Corona Update: દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ છે. દેશમાં સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે સતત બીજા દિવસે 4 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે.

Corona Update: દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ છે. દેશમાં સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે સતત બીજા દિવસે 4 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે. જો કે દિલ્હી અને મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ મૃતકોની સંખ્યા ઓછી થઈ રહી નથી. 

24 કલાકમાં 4 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4,03,738 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,22,96,414 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,83,17,404 લોકો રિકવર થયા છે. જ્યારે 37,36,648 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાએ એક દિવસમાં 4092 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,42,362 પર પહોંચી ગઈ છે. જો કે હવે રિકવર થનારા દર્દીની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3,86,444 દર્દીઓ રિકવર થયા. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,94,39,663 લોકોને રસી અપાઈ છે. 

Total cases: 2,22,96,414
Total discharges: 1,83,17,404
Death toll: 2,42,362
Active cases: 37,36,648

Total vaccination: 16,94,39,663 pic.twitter.com/m00jtZZhwY

— ANI (@ANI) May 9, 2021

શનિવારે 18 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાં 18,65,428 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો હવે 30,22,75,471 પર પહોંચી ગયો છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 53605 કેસ
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં શનિવારે કોરોનાના 53605 નવા દર્દીઓ નોંધાયા. જ્યારે 24 કલાકમાં 864 દર્દીઓના મોત થયા. રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં કોરોનાના હવે કુલ 50 લાખ 53 હજાર 336 જેટલા કેસ થયા છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે કોરોનાના દર્દીઓની સંખ્યામાં હવે ઘટાડો થવા લાગ્યો છે. શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા 54022 જેટલી હતી જ્યારે શનિવારે 53605 નવા કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2664 નવા કેસ આવ્યા છે જ્યારે 62 લોકોના કોરોનાથી મોત થયા છે. 

ગુજરાતમાં કોરોનાના ઘટ્યા કેસ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  શનિવારે આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11892 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 119 લોકોના મોત થયા છે. રાજ્યમાં નવા કેસ કરતા રિકવર થનારાની સંખ્યા વધુ જોવા મળી. એક જ દિવસમાં 14937 દર્દીઓ રિકવર થઈને ઘરે પાછા ફર્યા. 

મંત્રાલયે બદલી રણનીતિ
દેશમાં કોરોનાના 37 લાખ જેટલા એક્ટિવ કેસ છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે પોતાની રાષ્ટ્રીય નીતિમાં ફેરફાર કર્યો છે. આ નવી નીતિ હેઠળ હવે કોવિડ હેલ્થ ફિસિલિટીમાં પોઝિટિવ રિપોર્ટ વગર પણ દર્દીને દાખલ કરી શકાશે. નવી નીતિ મુજબ કોઈ પણ દર્દીને ઓક્સિજન અને દવા આપવાની ના પાડવી જોઈએ નહીં. પછી ભલે તે અલગ શહેરનો કેમ ન હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news