ભાજપ પોતે બહુમતથી ઘણો દૂર, આવામાં શું આ 4 મોટા મુદ્દાઓ પર આગળ વધવાનું સાહસ કરી શકશે મોદી?

Lok Sabha Election 2024: એનડીએની સરકાર તો બનશે પરંતુ ભાજપ પોતે બહુમતથી છેટું રહ્યું. એટલે કે હવે ભાજપે સહયોગીઓના ભરોસે રહેવું પડશે. આવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર એ મોટા મુદ્દાઓને હાથમાં લેવાનું સાહસ ભેગું કરી શકશે જે તેમના નેતાઓ અવારનવાર જાહેરમાં ઉઠાવતા રહે છે.

ભાજપ પોતે બહુમતથી ઘણો દૂર, આવામાં શું આ 4 મોટા મુદ્દાઓ પર આગળ વધવાનું સાહસ કરી શકશે મોદી?

પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ આ વખતે 400 પારના નારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યું હતું. જો કે અપેક્ષા પ્રમાણે સીટો મળી નહીં. 400થી દૂર રહ્યું 300ના પણ વાંધા પડી ગયા. એનડીએની સરકાર તો બનશે પરંતુ ભાજપ પોતે બહુમતથી છેટું રહ્યું. એટલે કે હવે ભાજપે સહયોગીઓના ભરોસે રહેવું પડશે. આવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર એ મોટા મુદ્દાઓને હાથમાં લેવાનું સાહસ ભેગું કરી શકશે જે તેમના નેતાઓ અવારનવાર જાહેરમાં ઉઠાવતા રહે છે. આવા જ 4 કોર ઈશ્યુ વિશે જાણીએ જેના પર અમલ કરવા પર આ વખતે મોદી સરકાર ખચકાટ અનુભવી શકે છે. શું આ મુદ્દાઓ પર મોદી સરકાર આગળ વધી શકશે ખરી?

સમાન નાગરિક સંહિતા
પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હંમેશા એક દેશ એક કાનૂન વિશે વાત કરતા રહે છે. ધર્મના આધારે બનેલા પર્સનલ લોને તેઓ દેશ માટે વિભાજનકારી અને ખતરનાક ગણાવે છે. તેમનું  કહેવું છે કે સમગ્ર દેશમાં એક સમાન નાગરિક સંહિતા (UCC) હોવી જોઈએ. જેનું બધા પાલન કરે. ભાજપની માંગણીનો મુસ્લિમ વર્ગ બહોળો વિરોધ કરે છે. તેમનો આરોપ છે કે આ તેમના ધર્મની આઝાદીને ઓછી કરવાની કોશિશ છે. 

વિવાદ જોતા ભાજપે સમગ્ર દેશમાં એક સાથે યુસીસી લાગૂ કરવાની જગ્યાએ ટ્રાયલ બેઝ પર પહેલા ઉત્તરાખંડમાં લાગૂ કરાવ્યું. ત્યાં તેનો કોઈ ખાસ વિરોધ  થયો નહીં. આવામાં ભાજપના નેતા એવું માનતા હતા કે જો ભાજપ બંપર બહુમતી સાથે ત્રીજીવાર સરકાર બનાવવામાં સફળ થશે તો યુસીસી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. પરંતુ ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા અને હવે સરકાર માટે સાથી પક્ષોના સહારે  રહેવું પડશે આવામાં ભાજપ આ મુદ્દા પર સમજી વિચારીને જ કોઈ પગલું ભરશે. 

એક દેશ એક ચૂંટણી
એક દેશ એક ચૂંટણી એ ભાજપનો બીજો કોર મુદ્દો રહ્યો છે. ભાજપનું કહેવું છે કે દેશમાં સતત કોઈને કોઈ ચૂંટણી ચાલતી રહે છે. જેના કારણે લાંબા સમય સુધી આચારસંહિતા લાગૂ રહેતી હોય છે. આવામાં વિકાસ કાર્યોમાં અડચણ આવે છે અને કરોડો રૂપિયાનો વ્યય થાય છે. પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો અને પોતાની સરકારના બીજા કાર્યકાળના અંતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં હાઈ લેવલ કમિટી બનાવી હતી. આ કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરીને લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકારને સોંપી ચૂકી છે. એવું મનાતુ હતું કે ત્રીજીવાર જીત્યા બાદ આ દિશામાં મોદી સરકાર આગળ વધી શકે છે. 

જો કે મોદી સરકારની આ માંગણીનો વિપક્ષી દળો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે આ કોશિશ દેશમાં લોકતંત્રને કચડવાનું ષડયંત્ર છે. આમ કરીને મોદી સરકાર સંસદીય પ્રણાલીને ખતમ કરી અમેરિકાની જેમ રાષ્ટ્રપતિ સિસ્ટમ લાગૂ કરવા માંગે છે. આવામાં જોવાનું એ રહેશે કે બીજાને ભરોસે મોદી સરકાર આ મુદ્દે આગળ વધવાનું સાહસ કરી શકશે.

જનસંખ્યા નિયંત્રણ કાયદો
વધતી જનસંખ્યા દેશ માટે એક મોટી સમસ્યા બની ચૂકી છે. વસ્તીના મામલે ભારત હવે ચીનને પછાડીને દુનિાયનો નંબર એક દેશ બની ચૂક્યો છે. તેના કારણે પાણી, રસ્તા, જમીન, અનાજ બધા સંસાધનો ઓછા પડી રહ્યા છે. ભાજપ આ મુદ્દાને વર્ષોથી ઉઠાવે છે. પીએમ મોદી પણ સત્તામાં આવ્યા બાદ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવતા રહ્યા છે અને આ મુદ્દા પર દેશમાં સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. લાલ કિલ્લા પર સંબોધન દરમિયાન પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

ભાજપ નેતા આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવવાની વકાલત કરતા રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે જો આ ચૂંટણીમાં ભાજપને બંપર જીત મળી હોત તો મોદી સરકાર ચોક્કસ આ મુદ્દે આગળ વધત. પણ હવે કોઈ પણ મુદ્દા પર આગળ વધતા પહેલા સહયોગી પક્ષોની સહમતિ લેવી પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ આ મુદ્દા પર કોઈ મોટું પગલું ઉઠાવતા ખચકાઈ શકે છે. 

પીઓકે વાપસી
ભાજપનો આ સ્થાપના સમયથી કોર મુદ્દો રહ્યો છે. મોદી પીએમ બન્યા બાદ જ્યારે સરકારે એક પછી એક કલમ 370, અયોધ્યામાં રામ મંદિર, અને CAA જેવા મોટા મુદ્દા ઉકેલ્યા તો લોકોની અપેક્ષાઓ વધતી ગઈ. લોકોને આશા હતી કે જો પીએમ મોદી જબરદસ્ત બહુમત સાથે સરકારમાં વાપસી કરશે તો આ વખતે તેઓ પાકિસ્તાન પાસેથી પીઓકે પાછું  લેવાના મુદ્દે આગળ વધી શકે છે. અમિત શાહ, જયશંકર, રાજનાથ સિંહ, સહિત નેતાઓએ પોતાની રેલીઓમાં આ વખતે સંકેત પણ આપ્યો હતો. જો કે મોદી સરકારે તેના પર ચૂપ્પી રાખી. 

સરકારની આ ખામોશીના કારણે ગૂંચવાડો હતો. પીઓકે વાપસી માટે ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડે અને આમ કરવાથી ચીનની સેના ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચે. જેના કારણે ભારતે બે મોરચે જંગ લડવી પડે. આ કારણે મોદી સરકાર ચૂપ છે. પરંતુ જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ભારતના ફેવરમાં બને તો કદાચ સરકાર આ અંગે પ્લાન કરી શકે. પરંતુ હવે જ્યારે ભાજપ  પાસે બહુમત નથી તો આવામાં પીઓકે વાપસી પર આગળ વધવું એ ગઠંબધનના સાથી પક્ષોની સહમતિ પર નિર્ભર રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news