મોદી સરકાર-2: કોણ બનશે મંત્રી, કોઈને પણ ખબર નથી, શપથના કેટલાક કલાક પહેલા કરાશે જાણ
ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે નવા મંત્રીમંડળની રચના અંગે મેરાથોન બેઠક યોજાઈ હતી અને કોને-કોને સ્થાન આપવું, કેવી રીતે એક સંતુલિત મંત્રીમંડળ બનાવવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. 30 મે, ગુરુવારના રોજ સાંજે 7.00 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળ માટે 30 મે, ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન પદના શપથ લેશે. સોગંધવિધિનો સમય સાંજે 7.00 કલાકનો રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની સાથે લગભગ 60થી 70 મંત્રીઓ શપથ લે તેવી સંભાવના છે. જોકે, અત્યાર સુધી કોને મંત્રી બનાવવામાં આવશે તે બાબત ગુપ્ત રાખવામાં આવી છે અને છેક છેલ્લી ઘડીએ જ ચૂંટાયેલા સાંસદોમાંથી કોને મંત્રીપદ મળશે તેની જાણ કરવામાં આવશે.
ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે નવા મંત્રીમંડળની રચના અંગે મેરાથોન બેઠક યોજાઈ હતી અને કોને-કોને સ્થાન આપવું, કેવી રીતે એક સંતુલિત મંત્રીમંડળ બનાવવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. 7, લોકકલ્યાણ માર્ગ પર બંને નેતાઓ વચ્ચે લગભગ 5 કલાક સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં ભાજપ અને સાથી પક્ષોમાંથી બનનારા મંત્રીઓ અને તેમના વિભાગોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી 2019માં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો છે અને જનતાનું ભરપૂર સમર્થન મળ્યું છે. એટલે, પાર્ટી પાસે જનતાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં સરકારની પણ હવે જવાબદારીઓ વધી ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીમંડળમાં યુવાનો, ક્ષેત્રીય સંતુલન, મહિલા, જાતિગત સંતુલન, આગામી વિધાનસભા ચૂંટણીવાળા રાજ્ય અને નિષ્ણાતો-અનુભવી નેતાઓને સ્થાન મળે તેવી સંભાવના છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંત્રીમંડળમાં જોડાશે કે નહીં તેના અંગે હજુ સસ્પેન્સ છે. અમિત શાહ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં જીત્યા છે. તેઓ વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ છે અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેમના નેતૃત્વમાં જ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. અરૂણ જેટલી અને સુષમા સ્વરાજે મંત્રી બનવાની પહેલાથી જ ના પાડી દીધી છે.
નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે યોજાનારા શપથ વિધિ સમારોહમાં દેશનાં તમામ રાજ્યોનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના મુખ્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટોચનાં સૂત્રોએ જણાવ્યું કે, આ ઉપરાંત દેશના તમામ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આ સમારોહમાં બોલાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષના જે નેતાઓને આમંત્રણ અપાયું છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, જેડીએસ નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી તથા આપ પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.
આ સાથે જ દેશના તમામ મોટા રાષ્ટ્રીય પક્ષો અને સ્થાનિક પક્ષોના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિજનોને પણ સોગંધવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે