ઓપિનિયન પોલ: આ વખતે NDA રહેશે બહુમતથી દૂર, પણ ગુજરાતમાં 'મોદી લહેર' યથાવત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો કાર્યકાળ મળશે કે પછી કોંગ્રેસના રાહુલ ગાંધી સત્તા પર બિરાજમાન થશે, કે પછી કોઈ ત્રીજા મોરચાની જ સરકાર બનશે? લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને તે અગાઉ જ એક ઓપિનિયન  પોલ બહાર પડ્યો છે. ટાઈમ્સ નાઉ-VMR ઓપિનિયન પોલના જણાવ્યાં મુજબ ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટો પડકાર મળવાનો છે. જો કે તેની ભરપાઈ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં થતી જોવા મળી રહી છે. 

ઓપિનિયન પોલ: આ વખતે NDA રહેશે બહુમતથી દૂર, પણ ગુજરાતમાં 'મોદી લહેર' યથાવત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો કાર્યકાળ મળશે કે પછી કોંગ્રેસના રાહુલ ગાંધી સત્તા પર બિરાજમાન થશે, કે પછી કોઈ ત્રીજા મોરચાની જ સરકાર બનશે? લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને તે અગાઉ જ એક ઓપિનિયન  પોલ બહાર પડ્યો છે. ટાઈમ્સ નાઉ-VMR ઓપિનિયન પોલના જણાવ્યાં મુજબ ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટો પડકાર મળવાનો છે. જો કે તેની ભરપાઈ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં થતી જોવા મળી રહી છે. 

એનડીએનો વોટ શેર 4.4 ટકા ઘટીને 38.9 ટકા થઈ શકે છે. જ્યારે યુપીએના મતમાં 4.1 ટકાનો વધારો થઈ શકે છે. ગત વખતે 543માંથી 336 બેઠકો જીતનારા એનડીએને આ વખતે 252 બેઠકો મળી શકે છે. જ્યારે યુપીએને 147 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે અન્યના ફાળે 144 બેઠકો જઈ શકે છે. ઓપિનિયન પોલથી જોવા મળી રહ્યું છે કે એનડીએને સ્પષ્ટ બહુમતી (272) મળતી નથી.

યુપીમાં મહાગઠબંધન કરશે કમાલ?
બેઠકોને ધ્યાનમાં લેતા દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને મહાગઠબંધન તરફથી મોટો પડકાર મળવા જઈ રહ્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં એનડીએને સૌથી વધુ બેઠકો આ રાજ્યમાં 80માંથી 73 મળી હતી. જો કે આ વખતે એસપી અને બીએસપીના ગઠબંધનને સૌથી વધુ 51 બેઠકો મળવાની સંભાવના છે. સર્વેનું માનીએ તો રાજ્યમાં એનડીએને 27 જ બેઠકો મળશે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ ગત વખતની જેમ આ વખતે પણ 2 બેઠકો જ જીતે  તેવું જણાઈ રહ્યું છે. 

બિહારમાં કોણ મેળવશે બેઠકો?
40 બેઠકોવાળી હિન્દીભાષી રાજ્ય બિહારમાં એનડીએને સૌથી વધુ 25 બેઠકો મળી શકે છે. જ્યારે યુપીએના ફાળે 15 બેઠકો જઈ શકે છે. બિહારમાં જેડીયુ સાથે ભાજપ સત્તામાં છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાનો દાવો છે કે બિહારમાં પાર્ટી 30નો આંકડો મેળવશે. 

ઉત્તરાખંડ, એમપી, છત્તીસગઢ
ઉત્તરાખંડની બીધી 5 બેઠકો એનડીએને જઈ શકે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર ભલે ગઈ પરંતુ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 23 બેઠકો મળી શકે છે. રાજ્યની કુલ 29 બેઠકોમાંથી 6 બેઠકો યુપીએને મળી શકે છે. આ બાજુ છત્તીસગઢમાં પ્રમુખ પાર્ટીઓમાં સીધો મુકાબલો છે. પોલ મુજબ એનડીએને 5 અને યુપીએને 6 બેઠકો મળી શકે છે. 

રાજસ્થાનમાં કોણ
રાજસ્થાનમાં પણ ભાજપ સારું પ્રદર્શન કરે  તેવી આશા છે. જો કે સીટો પહેલા કરતા ઓછી મળશે પરંતુ વિધાનસભા ચૂંટણી કરતા સારું રહેશે. એનડીએને 25 બેઠકોમાંથી 17 મળી શકે છે. ગત વર્ષે બધી બેઠકો એનડીએને ફાળે ગઈ હતી. આ વખતે યુપીએને 8 બેઠકો મળી શકે છે. 

ગુજરાતમાં મોદી મેજીક રહેશે
ગુજરાતમાં મોદી મેજીક જળવાયેલું રહેશે. કુલ 26 બેઠકોમાંથી એનડીએને 24 મળી શકે છે. જો કે નોંધનીય વાત એ છે કે 2014માં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નહતું પરંતુ આ વખતે 2 બેઠકો મળી શકે છે. 

હિમાચલ, જમ્મુ અને કાશ્મીર તથા પંજાબમાં શું રહેશે સ્થિતિ
હિમાચલ પ્રદેશમાં એનડીએને 3 અને યુપીએને એક બેઠક મળી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને 4, યુપીએ અને એનડીએને 1-1 બેઠક મળી શકે છે. ચંડીગઢની બેઠક યુપીએના ફાળે જઈ શકે છે. 

મહારાષ્ટ્રમાં એનડીએનો દબદબો
જો હાલ ચૂંટણી થાય તો મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી એનડીએને સૌથી વધુ 43 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો 2014ની સરખામણીમાં 2.2 ટકા વધીને 53.5 ટકા મત મળી શકે છે. રાજ્યમાં યુપીએને 5 બેઠકોથી સંતોષ કરવો પડી શકે છે. બેઠકોના મામલે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન એનડીએને સરકાર બનાવવામાં ખાસ્સુ મદદરૂપ બની શકે છે. ગોવામાં મામલો બરાબરીનો જોવા મળી રહ્યો છે. એનડીએ અને યુપીએને એક-એક બેઠક મળી શકે છે. 

પશ્ચિમ બંગાળમાં એનડીએને 9 બેઠકો
મમતા બેનરજીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને સૌથી વધુ 32 બેઠકો મળી શકે છે. અહીં જો કે ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યની કુલ 42 બેઠકોમાંથી એનડીએને 9 અને યુપીએને એક બેઠક મળી શકે છે. સર્વેનું માનીએ તો પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટના સૂપડાં સાફ થતા જોવા મળી રહ્યાં છે. 

ઓડિશાના આ છે હાલ
અહીં ભાજપેને એકલાને 19 ટકા મતો મળતા જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં બીજેડી સત્તામાં છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમને 8 બેઠકો જ મળી શકે છે. પોલનું માનીએ તો 21 બેઠકોવાળા રાજ્યમાં એનડીએને જબરદસ્ત ફાયદો થશે. તેઓ 13 બેઠકો જીતી શકે છે. અત્રે જણાવવાનું કે 2014માં ઓડિશામાં એનડીએને ફક્ત એક જ બેઠક મળી હતી. 

આસામ અને નોર્થ ઈસ્ટમાં ભાજપને ફાયદો
સિટિઝનશીપ બિલનો રાજ્યમાં ભાજપને ફાયદો થઈ શકે છે. આસામમાં કુલ 14 બેઠકોમાંથી એનડીએને સૌથી વધુ 8 બેઠકો, યુપીએને 3, AIUDFને 2 અને અન્યને એક બેઠક જઈ શકે છે. આ બાજુ નોર્થ ઈસ્ટમાં ભાજપને સારી એવી લીડ મળતી જોવા મળી રહી છે. સર્વે મુજબ કુલ 11 બેઠકોમાંથી એનડીએને 9 અને યુપીએને એક તથા અન્યને એક મળી શકે છે. 

તામિલનાડુમાં યુપીએની ધમાલ
સર્વે મુજબ તામિલનાડુની 39 બેઠકોમાં યુપીએ (ડીએમકે અને કોંગ્રેસ)ને 35 બેઠકો મળી શકે છે. દક્ષિણના આ મહત્વપૂર્ણ રાજ્યમાં એનડીએનું ખાતું પણ નહીં ખુલે જ્યારે જયલલિતાની એઆઈએડીએમકેને 4 બેઠકો મળે તેમ છે. 

કેરળમાં એનડીએને એક બેઠક
પોલ મુજબ કેરળમાં એનડીએને એક બેઠક મળી શકે છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં યુપીએ અને એનડીએનું ખાતુ પણ નહીં ખુલે. અહીં YRSCPને 23 અને 2 બેઠકો ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુદેશમને મળી શકે છે. 

તેલંગણા
તેલંગણમાં ટીઆરએસનું શાસન છે. અહીંની 17 બેઠકોમાંથી ટીઆરએસને 10, યુપીએને 5 અને એનડીએને ફક્ત એક બેઠક મળે તેવું લાગે છે. જ્યારે એક બેઠક અન્યના ફાળામાં જઈ શકે છે. 

કર્ણાટકમાં કાંટાની ટક્કર
રાજ્યમાં હાલ કોંગ્રેસ-જેડીએસની સરકાર છે. પોલનું માનીએ તો લોકસભા ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. રાજ્યની કુલ 28 બેઠકોમાંથી યુપીએને 14 અને એનડીએને 14 બેઠકો મળી શકે છે. બીએસપી તથા અન્યનું તો ખાતું પણ ખુલતું જણાતું નથી. 

અત્રે જણાવવાનું કે આ પોલમાં દેશભરમાંથી 15731 લોકોના અભિપ્રાય લેવાયા છે. કુલ 703 પોલિંગ સ્ટેશનોને કવર કરાયા છે. દરેક પોલિંગ સ્ટેશનથી લગભગ 23 લોકોના સેમ્પલ લેવાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news