Morbi Bridge Collapse : સુપ્રીમ કોર્ટે મૃતકોના પરિવારને મળેલા વળતર વિશે ચિંતા વ્યક્ત કરી

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી...મૃતકોના પરિવારને ઓછા વળતર અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી... હાઈકોર્ટને તપાસ અને સુનાવણી ચાલુ રાખવા નિર્દેશ

Morbi Bridge Collapse : સુપ્રીમ કોર્ટે મૃતકોના પરિવારને મળેલા વળતર વિશે ચિંતા વ્યક્ત કરી

ગાંધીનગર :મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજીકર્તાના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા આ મામલે કોઈ પણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમા અરજી કરી શકે છે. મોરબી પુલ દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સતત નજર રાખીને એ ધ્યાન રાખવામાં આવે કે આવી ઘટનાઓ ન બને, હાઈકોર્ટ આ મામલે દલીલો ચાલુ રાખે. 

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, કાર્યવાહીમાં તેજી અને યોગ્ય વળતરના મામલે ધ્યાન રાખે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો કે, તે નિયમિત અંતરાલ પર સુનવણી કરતુ રહે. જેથી તમામ એન્ગલની બાબતોને સુનવણીમાં સમાવી શકાય. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, જો તેઓને આગળ જઈને સુપ્રીમ કોર્ટના દખલની જરૂર લાગે તો તેઓ સર્વોચ્ચ ન્યાયાલય પાસે આવી શકે છે. તો બીજી તરફ, હાઈકોર્ટે એ મુદ્દા પર ધ્યાન રાખે, જે અરજી કરનારાઓ તરફથી ઉઠાવવામાં આવ્યા છે. તેના પર નિર્દેશ જાહેર કરે. 

સાથે જ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાનો મામલે સુપ્રીમ કોર્ટે અરજી કરનાર પીડિત પરિવારને સૂચન કર્યું કે, તમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને 5 પાસાં પર વિચાર કરવા નિર્દેશ કર્યો છે. જેમાં 

  • તપાસ માટે સ્વતંત્ર આયોગની રચના થાય
  • નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી થાય
  • બ્રિજના દેખરેખની જવાબદાર કંપનીના અધિકારીઓની જવાબદારી નક્કી થાય
  • બ્રિજના દેખરેખની જવાબદાર કંપનીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવે
  • પીડિત પરિવારને યોગ્ય વળતર મળે...

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો છે કે તે નિયમિત સમયે સુનાવણી કરે. જેથી આ તમામ બાબતો પર સુનાવણી કરીને તેનો નિકાલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અરજી કરનારને કહ્યું કે જો તેમ  છતાં પણ તેમને સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીની જરૂર લાગે તો તે ફરી સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે.      

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે સરકારનો પક્ષ પણ સાંભળવામા આવે. તો સીજેઆઈએ કહ્યું કે, આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ આ મામલો જોઈ રહી છે. રાજ્ય, રાજ્ય માનવાધિકાર આયોગ વગેરેને પક્ષકાર બનાવાયા છે. વકીલે કહ્યુંકે, લોકોની મોતના મામલે સ્વતંત્ર તપાસ કરવામાં આવે. કારણ કે, સરકારી અધિકારીઓને બચાવવામા આવી રહ્યાં છે. મોરબી મામલા પર બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી છે. જેમાં એક વકીલ વિશાલ તિવારી અને બીજી બે મૃતકોના સંબંધીઓ દ્વારા દાખલ કરાઈ છે. જે પુલ પડવાની ઘટનાના મામલે સ્વતંત્ર તપાસ અને યોગ્ય વળતરને લઈને કરાઈ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news