શશિ થરૂરના રામમંદિર અંગેના નિવેદનને રાજસ્થાન ભાજપે જનભાવનાનું અપમાન જણાવ્યું
રાજસ્થાન ભાજપના નેતા ઓમકાર સિંહ લખાવતે જણાવ્યું કે, જે લોકોએ રામજન્મ ભૂમિ માટે સંઘર્ષ કર્યો છે તેમના માટે શશિ થરૂરનું નિવેદન અપમાનજનક છે
Trending Photos
જયપુરઃ રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નેતા શશિ થરૂરના નિવેદનને વખોડી કાઢતાં રાજસ્થાન ભાજપે જણાવ્યું છે કે, શશિ થરૂરનું નિવેદન કરોડો ભારતીયોની લાગણીનું અપમાન છે. ભાજપના નેતા ઓમકાર સિંહ લખાવતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ રામ જન્મભૂમિનો વિરોધ કરતો રહ્યો છે. તેમના નેતા કપિલ સિબ્બલ પણ રામજન્મ ભૂમિના કેસની સુનાવણી ટાળવા માટે અરજી કરી ચૂક્યા છે. ચૂંટણીના સમયે આવું નિવેદન નિંદનીય છે.
પહેલા નિવેદન, પછી સ્પષ્ટતા
કોંગ્રેસના નેતા શશિ થરૂરે એમ કહીને વિવાદ વધાર્યો હતો કે, 'કોઈ પણ સારો હિન્દુ એવું નહીં ઈચ્છે કે કોઈ ધાર્મિક સ્થળને તોડીને તેના સ્થાને રામ મંદિરનું નિર્માણ થાય.' જોકે, પોતાના આ નિવેદન બાદ શશિ થરૂરે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, 'મેં જણાવ્યું હતું કે, મોટાભાગના હિન્દુ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય એમ ઈચ્છે છે. પરંતુ એક સારો હિન્દુ કોઈ અન્યનું ધાર્મિક સ્થાન તોડીને ત્યાં મંદિરનું નિર્માણ ઈચ્છતો નથી. '
ભાજપના નેતા ઓમકાર સિંહે પત્રકાર પરિષદમાં એવી માગણી કરી કે કોંગ્રેસ રામજન્મ ભૂમિના મુદ્દે પોતાની રીતિ નીતિ સ્પષ્ટ કરે.
લોકોની લાગણીઓનું અપમાન
ઓમકાર સિંહ લખાવતે વધુમાં જણાવ્યું કે, શશિ થરૂરનું નિવેદન એ લોકોનું અપમાન છે જેમણે રામજન્મ ભૂમિ માટે સંઘર્ષ કર્યો છે. સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે અને ચૂંટણીના સમયે આવું નિવેદન નિંદનીય છે. ભાજપ આવા નિવેદનોનો વિરોધ કરે છે. કોંગ્રેસની માનસિક્તા લોકલાગણીથી વિરોધી છે.
વિધાનસભા ચૂંટણીમાં મુદ્દો બનશે
વિધાનસભા ચૂંટણીમાં રામમંદિર ભાજપ માટે મહત્વનો મુદ્દો સાબિત થઈ શકે છે. આ જ કારણે શશિ થરૂરની સ્પષ્ટતા ભાજપના નેતાઓને દેખાતી નથી. કેન્દ્ર અને રાજ્યોનાં ભાજપ એકમ આ નિવેદન અંગે કોંગ્રેસને ટાર્ગેટ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે