MPની આ એક બેઠક ખુબ ચર્ચામાં, છેલ્લા 41 વર્ષમાં ક્યારેય ખીલ્યું નથી કમળ, કોંગ્રેસનો કબ્જો

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના દાવેદાર ટિકિટ મેળવવા માટે ભોપાલથી લઈને દિલ્હી સુધી દોડધામ  કરી રહ્યાં છે.

MPની આ એક બેઠક ખુબ ચર્ચામાં, છેલ્લા 41 વર્ષમાં ક્યારેય ખીલ્યું નથી કમળ, કોંગ્રેસનો કબ્જો

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના દાવેદાર ટિકિટ મેળવવા માટે ભોપાલથી લઈને દિલ્હી સુધી દોડધામ  કરી રહ્યાં છે. આ મહિનાના અંત સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં ભાજપ દોઢ દાયકાથી સત્તામાં છે અને આગામી ચૂંટણી જીતીને તે ઈતિહાસ રચવા માંગે છે. બંને પક્ષો માટે ઉમેદવારોની પસંદગી એક મોટી સમસ્યા બની છે. આ બધા વચ્ચે એક વિધાનસભા બેઠકની ચર્ચા કરવી પણ જરૂરી છે જ્યાં છેલ્લા 41 વર્ષથી કોંગ્રેસનો કબ્જો છે. ભાજપની અથાગ મહેનત પણ તેને પોતાના પક્ષમાં કરી શકી નથી. છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ આ સીટ તે જીતી શક્યો નથી. આ બેઠક છે રાઘોગઢની વિધાનસભા બેઠક.

રાઘોગઢ બેઠક ગુના જિલ્લામાં આવે છે. ગુનાની અંદર 4 વિધાનસભા બેઠક છે. તેમાંથી એક રાજગઢ પણ છે. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને તેમના પરિવારનો વર્ષોથી કબ્જો છે. 1977થી આ બેઠક પર કોંગ્રેસ બિરાજમાન છે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા 41 વર્ષોથી ભાજપ આ બેઠક જીતી શક્યો નથી. દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે. એવી આશા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી તેમને જ ટિકિટ મળશે. 

1977માં દિગ્વિજય સિંહ પહેલીવાર બન્યા હતાં ધારાસભ્ય
પ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પહેલીવાર 1977માં આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદથી કોંગ્રેસ ક્યારેય આ બેઠક હારી નથી. 1977 પહેલા આ બેઠક પર ભારતીય જનસંઘના હરલાલ શાક્યવાર ધારાસભ્ય હતાં. તે અગાઉ 1967માં સ્વતંત્ર પાર્ટીના પી.લાલારામ આ બેઠક પરથી જીત્યા હતાં પરંતુ 1977 બાદ આ બેઠક પરથી કમળ ખીલે તેની વાટ જોવાઈ  રહી છે. દિગ્વિજય સિંહે 1977 બાદ 1980માં આ બેઠક પરથી જીત મેળવી હતી. 1990, 1993માં દિગ્વિજ્ય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ અહીંથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં. 1998, 2003માં એકવાર ફરીથી દિગ્વિજ્ય સિંહ આ બેઠક પરથી જીત્યા. 2003માં કોંગ્રેસને મળેલી સજ્જડ હાર  બાદ તેમણે સક્રિય રાજકારણમાંથી 10 વર્ષ માટે બ્રેક લેવાની વાત કરી હતી. 

જયવર્ધન સિંહને ટિકિટ મળવી નક્કી
2008ની ચૂંટણીમાં  કોંગ્રેસની ટિકિટ પર મૂળસિંહ દાદાભાઈ લડ્યાં અને જીત્યા. 2013માં કોંગ્રેસે દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહને મેદાનમાં ઉતાર્યા, ભાજપે રાધેશ્યામ ધાકડને મેદાનમાં ઉતાર્યા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. આગામી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જયવર્ધન સિંહ એકમાત્ર દાવેદાર છે. નોંધનીય છે કે મધ્ય પ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે 28 નવેમ્બરે મતદાન થવાનું છે. પરિણામ 11 ડિસેમ્બરે જાહેર કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news