ISIનો '380 પ્લાન' ડિકોડ- આતંકી હુમલા માટે હવે મહિલા આતંકીઓની થઈ રહી છે ભરતી
Trending Photos
જમ્મુ: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં સુરક્ષાદળો પર હુમલા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ(ISI) મહિલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ભરતી કરી રહી છે. જેથી કરીને સાથી આતંકીઓને સુરક્ષા એજન્સીઓની નજરથી બચાવી શકાય. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનથી કાશ્મીરમાં આવતા આતંકી ફંડિંગ પર લગામ લગાવ્યાં બાદથી ISIએ હવે આતંકીઓને ફંડિંગ કરવા માટે ટિફિન પ્લાન બનાવ્યો છે.
તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકી ફંડિંગની આવી જ એક કોશિશમાં ડોડાના રહીશ યુવકની ધરપકડ કરી હતી જે આતંકી ગ્રુપ લશ્કર એ તૈયબાના આતંકીઓને ટિફિન બોક્સ દ્વારા પૈસા પહોંચાડતો હતો. પોલીસે ટિફિન બોક્સમાંથી દોઢ લાખ રૂપિયા જપ્ત કરીને આતંકીઓની મોટી કોશિશ નિષ્ફળ કરી.
સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ ISI સુરક્ષા એજન્સીઓની નજરથી આતંકીઓને બચાવવા માટે મહિલા OGWનો સહારો લઈ રહી છે. મહિલા OGW આતંકીઓના ગ્રુપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ગ્રુપમાં મહિલા સભ્ય હોવાના કારણે અનેકવાર આતંકીઓ સુરક્ષા એજન્સીઓને ચકમો આપવામાં સફળ થઈ જાય છે. મળતી માહિતી મુજબ કેટલાક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે મહિલા OGW લાઈન ઓફ કંટ્રોલ થી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયેલા આતંકીઓની મદદ પણ કરે છે.
સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ ISIએ આતંકીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ મોબાઈલના ઉપયોગથી બચે અને કોડ વર્ડ દ્વારા જ અન્ય આતંકી કે તેના કમાન્ડર સાથે વાત કરે. એટલું જ નહીં આતંકીઓને લો પ્રોફાઈલ રહેવાનું પણ કહેવાયું છે જેનાથી તેમના વિશેની ગુપ્ત માહિતી સરળતાથી ભેગી કરી શકાય નહીં.
ભારતીય સુરક્ષા એજન્સીઓના એક રિપોર્ટ મુજબ LOC પર ભારે સંખ્યામાં આતંકીઓનો જમાવડો થયો છે. તમામ આતંકી પાકિસ્તાની સેનાની મદદથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના મોટા ષડયંત્રમાં લાગ્યા છે. દેશની અલગ અલગ ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે તૈયાર થયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે 380 આતંકીઓ LOC નજીકના લોન્ચિંગ પેડ પર ભેગા થયા છે જેમને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાની સેના સતત સીઝફાયરનો ભંગ કરી રહી છે.
Zee Newsને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષા દળો પર હુમલા માટે બોર્ડર એક્શન ટીમને પણ સક્રિય કરી છે જેનાથી જોખમ વધ્યું છે. એલઓસી નજીકના વિસ્તારોમાં આતંકીઓના અનેક ગ્રુપ પાકિસ્તાની સેનાના કેમ્પોમાં પણ જોવા મળ્યાં છે.
સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી મુજબ અમે તમને જણાવીએ છીએ કે કયા કયા વિસ્તારોમાં આતંકીઓના કેટલાક ગ્રુપ સક્રિય છે જે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે.
1. ગુરેજ સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર લશ્કર એ તૈયબા અને જૈશના 30 આતંકીઓનું ગ્રુપ હોવાની જાણકારી મળી છે.
2. મચ્છલ સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર અલ બદર, જૈશ અને લશ્કર એ તૈયબાના 40થી વધુ આતંકીઓનું ગ્રુપ હાજર છે.
3. કેરન સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર 30 આતંકીઓ હાજર છે, જે કૂપવાડામાં ઘૂસવા માટે ષડયંત્ર રચી રહ્યાં છે.
4. તંગધાર સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર 50થી વધુ આતંકીઓ છે જે અલ બદર અને લશ્કર ઐ તૈયબા ગ્રુપના છે. પાકિસ્તાની સેના આ વિસ્તારોમાં બેટ એક્શનની તૈયારીમાં લાગી છે.
5. નૌગામ સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર લગભગ 15 આતંકીઓનું ગ્રુપ જોવા મળ્યું છે.
6. ઉરી પાસેના લોન્ચિંગ પેડ પર 25 જેટલા આતંકીઓનું ગ્રુપ જોવા મળ્યું છે. જે પાકિસ્તાની સેના સાથે ભારતીય સુરક્ષાદળો પર બેટ એક્શનની તૈયારીમાં છે.
7. પૂંછ નજીકના લોન્ચિંગ પેડ પર લશ્કર એ તૈયબા અને હિજબુલ ગ્રુપના 40થી વધુ આતંકીઓ હોવાની જાણકારી મળી છે જે IED વિસ્ફોટ દ્વારા સુરક્ષા દળો પર હુમલાના ષડયંત્ર રચી રહ્યાં છે.
8. બિંબર ગલી પાસેના લોન્ચિંગ પેડ પર 40થી વધુ આતંકીઓ હાજર છે.
9. કૃષ્ણા ઘાટી પાસેના લોન્ચિંગ પેડ પર લશ્કર ઐ તૈયબા અને જૈશના 30થી વધુ આતંકીઓ બેટ એક્શનની તૈયારીમાં છે.
10. નૌશેરા, અખનૂર, અને દ્રાસ સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર 30-40 આતંકીઓનું ગ્રુપ જોવા મળ્યું છે જે ઘૂસણખોરીના ષડયંત્રમાં લાગ્યા છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેના ચીન સાથે ભારતના તણાવનો ફાયદો ઉઠાવવામાં લાગી છે. જો કે ભારતીય સેના લાઈન ઓફ કંટ્રોલ અને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ બંને બાજુ સંપૂર્ણ રીતે ચોક્કસ છે. આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં નવા રૂટ દ્વારા ઘૂસણખોરી કરવાની કોશિશમાં લાગ્યા છે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ સુરક્ષા હાલાતમાં ઘણો સુધારો થયો છે. જ્યાં ગત વર્ષની સરખામણીમાં આતંકી ઘટનાઓમાં ઘણી કમી આવી છે. ત્યાં છાશવારે થતી પથ્થરબાજીની ઘટનાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સુરક્ષા એજન્સીઓના એક રિપોર્ટ મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીમાં પથ્થરબાજીની ફક્ત 40 ઘટનાઓ સામ આવી છે. જ્યારે ગત વર્ષ 2019માં સુરક્ષાદળો સામે પથ્થરબાજીની કુલ 666 ઘટનાઓ ઘટી અને 2018માં 851 આવા મામલા જોવા મળ્યાં હતાં. જો કે મળતી માહિતી મુજબ હિંસામા આવેલી કમી પાછળ સુરક્ષા દળોની સારી રણનીતિની સાથે સાથે કોવિડ-19નું સંક્રમણ પણ એક કારણ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે