટૂંક સમયમાં જ આ અંગેની જાહેરાત કરે તેવી સંભાવના છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શત્રુધ્ન સિંહાએ નવી પાર્ટી નક્કી કરવા માટે મુલાકાતોનો દોર વધારી દીધો છે. તાજેતરમાં જ તેમણે લાલુ યાદવની મુલાકાત કરી હતી અને હવે ગુરુવારે તેઓ રાબડી દેવીને મળવા તેમના પટના ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 

રાબડી દેવી સાથેની મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે, હવે તેઓ ટૂંક સમયમાં જ નવી પાર્ટીમાં જોડાવાનું નક્કી કરી લેશે. જોકે, આજની મુલાકાતને તેમણે લાલુ પરિવારના ખબર-અંતર પુછવા પુરતી મર્યાદિત હોવાનું જણાવ્યું હતું. 

શત્રુધ્ન સિંહાએ વધુમાં જણાવ્યું કે, હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં, પરંતુ લોકસભા ચૂંટણી તો પટના સાહિબથી જ લડીશ. હવે થોડા સમયમાં જ એ નક્કી થઈ જશે કે હું કયા પક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમણે ભાજપની રેલીને ફ્લોપ ગણાવી હતી અને જણાવ્યું કે, તેઓ ભાજપમાં હોવા છતાં પણ તેમને બોલાવાયા ન હતા. 

એરસ્ટ્રાઈક અંગે શત્રુધ્ન સિંહાએ જણાવ્યું કે, સરકાર જ્યારે જુદા-જુદા નિવેદનો આપી રહી છે ત્યારે તેણે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે, હવે તો શહીદોના પરિજનો પણ સરકાર પાસે કાર્યવાહી કરવાની માગણી કરવા લાગ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપના કેન્દ્રીય નેતાઓના વિરોધમાં વારંવાર નિવેદનો આપતા રહેલા શત્રુધ્ન સિંહા આ વખતે લોકસભાની ચૂંટણી ભાજપમાંથી લડશે નહીં. આથી, તેમણે નવી પાર્ટીમાં જોડાવા માટે વિવિધ પક્ષોના નેતાઓની મુલાકાતનો દોર શરૂ કર્યો છે. તેઓ રાંચીમાં લાલુ યાદવને મળ્યા હતા. ત્યાર બાદ ગુરૂવારે પટના ખાતે તેમના પરિવારને મળ્યા પહોંચ્યા હતા. હજુ તેઓ કોંગ્રેસમાં પણ મળવા જવાના છે. હવે, એ જોવાનું છે કે શત્રુધ્ન આરજેડીમાં જોડાય છે કે પછી કોંગ્રેસમાં.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news