રાજ્યસભાની 19 બેઠક માટે થઈ રહ્યું છે મતદાન, આ 3 રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો

દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ છે. મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશની એક એક બેઠક માટે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. 

રાજ્યસભાની 19 બેઠક માટે થઈ રહ્યું છે મતદાન, આ 3 રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો

નવી દિલ્હી: દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ છે. મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશની એક એક બેઠક માટે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. 

આઠ રાજ્યોની 19 બેઠકોની ચૂંટણી
રાજ્યસભાની જે 19 બેઠકો માટે આજે ચૂંટણી થઈ રહી છે તેમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતની 4-4 બેઠકો, રાજસ્થાન-મધ્ય પ્રદેશની 3-3 બેઠકો, ઝારખંડની 2 તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયમાંથી એક-એક બેઠક પર ચૂંટણી યોજાશે. મણિપુરમાં સત્તાધારી ગઠબંધનના 9 સભ્યોના રાજીનામાના કારણે ત્યાં પણ ચૂંટણી રોમાંચક બને તેવી શક્યતા છે. ભાજપે લીસેમ્બા સાનાઝાઓબા તથા કોંગ્રેસે ટી મંગીબાબુને ઉમેદવાર બનાવ્યાં છે. 

કર્ણાટકમાં ચાર બેઠકો પર પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ભાજપના ઉમેદવાર ઈરન્ના કડાડી અને અશોક ગસ્તી પહેલેથી નિર્વિરોધ વિજેતા જાહેર થયેલા છે. અરુણાચલ પ્રદેશથી પણ રાજ્યસભાની એકમાત્ર બેઠકથી ભાજપના ઉમેદવાર નબામ રેબિયાની નિર્વિરોધ જીત જાહેર કરાયેલી છે. ચૂંટણી પંચે કહ્યું કે 19 જૂનની સાંજે જ તમામ 19 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. 

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાન માટે પૂરી તૈયારી કરી લીધી છે. દરેક મતદાતા (ધારાસભ્ય)ના શરીરના તાપમાનની તપાસ થશે અને સામાજિક અંતરના નિયમનોનું પાલન કરાશે. 

ગુજરાતમાં ચૂંટણી બનશે રોમાંચક
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બને તેવી શક્યતા છે. ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ પર પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસના ધારાસભ્યોના બગાવત બાદ પણ ઉત્સાહ ઓસર્યો નથી. કોંગ્રેસે પક્ષે પોતાના ઉમેદવારોની જીતની આશા છોડી નથી. કોંગ્રેસ અને બીજેપી વચ્ચે મોટો દાવપેચ ચાલી રહ્યો છે. ગુજરાતમાં હવે એવુ સમીકરણ થઈ ગયું છે કે, એક ધારાસભ્યના સમર્થન પર રાજ્યસભાનું ગણિત ટકેલું છે. એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને કોઈની પણ હાર નક્કી થઈ શકે છે.

ગુજરાતમાં આવતીકાલે 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બીજેપીએ ધારાસભ્યોની હેરાફેરી કરીને કોંગ્રેસનું ગણિત ઊંઘુ પાડી દીધું છે.

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના બાદ કોંગ્રેસ એકજૂટ રહી ન હતી. કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપી ચૂક્યા છે. જેને પગલે કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો બચ્યા છે. તો બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. બીટીપી પાસે 2 અને એનસીપી પાસે 1 તથા એક નિર્દળીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. જોકે, કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ન આપત તો પાર્ટીના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત હતી. પરંતુ હવે મામલો પેચીદો થઈ ગયો છે.

ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 35 વોટના સમર્થનની જરૂર છે. તેથી કોંગ્રેસના બંને ઉમેદવારોને જીત માટે 70 વોટની જરૂર પડશે. કોંગ્રેસને જીત માટે બીટીપી અને એનસીપીના એક-એક ધારાસભ્યો તથા જિગ્નેશ મેવાણીના સમર્થનની આશા છે. એનસીપીએ તો વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને સમર્થન આપવાનું કહી દીધું છે, પરંતુ બીટીપીના પ્રમુખે હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી કે, તેઓ કોને સમર્થન આપશે. જોકે, બીટીપી બંને પાર્ટીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. 

જોકે, કોંગ્રેસ આ ચારેય ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહે છે, તો પણ પાર્ટીનો આંકડો 69 પર પહોંચી શકે છે. તેના બાદ પણ કોંગ્રેસ પોતાના બીજા કેન્ડીડેટને જીતાવી શકે નહિ, કારણ કે એક વોટ ઓછો પડશે. જોકે, શક્તિસિંહ માટે જીત સરળ રહેશે, કારણ કે તેઓ પહેલા કેન્ડીડેટ છે. પરંતુ ભરતસિંહ સોલંકી માટે જીત સરળ નથી. 

મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણી રોમાંચક, એક ઉમેદવારની હાર નક્કી
આંધ્ર પ્રદેશથી રાજ્યસભા માટે ચાર સભ્યોની ચૂંટણી થશે. રાજ્ય વિધાનસભામાં પર્યાપ્ત સંખ્યા હોવાના કારણે સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ ચાર બેઠકો પર જીત મેળવે તેવા એંધાણ છે. 2014માં રાજ્યના ભાગલા પડ્યા બાદ પહેલીવાર અહીં રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. ઉપલા સદનની 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી થવાની હતી પરંતુ 37 ઉમેદવારો પહેલેથી નિર્વિરોધ જીતી ગયેલા છે. 

મધ્ય પ્રદેશમાં 3 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે 2-2- ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકીને જ્યારે કોંગ્રેસે દિગ્વિજય સિંહ અને દલિત નેતા ફૂલ સિંહ બરૈયાને ઉમેદવાર બનાવ્યાં છે. કોંગ્રેસના બીજા ઉમેદવાર ફૂલસિંહ બરૈયા માટે કોંગ્રેસ પાસે પૂરતા પ્રમાણમાં મત ન હોવાના કારણે તેમના જીતની શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે. 

હાલ વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપ પાસે પોતના બે ઉમેદવારો માટે પૂરતા મત છે. જ્યારે કોંગ્રેસ પાસે દિગ્વિજય સિંહને બીજીવાર રાજ્યસભામાં મોકલવા માટે પૂરતા મત છે. પરંતુ બરૈયા માટે અપેક્ષિત મત નથી. રાજ્યસભામાં ચૂંટાઈ આવવા માટે કોઈ પણ ઉમેદવારને 52 મત જોઈએ. કોંગ્રેસ પોતાના 54 ધારાસભ્યોને દિગ્વિજય સિંહને મત આપવાનું કહી ચૂકી છે. 

આ સ્થિતિમાં ભાજપ પોતાના દમ પર પોતાના બંને ઉમેદવારોને જીતાડી શકે છે. આ ઉપરાંત બસપાના બે, સપાના એક અને બે અપક્ષ ઉમેદવાર બુધવારે રાતે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં રાત્રિ ભોજમાં સામેલ થઈને ભાજપના જૂથમાં હોવાના સંકેત આપી ચૂક્યા છે. આ બધા વચ્ચે પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના વિધાયકોએ ચૂંટણી માટે પોતાની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુરુવારે બેઠક કરી હતી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે માર્ચમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી અલગ થઈ ગયા હતાં અને ભાજપમાં સામેલ થયા હતાં. ત્યારબાદ તેમના સમર્થક વિધાયકો પણ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા જેથી પ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી સરકાર પડી હતી. 

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહને રાજ્યસભા ચૂંટણી જીતવાથી ભાજપને આગામી 24 વિધાનસભા બેઠકોમાં ફાયદો થશે કારણ કે ત્યારે અમે એ કહી શકીશું કે દિગ્વિજય સિંહ એક વરિષ્ઠ દલિત નેતા ફૂલસિંહ બરૈયાની તક છીનવીને રાજ્યસભા સાંસદ બન્યાં છે. 

ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ઝામુમો અધ્યક્ષ શિબુ સોરેન, કોંગ્રેસ ઉમેદવાર શહજાદા અનવર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પ્રકાશ ચૂંટણી લડી રહ્યાં છે. 

આ બાજુ મિઝોરમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટે ત્રિકોણિયો જંગ લગભગ નક્કી છે. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)એ પાર્ટી નેતા કે કનલલવેનાને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસે ક્રમશ બી લાલછનઝોવા તથા લલ્લિછુંગાને ઉમેદવાર બનાવ્યાં છે. ચાલીસ સભ્યોની મિઝોરમ વિધાનસભામાં એમએનએફના 27 સભ્યો છે જ્યારે ઝેડપીએમના સાત, કોંગ્રેસના પાંચ અને ભાજપના એક ધારાસભ્ય છે. મતદાન આજે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં વિધાનસભા સચિવાલયમાં થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news