પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ, ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? કોના માટે ખતરાની ઘંટી
લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. 62.37 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું જે જોતા એમ લાગે છે કે મતદારોનો ઉત્સાહ કઈક ઓછો જોવા મળ્યો. અનેક સીટો એવી જોવા મળી જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે.
Trending Photos
લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. 62.37 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું જે જોતા એમ લાગે છે કે મતદારોનો ઉત્સાહ કઈક ઓછો જોવા મળ્યો. અનેક સીટો એવી જોવા મળી જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે. દરેક પક્ષ પોત પોતાની રીતે દાવા કરી રહ્યા છે પરંતુ જો ગત ચૂંટણીના મતદાનની ટકાવારી સમજવાની કોશિશ કરીએ તો કઈ પાર્ટી આગળ હશે તેની ઝલક જરૂર જાણી શકાય.
યુપીમાં ઓછું મતદાન કોને કરાવશે ફાયદો?
દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ કેન્દ્રમાં સત્તાનો રસ્તો પણ નક્કી કરે છે. પહેલા તબક્કામાં યુપીની 8 બેઠકો પર મતદાન થયું છે. જ્યાં 6 સીટો હાઈ પ્રોફાઈલ ગણાય છે. તે સીટો પર મોટા ચહેરાઓ વચ્ચે લડાઈ છે. કૈરાનામાં આ વખતે ભાજપ તરફથી પ્રદીપ ચૌધરી મેદાનમાં છે. જ્યારે સપાના ઈકરા હસન અને બસપાના શ્રીકાંત રાણા મેદાનમાં હતા. આ વખતે કૈરાનામાં ઓછું મતદાન જોવા મળ્યું. ચૂંટણી પંચ મુજબ આ વખતે ત્યાં 61.17 ટકા મતદાન થયું છે.
શું છે સ્થિતિ
કૈરાના સીટનો ટ્રેન્ડ જોઈએ તો જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં મતદાનમાં મોટો જમ્પ જોવા મળ્યો હતો ત્યારે પરિવર્તન માટે મતદાન થયું હોય તેવું માનવામાં આવ્યું હતું. તે ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. આ એ રીતે સમજીએ કે 2009માં કૈરાનામાં 56.59 ટકા મતદાન થયું હતું. ત્યારે બસપાએ ત્યાંથી જીત મેળવી હતી. પરંતુ 2014ની ચૂંટણીમાં આંકડો 73.08 પર પહોંચી ગયો હતો. એટલે કે 17 ટકા જેટલો વધારો. આટલું બંપર મતદાન થતા સીટ બીજેપીના ફાળે જતી રહી. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન ટકાવારી થોડી ઘટી, આંકડો 67.41 નોંધાયો એટલે કે ત્યારે 6 ટકા જેટલું ઓછું મતદાન થયું.
2014માં મતોની ટકાવારી ઘટી છતાં સીટ ભાજપના ફાળે જ રહી અને ત્યાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નહતું. આ વખતે કૈરાનામાં 61.17 ટકા મતદાન થયું છે. એટલે કે ગત વખતની સરખામણીમાં 6 ટકા ઓછું મતદાન થયું છે. એને એ રીતે જોઈએ કે આ વખતે કૈરાનાની સીટ પર ખેલ પણ થઈ શકે છે. જાણકારો માને છે કે જ્યારે મતદાનમાં વિશેષતા જોવા મળે છે ત્યારે પરિણામ પરિવર્તનવાળા જોવા મળી શકે છે. એટલે કે જો બહું ઓછું મતદાન થાય તો પણ પરિવર્તનના સંકેત અને બંપર મતદાન થાય તો પણ બદલાવની લહેર જોવા મળી શકે.
મુઝફ્ફરનગરના હાલ
એ જ રીતે જો મુઝફ્ફરનગરની વાત સમજીએ તો અહી આ વખતે 59.29 ટકા મત પડ્યા. ભાજપે અહીંથી એકવાર ફરીથી સંજીવ બાલિયાનને ટિકિટ આપી છે. સપાએ હરેન્દ્ર મલિકઅને બસપાએ દારા સિંહ પ્રજાપતિને તક આપી. સમજવા જેવી વાત એ છે કે મુઝફફરનગરમાં 2009ની ચૂંટણીમાં 54.44 ટકા મત પડ્યા હતા. જ્યારે 2014ની મોદી લહેર દરમિાયન ટકાવારી વધીને 69.74 ટકા પર પહોંચી ગઈ હતી. એટલે કે એક રીતે 15 ટકા જેટલું બંપર અને નિર્ણાયક મતદાન થયું. આ મત પરિવર્તન માટે પડ્યા હતા અને ભાજપના સંજીવ બાલિયાને જીત નોંધાવી હતી. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં મતદાન 68.20 ટકા થયું હતું. જે 2014ની સરખામણીમાં બહુ વધુ નહતું. એટલે કે ન તો પરિવર્તનની લહેર હતી કે ન તો કોઈ મોટી નારાજગી. આ કારણે ત્યાં ફરીથી એકવાર ભાજપના સંજીવ બાલિયાને જીત નોંધાવી.
પણ આ વખતે આંકડા પર નજર ફેરવીએ તો મુઝફ્ફરનગર સીટ પર 59.29 ટકા મત પડ્યા છે. એટલેકે અહીં પણ 9 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે ઓછું મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે વધુ પડતા વિશ્વાસના કારણે ભાજપના મતદારો જ મતદાન કરવા ન આવ્યા હોય એવું બને? આવું ચોક્કસપણે તો ન કહી શકાય પરંતુ છેલ્લા કેટલાક સમયની ચૂંટણી ટ્રેન્ડ જણાવે છે કે ભારે ઘટાડાવાળું મતદાન હોય તો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે છે.
સહારનપુરના હાલ
યુપીની સહારનપુર સીટની વાત કરીએ તો આ વખતે ત્યાં 65.95 ટકા મતદાન થયું છે. ભાજપે આ સીટથી રાઘવ લખનપાલને ટિકિટ આપી. ઈન્ડિયા ગઠંબદને ઈમરાન મસૂદને આપી. બસપા તરફથી માજિદ અલીને મળી હતી ટિકિટ. 2009માં અહીં 63.25 ટકા મત પડ્યા હતા. ત્યારે ભાજપના રાઘવ લખનપાલ જીત્યા હતા. પછી મોદી લહેર દરમિયાન 11 ટકાનો ઉછાળો આવ્યો પરંતુ પરિણામ એ જ કે રાઘવ જીત્યા. 2019ની વાત કરીએ તો 70 ટકા મતદાન થયું પરંતુ જીત ભાજપના હાથમાં જ રહી. એટલે કે સહારનપુર એક એક એવી સીટ છે જ્યાં છેલ્લા 15 વર્ષથી એક ટ્રેન્ડ યથાવત છે. વધુ કે ઓછું મતદાન અહીં કોઈ ફરક પાડતું નથી.
રામપુરની શું છે સ્થિતિ
આ વખતે રામપુરમાં 54.77 ટકા મતદાન થયું છે. જે ગત વખતની સરખામણીમાં 9 ટકા ઓછું થયું છે. 2014માં જ્યારે ભાજપે આ સીટ સપા પાસેથી આંચકી હતી ત્યારે રામપુરમાં 2009ની સરખામણીમાં 7 ટકા વધુ મત પડ્યા હતા. એટલે કે મત વધવાથી ભાજપને ફાયદો થતો જોવા મળ્યો પરંતુ રામપુરમાં આ ટકાવારી ઘટી છે. શું ભાજપ માટે બની શકે છે ખતરની ઘંટી?
જ્યાં ભાજપ મજબૂત ત્યાં મતદાન ઓછું? શું સમજવું
ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ બની શકે છે કે જ્યાં જ્યાં ભાજપ મજબૂત છે ત્યાં આ વખતે જનતામાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો છે. બિહારમાં આ વખતે ફક્ત 47 ટકા મતદાન થયું છે. જે ગત વખત 53 ટકા હતું. આ જ રીતે મધ્ય પ્રદેશમાં ગત વખતે 75 ટકા મતદાન થયું હતું જે આ વખતે ઘટીને 63 ટકા થયું. જો રાજસ્થાન પર નજર ફેરવીએ તો એવું જોવા મળ્યું છે કે મતોની ટકાવારી ઘટવાથી ભાજપને વધુ નુકસાન થયું છે.
રાજસ્થાનની વોટિંગ પેટર્ન
જો વાત છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીની કરીએ તો રાજસ્થાનમાં બે વાર એવું જોવા મળ્યું છે કે મતદાન ઓછું થવાથી ભાજપે નુકસાન ભોગવવું પડ્યું છે. આ વખતે રાજસ્તાનની 12 સીટો પર 57.87 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીમાં આ આંકડો 63.71 ટકા હતો. એક મોટો પહેલું એ પણ છે કે 1999માં રાજસ્થાનમાં 53.34 ટકા મતદાન થયું હતું. અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ 2004ની ચૂંટણીમાં તે ઘટીને 49.6 ટકા રહી ગયું અને તેનો ફાયદો કોંગ્રેસને પહોંચ્યો. આ જ રીતે 2009માં ફરી મતદાનમાં ઘટાડો થયો અને આંકડો 48.44 ટકા પર પહોંચી ગયો અને ત્યારે કોંગ્રેસે બાજી મારી. પરંતુ 2014માં મોદી લહેર દરમિયાન બંપર મતદાન થયું અને ભાજપે તમામ 25 બેઠકો જીતી. 2019માં પાછો મોટો જંપ આવ્યો અને ભાજપે બધી સીટો કબજે કરી. પરંતુ આ વખતે ખેલ પલટાયો છે અને રાજસ્થાનમાં ફક્ત 57.87 ટકા મતદાન થયું છે. જે કોંગ્રેસ માટે આશાનું કિરણ જગાવી રહ્યું છે.
મતદાન ઓછું થાય તો બદલાય સત્તા?
મતદાનની ટકાવારીથી સ્થિતિ સમજવાની કોશિશ કરીએ તો અહીં પણ એનડીએ માટે સારા સમાચાર જોવા મળી રહ્યા નથી. ગત 12 લોકસભા ચૂંટણીના પરિણામોનો અભ્યાસ કરીએ તો ખબર પડે છે કે પાંચ વખત મતદાનની ટકાવારી ઘટી હતી અને તેનો સીધો ફાયદો વિપક્ષી પાર્ટીઓને થયો હતો અને કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું. તેની શરૂઆત 1980માં થઈ ગઈ હતી. જ્યારે મતદાન બાદ જનતા પાર્ટી હારી ગઈ અને ઈન્દિરા ગાંધીએ ફરી એકવાર સત્તા બનાવી. 1989માં પણ મતદાનની ટકાવારી ઘટી અને કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે વી પી સિંહ પીએમ બની ગયા. 1991માં ફરી થોડો ઘટાડો જોવા મળ્યો અને તેનો ફાયદો કોંગ્રેસને થયો.
ઈન્ડિયા ગઠબંધન માટે સૌથી મોટો શુભ સંકેત એ છે કે 2004માં પણ મતદાનની ટકાવારી ઘટી હતી અને ત્યારે અટલ બિહારી વાજપેયીનું શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેઈન જેમનું તેમ રહી ગયું હતું અને કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ વખતે 2024માં પી મોટાભાગના રાજ્યોમાં પહેલા તબક્કામાં ઓછું મતદાન જોવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે