કર્ણાટકઃ સ્પીકરે કહ્યું - કોઈ પણ બળવાખોર ધારાસભ્ય મને મળ્યો નથી, 8ના રાજીનામા ગેરકાયદે
કર્ણાટકના રાજકીય નાટક વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને સમન્સ પાઠવ્યું છે અને તેમના રાજીનામા બાબતે સ્પષ્ટીકરણ માગ્યું છે
Trending Photos
બેંગલુરુઃ કર્ણાટકના રાજકીય નાટક વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને સમન્સ પાઠવ્યું છે અને તેમના રાજીનામા બાબતે સ્પષ્ટીકરણ માગ્યું છે. આ સાથે જ તેમણે રાજ્યપાલને પણ પત્ર લખીને જણાવ્યું છે કે, એક પણ બળવાખોર ધારાસભ્ય મને મળ્યો નથી. બળવાખોર 13 ધારાસભ્યોમાંથી 8ના રાજીનામા કાયદા અનુસાર નથી. મેં ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે.
આ દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના સ્પીકરને એક અરજી કરી છે અને તેમને પાર્ટીના બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે, જેમણે પાર્ટીની સુચનાનો અનાદર કર્યો છે. કોંગ્રેસની દિલ્હીનું નેતૃત્વ પણ આ બાબતે સક્રિય થઈ ગયું છે. સોનિયા ગાંધીએ દિલ્હીથી પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ અને બી.કે. હરીપ્રસાદને બપોરે બેંગલુરુ રવાના કર્યા હતા.
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો છે કે, "કર્ણાટકમાં અત્યારે જે રાજકીય સંકટ સર્જાયું છે તેમાં આ વખતે રાજ્ય ભાજપ જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતાઓ અમિત શાહ અને વડાપ્રધાન મોદી પણ તેમાં સામેલ છે. તેમના દિશાનિર્દેશના કારણે જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડી દેવાના પ્રયાસો થયા છે. આ બાબત લોકશાહીની વિરુદ્ધ અને લોકોના આદેશ વિરુદ્ધ છે. ભાજપ દ્વારા પૈસા, સત્તા અને મંત્રીપદની ઓફર આપવામાં આવી રહી છે."
આ અગાઉ સવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રોશન બેગે મંગળવારે સ્પીકરને પોતાનું રાજીનામુ આપ્યું હતું. તે પહેલા મંગળવાર સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પણ રોશન બેગ સહિત પાર્ટીના 12 ધારાસભ્યો સામેલ થયા ન હતા. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સામેલ ન થનારા ધારાસભ્યોના નામ આ પ્રકારે છે.
1. રામલિંગા રેડ્ડી
2. ડૉ. સુધાકર
3. રોશન બેગ
4. તુકારામ
5. અંજલિ નિંબાલકર
6. એમટીબી નાગરાજ
7. સંગમેશ્વર
8. શિવન્ના
9. ફાતિમા
10. બી નાગેન્દ્ર
11. રાજે ગૌડા
12. રામાપ્પા
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે