કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ઘમાસાણ, જાણો પ્રિયંકા ગાંધીએ શું આપ્યો જવાબ?

ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 33મો દિવસ છે. કાલે સરકાર અને ખેડૂતો (Farmers)  વચ્ચે ફરી સંવાદ થવાનો છે. આ અગાઉ વાયનાડથી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) રજાઓ ગાળવા માટે વિદેશ જતા રહ્યા છે. 

કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ઘમાસાણ, જાણો પ્રિયંકા ગાંધીએ શું આપ્યો જવાબ?

નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 33મો દિવસ છે. કાલે સરકાર અને ખેડૂતો (Farmers)  વચ્ચે ફરી સંવાદ થવાનો છે. આ અગાઉ વાયનાડથી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) રજાઓ ગાળવા માટે વિદેશ જતા રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે રાહુલ ગાંધી સંક્ષિપ્ત વ્યક્તિગત યાત્રા માટે વિદેશ રવાના થયા છે અને તેઓ થોડા દિવસ સુધી બહાર રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી ઈટાલી ગયા છે. વિદેશ રવાના થતા પહેલા રાહુલ ગાંધીએ ખેડૂતોની ફેવરમાં હુંકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'અન્નદાતા તમે આગળ વધો, હું તમારી સાથે છું.'

કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ: રાહુલ-સોનિયા ગાંધીની ગેરહાજરીમાં આ 'બિન ગાંધી' નેતાએ ફરકાવ્યો ઝંડો
આજે કોંગ્રેસના 136માં સ્થાપના દિવસે રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા અને સોનિયા ગાંધી બીમાર છે. આમ આ સ્થિતિમાં ગાંધી પરિવારના બંને મોટા નેતાઓની ગેરહાજરીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ પાર્ટી મુખ્યાલયમાં કોંગ્રેસનો ઝંડો ફરકાવ્યો. આ કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ થયા હતા. 

રાહુલના વિદેશ પ્રવાસ પર પ્રિયંકાએ કહ્યું...
પ્રિયંકા ગાંધી વાડ્રાને જ્યારે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે ZEE NEWSના સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં. જો કે  ખેડૂતોના મુદ્દે સરકારને શીખામણ જરૂર આપી કે સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એ આરોપ સંપૂર્ણ રીતે ખોટો છે કે રાજકીય સપોર્ટના કારણે આ આંદોલન થઈ રહ્યું છે. 

રાહુલ ગાંધી વિશે પણ આપ્યો જવાબ
રાહુલ ગાંધી પર પૂછાયેલા અનેક સવાલોના જવાબ ટાળતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ હોય તો અહીં જરૂર હોત. તેમણે કહ્યું કે રાહુલે ક્યાં રહેવાનું છે, તે તેમણે નક્કી કરવાનું છે. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીનું અહીં હોવું કે ન હોવું તેનાથી પાર્ટીને કોઈ સમસ્યા નથી. 

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 28, 2020

ભાજપે કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીના સ્થાપના દિવસ પર જ વિદેશ પ્રવાસે જતા રહેતા ભાજપને પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે. ભાજપના સાંસદ જનરલ વી કે સિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાહુલને શુભેચ્છા, કોંગ્રેસ સ્થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલ જી વિદેશમાં આરામ કરી રહ્યા છે...કદાચ બહુ થાકી ગયા છે. કોંગ્રેસની સ્થિતિ એવી છે કે જે સમજદાર છે તેને બહારનો રસ્તો દેખાડી દેવાય છે. 

જનરલ વી કે સિંહે કહ્યું કે યુપીએનું નેતૃત્વ ભલે કોઈ પણ કરે, શરદ પવાર કરે, કપિલ સિબ્બલ કરે, આજે કોંગ્રેસના શું હાલ છે તે બધા જાણે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની હાલત એવા બાળક જેવી છે કે જે પહેલા એક રમકડું માંગે છે, અને જ્યારે તે મળી જાય છે ત્યારે તે કહે છે કે આ નહીં બીજું જોઈએ છે. વી કે સિંહ અગાઉ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસ પોતાનો 136મો સ્થાપના દિવસ ઉજવે છે અને રાહુલ જી 9 2 11 થઈ ગયા?

— ANI (@ANI) December 28, 2020

ચોખવટ કરવામાં વ્યસ્ત કોંગ્રેસ
ભાજપના સતત પ્રહારો પર કોંગ્રેસ હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર સ્પષ્ટતા કરવા લાગી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી એક પર્સનલ પ્રવાસ પર ગયા છે. તેમના નાનીની તબિયત ઠીક નથી. આવામાં ભાજપે તેના પર સવાલ ઉભા કરવા જોઈએ નહીં. સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી હાલ પાર્ટી અધ્યક્ષ નથી, સોનિયા ગાંધી છે. પાર્ટી રાહુલને જ પણ જવાબદારી આપે છે, તેઓ તે નિભાવે છે. 

— ANI (@ANI) December 28, 2020

રણદીપ સુરજેવાલા ઉપરાંત કે સી વેણુગોપાલે પણ ભાજપના સવાલો પર નિશાન સાધ્યું. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ વિવાદ થયો હતો. આ વિવાદ બાદ જ કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગે પુષ્ટિ કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news