દેશમાં કોરોના કેસમાં વધારો, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત આ રાજ્યોમાં આવ્યા રેકોર્ડ કેસ
રાજ્યના આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 11877 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 2069 લોકો સાજા થયા છે અને 9 લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા કેસમાં ઉછાળ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 3194 નવા કેસ સામે આવ્યા છે. રાજધાનીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ હવે 8397 થઈ ગયા છે. જેમાંથી 307 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તો 94 દર્દીઓને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે ચાર દર્દી વેન્ટિલેટર પર છે. તો મહારાષ્ટ્રમાં પણ કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. રવિવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના 8063 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 578 લોકો સાજા થયા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 29819 છે.
મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ નવા કેસ
રાજ્યના આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 11877 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 2069 લોકો સાજા થયા છે અને 9 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સક્રિય કેસ વધીને 42024 થી ગયા છે. રવિવારે અહીં ઓમિક્રોનના 50 કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 510 થઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ 6 હજારથી વધુ કેસ
પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજ્યમાં રવિવારે સતત પાંચમાં દિવસે કોરોના કેસમાં ઉછાળ જોવા મળ્યો અને આ સીઝનના રેકોર્ડ 6153 કેસ સામે આવ્યા છે. તેમાંથી ત્રણ હજારથી વધુ એટલે કે 3194 કેસ માત્ર રાજધાની કોલકત્તામાં નોંધાયા છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાના 552 નવા કેસ
કોરોનાના નવા કેસ વધવાની સાથે ઓમિક્રોન વેરિએન્ટે ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી લીધી છે. અમેઠીમાં પાછલા દિવસોમાં બ્રિટનથી આવેલા પતિ-પત્ની ઓમિક્રોનથી સંક્રમિત હોવાથી જિલ્લામાં હડકંપ મચી ગયો છે. તો આ વચ્ચે પ્રદેશમાં કોરોના સંક્રમણના 552 નવા કેસ પણ સામે આવ્યા છે.
કેરલમાં સામે આવ્યા 2500થી વધુ કેસ
કેરલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2802 નવા કેસ સામે આવ્યા, આ દરમિયાન સંક્રમિત દર્દીઓમાં 12 લોકોના મૃત્યુ થયા અને 2606 લોકો સાજા થયા છે. કેરલમાં આજે ઓમિક્રોન વેરિએન્ટના 45 કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 152 પર પહોંચી ગયો છે.
મહત્વનું છે કે કોરોનાના નવા કેસ વધવાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 1500ને પાર પહોંચી ગયો છે. પરંતુ રાહતની વાત છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટની જેમ વધુ ઘાતક નથી. આ વાત નિષ્ણાંતો પણ કહી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે