Lok Sabha Election 2024: 44 દિવસના ચૂંટણી મહાયજ્ઞની અંતિમ આહૂતિનો દિવસ, 57 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન 

Lok Sabha Election 2024: સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. જે સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને એક ચંડીગઢ બેઠક સામેલ છે. ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે. 

Lok Sabha Election 2024: 44 દિવસના ચૂંટણી મહાયજ્ઞની અંતિમ આહૂતિનો દિવસ, 57 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન 

લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનો આજે મતદાનનો દિવસ છે. જેમાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. જે સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને એક ચંડીગઢ બેઠક સામેલ છે. ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે.

મતદાન શરૂ
સવારે 7ના ટકોરે આ 57 બેઠકો પર મતદાન શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ એક્ઝિટ પોલ આવશે જે મતદારોનો મિજાજ કેવો રહ્યો તે જણાવશે.  

અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર
આ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ રાજકીય નેતાઓનું ભાવિ દાવ પર લાગ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી પાટલિપુત્ર અને અભિનેત્રી કંગના રનૌત મંડી સીટથી મેદાને છે. કહી શકાય કે દેશમાં અત્યાર સુધીના સૌથી લાંબા ચાલનારી લોકસભા ચૂંટણીની આજે પૂર્ણાહૂતિ થઈ રહી છે. પીએમ મોદી વારાણસીથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. 

અન્ય દિગ્ગજ નેતાઓમાં પટના સાહિબથી રવિશંકર પ્રસાદની સામે કોંગ્રેસમાંથી મીરા કુમારના પુત્ર અંશુલ અવિજીત છે. મંડી સીટથી કંગના સામે કોંગ્રેસના શાહી પરિવારના વિક્રમાદિત્ય છે. ગાઝીપુરમાં અફઝલ અન્સારીનો ગઢ  તોડવા માટે પણ ભાજપે આકરી મહેનત કરી છે. મુલાબલામાં પારસનાથ રાય છે. મિર્ઝાપુરમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ છે. તેમનો મુકાબલો ભાજપના બાગી રમેશ બિંદ સામે છે. 

Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC

— ANI (@ANI) June 1, 2024

ભાજપ પૂરો કરી શકશે 400નો નારો?
છેલ્લા રાઉન્ડની લડાઈ આમ રસપ્રદ છે. પૂર્વાંચલને ભાજપે જાતિ ગણિતથી સાધ્યું છે. બંગાળમાં પણ તમામ 9 સીટો પર ગઈ વખતે ટીએમસી જીતી હતી જેમાંથી અડધી સીટો ઉપર તો મોટું અંતર હતું. પંજાબથી ભાજપને ખાસ આશા છે. કારણ કે ત્યાં આમ આદમી પર્ટી કોંગ્રેસ સાથે નથી અને ભાજપે બંનેના અનેક નેતાઓને પોતાનામાં ભેળવી  ટિકિટ આપેલી છે. જો કે ચૂંટણી પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે કે આ દાવ સફળ નીવડ્યો કે નિષ્ફળ. 

જો કે ભાજપ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે કે અબ કી બાર 400 પાર જ થશે. પરંતુ ઈન્ડિયા અલાયન્સે 5માં તબક્કાના મતદાન બાદ બોલવાનું શરૂ કર્યું કે તેઓ 300 પાર જઈ રહ્યા છે. તે પહેલા તેમના નેતાઓ ફક્ત ભાજપની સીટો વિશે વાત કરતા હતા, પોતાની નહીં. કયા નેતાઓએ આ અંગે શું નિવેદનો આપ્યા છે તે પણ જાણવા જોઈએ. 

તેજસ્વી યાદવે કહ્યું હતું કે ભાજપને 240થી વધુ સીટો નહીં આવે. અરવિંદ કેજરીવાલનો દાવો હતો કે ભાજપ 220 સીટો પર સમેટાઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન  ખડગેએ કહ્યું હતું કે ભાજપને 200 સીટો પણ નહીં મળે. મમતા બેનર્જીએ પણ આ જ નંબર આપ્યો હતો કે ભાજપ 200 સીટ પર અટકી જશે. પ્રિયંકા ગાંધીએ તેમાં 20 સીટો ઘટાડીને કહ્યું કે ભાજપને 180 બેઠકો મળશે. રાહુલ ગાંધીએ તો વળી 30 સીટો ઘટાડીને કહ્યું 150 બેઠકો જ મળશે. અખિલેશ યાદવે તેમાં વધુ 10 સીટો ઘટાડી અને કહ્યું કે ભાજપ 140 પર અટકી જશે. 

હવે જ્યારે ચૂંટણી પોતાના અંતિમ તબક્કામાં છે તે બસ એક અંતર જોવા મળ્યું છે અને તે એ છે કે વિપક્ષ હવે પોતાને પણ 300 પાર ગણાવી રહ્યું છે. જ્યારે ભાજપના આત્મવિશ્વાસમાં 400 પારને  લઈને કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જે હોય તે...કોના દાવા અને વિશ્વાસ સાચા ઠરશે તે તો 4 જૂને પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news