વિદેશી કંપનીઓને ભારતમાં ક્લિનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે

ચીન અને કોરિયા જેવા દેશોને ધ્યાનમાં લેતાં સ્પર્ધા વધે તેવી સંભાવના છે. આપણે આપણાં બિઝનેસ મોડલ અને વ્યૂહરચનામાં નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

વિદેશી કંપનીઓને ભારતમાં ક્લિનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે

અમદાવાદ : ઈન્ડીયન ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશને (ઈડમા), (ગુજરાત સ્ટેટ બોર્ડ) ઓર્બિટ એક્ઝિબિશન્સ પ્રા. લિમિટેડના સહયોગથી અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા ખાતે ફાર્મેક ઈન્ડીયાની નવમી એડીશનનો પ્રારંભ કર્યો છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો આ 3 દિવસનો મહાસમારંભ 25 ઓકટોબરથી 27 ઓકટોબર સુધી ચાલશે. ઉદ્દઘાટન સમારંભમાં જે મહાનુભવો હાજર રહ્યા હતા, જેમાં અમિત બક્ષી (એમડી, એરિસ લાઈફ સાયન્સ લિમિટેડ), વી. આર શાહ (ડેપ્યુટી કમિશનર એફડીસીએ) અને અરવિંદ કુકરેટી  (ડેપ્યુટી ડ્રગ કન્ટ્રોલર, સીડીએસસીઓ, અમદાવાદનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત ડો. જૈમિન વસા (જીસીસીઆઈના પ્રમુખ), દીપાંથ રોય ચૌધરી (ઈડમાના નેશનલ પ્રેસીડેન્ટ), ડો. વિરંચી શાહ (ચેરમેન ઈડમા,- ગુજરાત સ્ટેટ બોર્ડ),  ચિરાગ દોશી (ચેરમેન ફાર્મેક ઈન્ડીયા) ડો. શ્રેણીક શાહ (સેક્રેટરી-ઈડમા- ગુજરાત સ્ટેટ બોર્ડ), નિરવ મહેતા (વાઈસ ચેરમેન-ઈડમા- ઈડમા,- ગુજરાત સ્ટેટ બોર્ડ) અને દારા પટેલ (સેક્રેટરી જનરલ,ઇડમા) નો સમાવેશ થાય છે.

આ સમારંભમાં ભારતની ટોચની 15 કંપનીઓ સાથે બાયર-સેલર મીટનું આયોજન કરાયુ છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ કદના એકમોને તેમની પ્રોડક્ટસ દર્શાવવા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ માટેના દ્વાર ખોલવાનો છે. વધુમાં વૈશ્વિક ધોરણો અનુસાર નવી ફાર્મોકોવિજીલન્સ સિસ્ટમના સંદર્ભમાં આ એક્સપો ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રે બદલાતી સ્થિતિ અંગે પરામર્શ કરીને વિદેશી કંપનીઓને ભારતમાં ક્લિનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે.

આ પ્રસંગે અમિત બક્ષીએ જણાવ્યું હતું કે "નાનું એકમ હોય કે મોટું, દરેકે સ્પર્ધામાં ટકી રહેવા માટે તફાવત ઉભો કરીને ટકી રહેવાનું રહેશે. એકમનું વિસ્તરણ માત્ર દેખાય તેવું નહીં કરીને બિઝનેસમાં ઈનોવેશન અને સોફ્ટ પાસામાં રોકાણ કરવાનું વલણ રાખવું જોઈએ."

એફડીસીએના ડેપ્યુટી કમિશ્નર વી.આર. શાહે વધુમાં જણાવ્યું કે "ચીન અને કોરિયા જેવા દેશોને ધ્યાનમાં લેતાં સ્પર્ધા વધે તેવી સંભાવના છે. આપણે આપણાં બિઝનેસ મોડલ અને વ્યૂહરચનામાં નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે ઈનોવેટની સાથે સાથે રિનોવેટ કરીને આગળ ધપવાનું રહેશે. ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગસાહસિકોને સંબંધ છે ત્યાં સુધી તે તમામ મુશ્કેલી અને વિપરીત પરિસ્થિતિઓ પાર કરીને સ્થાનિક અને વિદેશી બજારમાં સફળતાના શિખરો પાર કરતાં રહ્યા છે. પરિસ્થિતિને સાનુકૂળ થવાની આવડતને કારણે ઉદ્યોગસાહસિકો સફળ નિવડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકારના વિઝન અનુસાર પોસાય તેવા અને ઉપલબ્ધ થાય તેવી સ્થિતિના નિર્માણ માટે ગુજરાતમાં જેનરીક ઔષધોના 550  સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે."

સીડીએસસીઓ અમદાવાદના ડેપ્યુટી ડ્રગ કન્ટ્રોલર અરવિંદ કૂકરેટીએ જણાવ્યું હતું કે "કોઈપણ કંપની માટે બે બાબતો મહત્વની છે - ફાર્માસ્યુટિકલ સાયન્સ અને નિયમોનું પાલન. આ બંને સાથે રહેવાથી વિશ્વાસનું નિર્માણ થાય છે. નિયમનની નવી માર્ગરેખાઓમાં ઉત્પાદનના સ્થળથી પ્રોડક્ટસ તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ માર્ગરેખાઓમાં ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સિસ્ટમ, ક્વોલિટી મિસમેનેજમેન્ટ, પ્રોડક્ટ ક્વોલિટી રિવ્યુ વગેરે જેવા મહત્વના પરિબળોનો સમાવેશ કરાયો છે."

જીસીસીઆઈના પ્રમુખ જયમીન વસાએ જણાવ્યું હતું કે "ભારતમાં વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોની ખૂબ મોટી સંખ્યા છે, જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને આગળ ધપાવી શકે તેમ છે. ભારતમાં વર્ષ 2017માં  33 બિલિયન ડોલરથી વધીને  2018 થી 2022 સુધીમાં દવાઓ પાછળ થતો ખર્ચ 9 થી 12 ટકા જેટલા એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી વધવાની સંભાવના છે. ભારતના ફાર્મા ઉદ્યોગની નિકાસ 2017માં 17.27 યુએસ અબજ ડોલર જેટલી રહી છે અને વર્ષ 2020 સુધીમાં વધીને 20 અબજ યુએસ ડોલર જેટલી થશે. બિઝનેસ કરવામાં સુગમતાને કારણે ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મૂડી રોકાણ માટે વિશ્વમાં અત્યંત પસંદગી પાત્ર સ્થાન રહ્યું છે. વિવિધ પહેલ અને મેડિસીન તથા બાયોટેકનોલોજીના મજબૂત સ્ટાર્ટઅપને કારણે ગુજરાત ભારતમાં ફાર્માસ્યુટિકલ હબ તરીકે ઉપસી આવ્યું છે."

ફાર્મેક ઈન્ડિયા નાના અને મધ્યમ કદના એકમોને સહાયરૂપ બનીને તથા આગામી દિવસોની તરાહો, પડકારો અને તકોને ધ્યાનમાં લઈને આવક વૃધ્ધિમાં સહાયરૂપ થશે. અંદાજે 100 જેટલા એક્ઝીબીટર્સ આ ફાર્મા ઈવેન્ટમાં પોતાના મજબૂત પાસાંઓની ઘનિષ્ટ રજૂઆત કરી રહ્યા છે.

ઈડમાના નેશનલ પ્રેસિડેન્ટ દિપાંથ રોય ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે "ફાર્મેક 2018નો એજન્ડા ઉદ્યોગને લેટેસ્ટ ટેકનોલોજી અંગે માહિતી આપવાનો છે. આ પ્લેટફોર્મ ભારતની મજબૂતી, સિધ્ધિઓ, ભૂમિકા અને ભારતના ફાર્મા ઉદ્યોગને મહત્વની ગતિશીલતા પૂરી પાડવાની ક્ષમતા દર્શાવશે. છેલ્લા થોડાક દાયકામાં ભારત ફાર્મા ક્ષેત્રે મુખ્ય પરિબળ બનીને સારી કામગીરી દર્શાવી રહ્યું છે. ઈડમાએ પણ ભારતને ડ્રગ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા બજાવી છે. ગુજરાત મહત્વની ફાર્મા પ્રોડક્ટસનું હબ છે. રાજ્યમાં વિકાસ તરફના ઝોકને કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારતમાં પણ વૃધ્ધિ નોંધાઈ છે. અન્ય રાજ્યને હું ગુજરાતનું મોડલ અપનાવવાની ભલામણ કરૂં છું અને એ દ્વારા પોતાના રાજ્યોને વધુ ઉંચાઈએ લઈ જઈ ફાર્મા ઉદ્યોગને વધુ વૃધ્ધિ પૂરી પાડી જેનરિક ડ્રગના ઉત્પાદનમાં ગ્લોબલ લીડર બનવા ભલામણ કરૂં છું."

ઈડમા- ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન ડો. વિરાંચી શાહે જણાવ્યું હતું કે "ફાર્મેકમાં નોંધપાત્ર સંખ્યામાં એક્ઝીબિટર્સની હાજરી ઉપરાંત બાયર- સેલર મીટ આપણાં ક્ષેત્રની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે પરામર્શ માટેની મોટી તક બની રહેશે. ગુજરાતમાં નવા 180 પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે, જે વિકાસની ભારે તક દર્શાવે છે. ફાર્મેક ઉદ્યોગને ઉપલબ્ધ તકો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થવાની ભૂમિકા ભજવે છે."

ત્રણ દિવસના આ સમારંભમાં ફાર્માસ્યુટિકલ મશીનરી એન્ડ એન્જીનિયરીંગ, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ, બલ્ક ડ્રગ્ઝ, વેટરનરી ડ્રગ્ઝ, એડીટીવ્ઝ અને ઈન્ટરમિડિયેટ, ફાર્મા એન્સીલિયરી અને યુટીલિટી સર્વિસીસ અને મેઈન્ટેનન્સ જેવા વિષયો પર વિસ્તૃત નિદર્શન કરાશે. રેફ્રીજરેશન, પેકેજીંગ, પ્રિન્ટીંગ અને બારકોડીંગ, ફાર્માસ્ટુયિકલ ઉદ્યોગ માટે સોફ્ટવેર અને મેનેજમેન્ટ, ક્લિન રૂમ ટેકનોલોજી, સેફ્ટી ઈક્વિપમેન્ટસ તથા અન્ય ઘણી બધી ચીજો પ્રદર્શિત કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news