વિરોધ પક્ષના વોકઆઉટ વચ્ચે રાજનાથ સિંહે લોકસભામાં રજૂ કર્યું સિટીઝનશિપ સંશોધન બિલ

લોકસભામાં ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે, અમે એનઆરસી પ્રત્યે કટિબદ્ધ છીએ, એનઆરસીમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે, આ બિલ માત્ર આસામ માટે નહીં પરંતુ સૌના માટે છે 

વિરોધ પક્ષના વોકઆઉટ વચ્ચે રાજનાથ સિંહે લોકસભામાં રજૂ કર્યું સિટીઝનશિપ સંશોધન બિલ

નવી દિલ્હીઃ લોકસભામાં સિટીઝન ચાર્ટર બિલ-2016માં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે નાગરિક્તા સંશોધન ખરડો માત્ર આસામ માટે નથી કે કોઈ ખાસ દેશના આવવાથી પ્રવાસીઓના લાભ માટે નથી. આ બિલ એ પ્રવાસીઓ માટે પણ છે, જે પશ્ચિમની સરહદ પાર કરીને આવ્યા છે અને રાજસ્થાન, પંજાબ અને દિલ્હીમાં વસી ગયા છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. 

લોકસભામાં ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે, અમે એનઆરસી પ્રત્યે કટિબદ્ધ છીએ, એનઆરસીમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોને અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. વિરોધ પક્ષની નારેબાજી દરમિયાન તેમણે જણાવ્યું કે, આસામના લોકોના મોટાભાગના અધિકાર, સંસ્કૃતિ અને રોજગાર સુરક્ષિત છે. એનઆરસીમાં કોઈ ભેદભાવ કરાયો નથી. 

રાજનાથે જણાવ્યું કે, સરકાર આસામ અને બોડો લોકોનાં મુદ્દા ઉઠાવી રહી છે. સરકારે લાંબા સમયથી પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે આ બિલને સંસદની પસંદગી સમિતિ સમક્ષ મોકલવું જોઈએ. તેમણે ચર્ચા દરમિયાન આસામના રમખાણો અને વિરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કોંગ્રેસની માગને ફગાવી દેતા જણાવ્યું કે, આ બિલને ફરીથી સંસદની પસંદગી સમિતિ સમક્ષ મોકલી શકાય નહીં. ત્યાર બાદ અનેક સાંસદોએ આ બિલ વિરુદ્ધ નારેબાજી કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 

સિટિઝન સંશોધન બિલ-2016
સિટિઝન સંશોધન બિલ, 2016નો હેતુ નાગરિક્તા કાયદા-1955માં સુધારો કરવાનો છે, જેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી ગયેલા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને નાગરિક્તા આપવાનો આદેશ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news