પ્રમોદ સાવંત બન્યા ગોવાના નવા મુખ્યમંત્રી, આવતીકાલે સાબિત કરશે બહુમત

પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા છે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ 21 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે, જેમાં ભાજપના 12, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (MGP)ના 3-3 ધારાસભ્ય તથા ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાવાયું છે 

પ્રમોદ સાવંત બન્યા ગોવાના નવા મુખ્યમંત્રી, આવતીકાલે સાબિત કરશે બહુમત

પણજીઃ શપથ લેવાના કેટલાક કલાક બાદ જ ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે જણાવ્યું કે, તેમની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે બુધવારે બહુમત પરીક્ષણની માગ કરી છે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ 21 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. જેમાં ભાજપના 12, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (MGP)ના 3-3 ધારાસભ્ય તથા ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાવાયું છે.

ચાલુ વર્ષે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને હવે રવિવારે મુખ્યમંત્રી પર્રિકરના નિધન ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામાને કારણે વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 36 રહી ગઈ છે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેના 14 ધારાસભ્યો છે. એનસીપીનો પણ એક ધારાસભ્ય ચૂંટાયેલો છે. 

મંગળવારે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સાવંતે પત્રકારોને જણાવ્યું કે, "અમે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ બુદવારે વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે. અમે તેના માટે તૈયાર છીએ." 

સોમવારે અડધી રાત્રે યોજાઈ શપથવિધિ
ઉલ્લેખનીય છે કે, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમસંસ્કાર બાદ મોડી રાત સુધી ભાજપના નેતાઓ અને અન્ય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ત્યાર બાદ અડધી રાત્રે ભાજપના પ્રમોદ સાવંતે મુખ્યમંત્રી તરીકે અને ગોવા ફોરવોર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ તથા મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુદિને નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. આ ઉપરાંત 11 અન્ય ધારાસભ્યોને પણ પદ અને ગુપ્તતાના શપથ લેવડાવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news