બાપરે! 2 કિલો ટામેટા માટે બે બાળકોને 'ગિરવે' મૂકી દીધા, દુકાનદાર રાહ જોતો બેસી રહ્યો....
ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં બે બાળકોને બેસાડ્યા અને ટામેટા લઈને ભાગી ગયો. આ ઘટના ઓડિશાના કટકના છત્રબજાર વિસ્તારની છે.
Trending Photos
ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં બે બાળકોને બેસાડ્યા અને ટામેટા લઈને ભાગી ગયો. આ ઘટના ઓડિશાના કટકના છત્રબજાર વિસ્તારની છે. મળતી માહિતી મુજબ કટકના છત્રબજારના શાકભાજી માર્કેટમાં નંદુ દરરોજની જેમ પોતાની શાકભાજીની દુકાન સજાવીને બેઠો હતો. ત્યારે એક વ્યક્તિ બે સગીર બાળકો સાથે ગ્રાહક બનીને આવ્યો અને દુકાનમાં ઊભો રહ્યો. દુકાનદાર નંદુ સાથે તેણે ટામેટાના ભાવ લગાવ્યા. જથ્થાબંધ ભાવમાં ટામેટાની કિંમત પ્રતિ કિલો 130 રૂપિયામાં નક્કી કરી. ત્યાર બાદ બે કિલો ટામેટા લઈને દુકાનદારને કહ્યું કે મારે 10 કિલો ટામેટા વધુ લેવાના છે. હું મારું પર્સ ગાડીમાં ભૂલી ગયો છું. જ્યાં સુધી અમારા બાળકો ટામેટા વીણે ત્યાં સુધીમાં હું ગાડીમાંથી પર્સ લઈને આવું છું. આટલું કહીને તે માણસ જતો રહ્યો. બીજી બાજુ બંને બાળકો ને દુકાનદાર રાહ જોઈને બેસી રહ્યા.
જો કે ઘણીવાર વીતી ગયા છતાં તે વ્યક્તિ પાછો ન આવ્યો તો નંદુને શક ગયો. તેણે બંને બાળકોની પૂછપરછ કરી. ત્યારબાદ ખબર પડી કે તે ઠગાઈનો ભોગ બન્યો છે. નંદુએ બંને બાળકોને પોતાની દુકાન પર બેસાડી રાખ્યા. ત્યાં સુધીમાં આજુબાજુના દુકાનદાર પણ તેની પાસે પહોંચી ગયા. લોકોને જોઈને બંને સગીરો રડવા લાગ્યા.
બંનેએ જણાવ્યું કે તેઓ બારંગ પોલીસ મથક હેઠળ નંદનકાનનના રહીશ છે. બાળકોએ પોતાના નામ બબલુ બારિક અને એસ્કાર મહાંતિ જણાવ્યું. બંને બાળકોએ જણાવ્યું કે તેઓ તે માણસને ઓળખતા નથી. બાળકોના જણાવ્યાં મુજબ વ્યક્તિ બંનેને કામ અપાવવાના બહાને લાવ્યો હતો અને 300 રૂપિયા આપવાની વાત કરી હતી. રિપોર્ટ્સ મુજબ તેણે 2 સગીરોને કહ્યું કે વોશિંગ મશીનને ગાડીમાં ચડાવવાનું છે અને તેના માટે તે 300 રૂપિયા આપશે. છોકરાઓ તરત તૈયાર થઈ ગયા અને તે વ્યક્તિ સાથે ગયા. જો કે પછી તે ઠગ આ બંનેને લઈને છત્રબજાર શાકભાજી માર્કેટમાં લાવ્યો અને શાકભાજીવાળા પાસેથી ટામેટા અને 5 કાચા કેળા લઈને ગાડીમાં પર્સ ભૂલ્યાની વાત કરીને જતો રહ્યો. બંને બાળકો તેના પાછા ફરવાની રાહ જોઈને બેસી રહ્યા પરંતુ તે પાછો આવ્યો નહીં.
બીજી બાજુ દુકાનદારે બંને બાળકોને પકડી લીધા અને પોતાની પાસે બેસાડી દીધા. થોડા સમય બાદ વેપારી નંદુએ પોતાનું નુકસાન સ્વીકારી લેતા બંને બાળકોને છોડી દીધા. આ સમગ્ર મામલે કટકના ડીસીપી પિનાક મિશ્રાએ ટીઓઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમણે Malgodown પોલીસને આ મામલે સ્થાનિક વેન્ડર્સ સાથે વાતચીત કરી તપાસ કરવા કહ્યું છે અને તે વ્યક્તિ અને બે બાળકો વિશે માહિતી ભેગી કરવા જણાવ્યું છે. આ વ્યક્તિ વિશે ભાળ મેળવવા માટે અમે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનો પ્રયત્ન કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે