Pegasus જાસૂસી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવાની અને સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ છે.

Pegasus જાસૂસી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ

નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવાની અને સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ છે. અરજીમાં ભલામણ કરાઈ છે કે પત્રકારો, કાર્યકરો, નેતાઓ અને અન્યની ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને સરકારી એજન્સીઓ દ્વારા કથિત રીતે જાસૂસી કરાવવાના રિપોર્ટ્સની એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે. 

દેશની સુરક્ષા પર ગંભીર હુમલો- અરજીકર્તા
વકીલ એમ એલ શર્મા દ્વારા દાખલ થયેલી અરજીમાં કહેવાયું છે કે પેગાસસકાંડ ઊંડી ચિંતાનો વિષય છે અને તે ભારતીય લોકતંત્ર, ન્યાયપાલિકા અને દેશની સુરક્ષા પર ગંભીર હુમલો છે. વ્યાપક સ્તર અને 'કોઈ પણ જવાબદારી' વગર નિગરાણી કરવી 'નૈતિક રીતે ખોટું' છે. તેમણે કહ્યું છે કે સ્પાયવેરનો ઉપયોગ વ્યાપક સ્તરે કરાયો છે. 

વૈશ્વિક સુરક્ષા અને માનવાધિકાર માટે સમસ્યા
અરજીકર્તાએ કહ્યું છે કે સર્વિલાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ વ્યાપક સ્તરે થઈ રહ્યો છે અને તે વૈશ્વિક સુરક્ષા અને માનવાધિકારનો મુદ્દો છે. તેની દુનિયાભરમાં અસર થઈ છે. પેગાસસ માત્ર સર્વિલાન્સ ટુલ નથી પરંતુ એક સાઈબર હથિયાર છે. જો જાસૂસી કાયદેસર રીતે થઈ રહી હોય તો પણ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. તેમાં કહેવાયું છે 'પેગાસસ માત્ર નિગરાણી ઉપકરણ નથી. તે એક સાઈબર હથિયાર છે જેને ભારતીય સરકારી તંત્ર વિરુદ્ધ ઉપયોગ કરાઈ રહ્યું છે. ભલે તે એક અધિકૃત રીતે હોય (જેને લઈને સંશય છે) પરંતુ પેગાસસનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.'

અરજીકર્તાએ આ પણ દલીલ કરી
અરજીકર્તાએ કહ્યું કે પ્રાઈવસી કઈ છૂપવવાની ઈચ્છા નથી હોતી, તે સ્વયં એવી જગ્યા હોય છે જ્યાં આપણા વિચારો અને આપણા અસ્તિત્વ કોઈ અન્યના ઉદ્દેશ્યોનું સાધન નથી હોતા. આ ગરિમા માટે જરૂરી તત્વ છે. અરજીમાં કહેવાયું છે કે પેગાસસનો ઉપયોગ ફક્ત વાતચીત સાંભળવા માટે નથી થતો, પરંતુ તેના ઉપયોગથી વ્યક્તિના જીવન વિશે સમગ્ર ડિજિટલ જાણકારી મેળવી લેવામાં આવે છે અને તેનાથી માત્ર ફોનનો માલિક જ અસહાય નથી થતો પરંતુ તેની સંપર્ક સૂચિમાં સામેલ દરેક વ્યક્તિ આવું મહેસૂસ કરે છે. 

2016થી 50 હજાર ફોન નંબરને નિશાન બનાવવામાં આવ્યા
જનહિત અરજીમાં દાવો કરાયો છે કે એવું કહેવાય છે કે એનએસઓ ગ્રુપ કંપનાના ગ્રાહકોએ 2016 બાદથી લગભગ 50 હજાર ફોન નંબરને નિશાન બનાવ્યા છે. અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં એસઆઈટીની રચના કરવાના આદેશ આપવામાં આવે. પેગાસસ સ્કેન્ડલની તપાસ કરવામાં આવે અને જેણે પણ પેગાસસ સ્પાયવેર ખરીદ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવાની માગણી
અરજીમાં ભલામણ કરાઈ છે કે આ કાંડની તપાસ અને રાજનીતિક હિત સાધવા માટે 2017 બાદથી ન્યાયાધીશો, વિપક્ષના નેતાઓ, રાજનીતિક લોકો, કાર્યકરો, સલાહકારો અને અન્યની કથિત જાસૂસી કરવા તથા પેગાસસ ખરીદનારા મંત્રીઓ અને તમામ આરોપીઓ વિરુદ્ધ તપાસ કરવા તથા અભિયોગ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં એસઆઈટી બનાવવામાં આવે. અરજીમાં જાસૂસી માટે પેગાસસ સોફ્ટવેર ખરીદીને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવવાની પણ ભલામણ કરાઈ છે. 

ભારત સરકારે આરોપો ફગાવેલા છે
મીડિયા સંસ્થાનોના એક આંતરરાષ્ટ્રીય સંગઠને ખુલાસો કર્યો કે માત્ર સરકારી એજન્સીઓને જ વેચવામાં આવતા ઈઝરાયેલી જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધુ પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત મોટી સંખ્યામાં કારોબારીઓ અને અધિકાર કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઈલ નંબર કદાચ હેક કરાયા છે. સરકારે સોમવારે લોકસભામાં નેતાઓ, પત્રકારો અને અન્ય લોકો વિરુદ્ધ પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરી જાસૂસી કરવાના આરોપોને સ્પષ્ટપણે ફગાવ્યા હતા. સરકારે કહ્યું કે દેશના કાયદા હેઠળ નિયંત્રણ અને નિગરાણીની વ્યવસ્થા છે આવામાં ગેરકાયદેસર રીતે નિગરાણી શક્ય નથી અને આરોપ લગાવ્યો કે આવું કરીને દેશના લોકતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news