શું 'જૂનો બદલો' લઈ રહ્યા છે અસમના CM હિમંતા બિસ્વા સરમા? એ વખતે રાહુલ ગાંધીએ લગાવ્યો હતો અડિંગો
Rahul Gandhi Vs Himanta Biswa Sarma Fight:હાલ જે અસમના સીએમ અને રાહુલ ગાંધી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યો છે તેનું કારણ એક પુસ્તકમાં જાણવા મળી શકે છે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે વિસ્તારપૂર્વક આ પુસ્તકમાં લખ્યું છે.
Trending Photos
Rahul Gandhi Himanta Biswa Sarma Fight: જે સમયે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી, રાહુલ ગાંધીને અસમમાં એક ધાર્મિક સ્થળ પર જતા રોકવામાં આવ્યા. અસમના નેતાઓ સાથે તેઓ ત્યાં ધરણા પર બેસી ગયા હતા. એવું કહેવાયું કે અયોધ્યા ભલે ન ગયા પરંતુ રાહુલ પ્રતિષ્ઠિત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ જશે તો અસમમાં મોટો મેસેજ જશે. ત્યારબાદ બંને જૂથ તરફથી એક બીજાને રાવણ કહેવામાં આવ્યા. રાહુલે હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સુદ્ધા પણ ગણાવી દીધા. અસમમાં ભારત જોડો ન્યાય યાત્રાને પોલીસે બેરિકેડ લગાવીને રોકી તો હાથાપાઈ અને મારપીટની સ્થિતિ પેદા થઈ ગઈ. ખુબ બબાલ મચી. રાત થતા સુધીમાં તો હિમંતાએ ટ્વીટ કરીને જણાવી દીધુ કે કોંગ્રેસ નેતાઓના હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓ પર હુમલા મુદ્દે રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ, કન્હૈયાકુમાર વગેરે પર કેસ કરવામાં આવ્યો છે.
આ અગાઉ સરમાએ અસમના ડીજીપીને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. પહેલીવાર રાહુલની યાત્રામાં આ પ્રકારની રોકટોક અને બબાલ મચી છે. અસમના સીએમ હિમંતા બિસ્વા સરમા એ જ વ્યક્તિ છે જે એક સમયે પાક્કા કોંગ્રેસી હતા. તેઓ સીએમ બનવા માંગતા હતા. તેમને કેટલાક વિધાયકોનું સમર્થન હતું પરંતુ છેલ્લી ઘડીએ વાત વણસી. કારણ ઘણું બધુ સ્પષ્ટ કરી દેશે.
With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section…
— Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024
રાહુલે રોક્યા હતા સરમાને
હાલ જે અસમના સીએમ અને રાહુલ ગાંધી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે તેનું કારણ એક પુસ્તકમાંથી જાણવા મળી શકે છે. એક સમયે પાક્કા કોંગ્રેસી રહી ચૂકેલા કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે વિસ્તારપૂર્વક આ પુસ્તકમાં લખ્યું છે. 2015માં કોંગ્રેસ છોડીને સરમા ભાજપમાં જોડાઈ ગયા હતા. તે પહેલા સરમા અસમમાં કોંગ્રેસનો મોટો ચહેરો હતા. તરુણ ગોગોઈની સરકારમાં મંત્રી રહ્યા પરંતુ તેમની મહત્વકાંક્ષા પછી વધી ગઈ. તેમણે સીએમ પદ માટે દાવો ઠોક્યો. સરમાએ હાઈકમાન સુધી વાત પહોંચાડી. ગત વર્ષે આવેલી ગુલામનબી આઝાદની આત્મકથામાં પૂર્વ કોંગ્રેસી નેતા જણાવે છે કે ' એ રાહુલ હતા જેમણે સરમાને સીએમ બનતા રોક્યા હતા.'
પુસ્તકમાં આઝાદે જણાવ્યું છે કે જ્યારે સરમાએ ગોગોઈના ત્રીજા કાર્યકાળ દરમિયાન બળવો પોકાર્યો ત્યારે તેમને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પર્યવેક્ષક તરીકે કામ સોંપ્યું. મે હિમંતા અને તમના સમર્થકોને દિલ્હી બોલાવ્યા. તેઓ 45થી વધુ વિધાયકો સાથે મારા ઘરે આવ્યા. થોડા દિવસ બાદ મે ગોગોઈને દિલ્હી આવવાનું કે પોતાના વિધાયકો મોકલવાનું કહ્યું. તેમણે સાત ધારાસભ્યોને મોકલ્યા જે તેમનું સમર્થન કરતા હતા. મે સોનિયાજીને સ્થિતિની જાણ કરી. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે હિમંતા પાસે સ્પષ્ટ બહુમત છે અને તેમણે નવા મુખ્યમંત્રી હોવું જોઈએ.
તેમણે મને બીજા દિવસે પ્રભારી સાથે અસમ જવાનું અને નવા નેતા તરીકે હિમંતાની ઔપચારિક પસંદગીની દેખરેખ કરવા માટે કહ્યું. જો કે અસમ રવાના થતા પહેલા રાહુલનો ફોન આવી ગયો. તેમણે મને અસમની યાત્રા રદ કરવાની ભલામણ કરી જ્યારે અત્યાર સુધી તો તેઓ આ વિચાર વિમર્શમાં સામેલ હતા જ નહીં. તેની જગ્યાએ તેમણે મને બીજા દિવસે સવારે અસમના પ્રભારી સાથે પોતાના ઘરે બોલાવી લીધો.
રાહુલે ઘરે બોલાવ્યા
આઝાદે કહ્યું કે 'બીજી સવારે જ્યારે અમે રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા તો જોયુ કે તરુણ ગોગોઈ તેમના પુત્ર ગૌરવ ગોગોઈ સાથે ત્યાં બેઠા હતા. રાહુલે અમને સ્પષ્ટ કહ્યું કે નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય. અમે તેમને જણાવ્યું કે હિમંતા પાસે બહુમત છે અને તેઓ બળવો કરીને પાર્ટી છોડી દેશે. રાહુલે તેના પર કહ્યું હતું કે, તેમને જવા દો.'
આઝાદ પછી સોનિયાને મળ્યા અને તેમણે તેમને જણાવ્યું કે શું શું થયું. તેમણે કહ્યું કે 'સંભવિત પરિણામને સમજવા છતાં આ દુર્ભાગ્યપૂર્ણ હતું કે તેમણે પોતે નિર્ણય ન લીધો. તેની જગ્યાએ તેમણે મને હિમંતાને મનાવવા માટે જણાવ્યું.'
પાર્ટી છોડ્યા બાદ સરમાએ પણ જણાવ્યું હતું કે જ્યારે તેઓ અસમના મુદ્દે વાત કરવા ગયા હતા ત્યારે કેવી રીતે રાહુલ ગાંધી કૂતરાને બિસ્કિટ ખવડાવવા પર વધુ ફોકસ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 2014માં તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીના કહેવા પર તેઓ રાહુલને મળ્યા હતા. સરમાએ કહ્યું હતું કે 20 મિનિટની મુલાકાતમાં રાહુલે 50થી વધુ વખત 'તો ક્યા' કહ્યું હતું. આજે જ્યારે અસમમાં રાહુલ ગાંધી Vs હિમંતા બિસ્વા સરમાનો સીન બની રહ્યો છે તો લોકો એવું કહી રહ્યા છે કે કદાચ સરમા પોતાનો 'જૂનો હિસાબ' ચૂકતે કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે