દક્ષિણ અરેબિયન સમુદ્રના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પહોંચ્યું, જૂઓ કઈ તારીખે ક્યાં પહોંચશે

પ્રી-મોનસુન એક્ટિવટીના ભાગરૂપે આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને તેલંગાણાના કેટલાક શહેરોમાં સોમવારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો, જ્યારે સમગ્ર પશ્ચિમ અને ઉત્તર ભારત ભીષણ ગરમીમાં શેકાયું 
 

દક્ષિણ અરેબિયન સમુદ્રના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પહોંચ્યું, જૂઓ કઈ તારીખે ક્યાં પહોંચશે

નવી દિલ્હીઃ સોમવારે ચોમાસું અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારમાં પહોંચી ચુક્યું છે. આ ઉપરાંત માલદીવ્સ-કોમોરિન, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેના પૂર્વ સમુદ્રી કિનારા પર ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. આગામી એક-બે દિવસમાં જ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં તોફાની પવન સાથે વારસાદ પડવાની સંભાવના ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. પ્રી-મોનસુન એક્ટિવટીના ભાગરૂપે આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને તેલંગાણાના કેટલાક શહેરોમાં સોમવારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો, જ્યારે સમગ્ર પશ્ચિમ અને ઉત્તર ભારત ભીષણ ગરમીમાં શેકાયું હતું. રાજસ્થાનના ચુરુમાં દેશમાં સૌથી વધુ 50.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

છેલ્લા 8-10 દિવસથી સમગ્ર દેશમાં ભીષણ ગરમી પડી રહી છે અને લોકોને જાણે કે ભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. તેમાં પણ રાજસ્થાનમાં તો પારો કેટલાક વિસ્તારોમાં 50 ડિગ્રીને પાર કરી ગયો છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. હવે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું બેસવાનું હોવાના કારણે પશ્ચિમ અને ઉત્તર ભારતના લોકોએ હજુ થોડી રાહ જોવી પડશે. 

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ દક્ષિણ અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે અને આગામી 24 કલાકમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ્સ-કોમોરીન વિસ્તાર, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણના ટાપુઓમાં સમુદ્રની સપાટીમાં વધારો થતાં 5 જૂનના રોજ ચોમાસું બેસી જવાની સંભાવના છે. 6 જુનના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળમાં પહોંચી જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. 

હવામાન ખાતાએ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રીપુરામાં આગામી બે દિવસમાં તોફાની પવન સાથે ભારેથી અતીભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 

— ANI (@ANI) June 3, 2019

ઉત્તર ભારત હજુ ગરમીમાં શેકાશે 
ભારતીય હવામાન ખાતા મુજબ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં આગામી 48 કલાક સુધી હજુ હીટવેવ ચાલુ રહેશે. આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દક્ષિણ ઉત્તર પ્રદેશમાં પણ આગામી 24 કલાક સુધી હીટવેવ ચાલુ રહેશે. આથી, આ વિસ્તારના લોકોએ બપોરના સમયે બની શકે તો બહાર ન નીકળવા હવામાન ખાતાએ ચેતવણી આપી છે. 

— ANI (@ANI) June 3, 2019

સોમવારે પણ રાજસ્થાનમાં 50 ડિગ્રીને પાર રહ્યો પારો 
સોમવારે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 50 ડિગ્રીને પાર રહ્યું હતું. રાજસ્થાનના ચુરુમાં દેશમાં સૌથી વધુ 50.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

આજની આગાહી (4 જૂન, 2019)

  • ઝારખંડ, ગંગાના મેદાનો અને પશ્ચિમ બંગાળમાં 50-60 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. 
  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટકનો દક્ષિણ હિસ્સોમાં હળવાથી ભારે ઝાપટા પડવાની સંભાવના. 
  • ઉત્તરાખંડ, બિહાર, ઓડીશા, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રીપુરા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને કર્ણાટકના ઉત્તર ભાગમાં 30થી 40 કિમીની ઝડપે ભેજવાળો પવન ફૂંકાશે. 
  • ભારેથી અતિભારે વરસાદઃ નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રીપુરા, આસામ અને મેઘાલય. 
  • હીટ વેવઃ પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા,ચંડીગઢ, દિલ્હી, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, છત્તીસગઢ અને તેલંગાણા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news