"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી

PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી

PM Modi in Ayodhya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીપાવલીની પૂર્વસંધ્યાએ આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં પ્રતીક સ્વરૂપનો રાજ્યાભિષેક કર્યો હતો. પ્રધાનમંત્રીએ સરયુ નદીના નવા ઘાટ પર આરતી પણ નિહાળી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી સંતોને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી.

અત્રે જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી રામલલા અને રાજ્ય અભિષેકનાં દર્શન કરવાનું સૌભાગ્ય ફક્ત ભગવાન શ્રી રામનાં આશીર્વાદથી જ શક્ય છે. ભગવાન રામનો અભિષેક આપણામાં તેમનાં મૂલ્યો અને આદર્શોને વધુ મજબૂત બનાવે છે. તેમના અભિષેકથી ભગવાન શ્રી રામે બતાવેલો માર્ગ વધુ સ્પષ્ટ થઈ જાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અયોધ્યાજીના દરેક કણમાં આપણે તેમની ફિલોસોફી જોઈએ છીએ." આ ફિલસૂફી અયોધ્યાની રામ લીલાઓ, સરયુ આરતી, દીપોત્સવ અને રામાયણ પર સંશોધન અને અભ્યાસ મારફતે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દીપાવલી એવા સમયે આવી છે, જ્યારે ભારતે તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે અને આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આ આઝાદી કા અમૃત કાલમાં ભગવાન શ્રી રામ જેવો સંકલ્પ જ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસની પ્રેરણા તથા સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો ભગવાન રામના શબ્દો અને વિચારોમાં, તેમનાં શાસનમાં અને તેમના વહીવટમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "દરેક ભારતીય માટે ભગવાન શ્રી રામના સિદ્ધાંતો વિકસિત ભારતની આકાંક્ષાઓ છે. તે એક દીવાદાંડી જેવું છે જે સૌથી મુશ્કેલ લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પ્રેરણા પૂરી પાડે છે."

આ વર્ષે લાલ કિલ્લા પરથી તેમણે 'પંચ પ્રણ' વિશે આપેલા આહવાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પંચ પ્રણની ઊર્જા નાગરિકોની કર્તવ્ય ભાવનાનાં તત્ત્વ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું હતું કે, "આજે, પવિત્ર નગરી અયોધ્યામાં, આ શુભ પ્રસંગે, આપણે આપણા સંકલ્પ માટે પોતાને ફરીથી સમર્પિત કરવું પડશે અને ભગવાન રામ પાસેથી શીખવું પડશે." પ્રધાનમંત્રીએ 'મર્યાદા પુરુષોત્તમ'ને યાદ કરીને કહ્યું હતું કે, 'મર્યાદા' આપણને શિષ્ટાચાર શીખવે છે અને સન્માન આપવાનું પણ શીખવે છે અને 'મર્યાદા' જે ભાવના પર ભાર મૂકે છે તે કર્તવ્ય એટલે કે ફરજ છે. 

પ્રધાનમંત્રીએ ભગવાન રામને કર્તવ્યોનું જીવંત મૂર્ત સ્વરૂપ ગણાવતાં કહ્યું હતું કે, શ્રી રામે તેમની તમામ ભૂમિકાઓમાં હંમેશા પોતાની ફરજોને પ્રાથમિકતા આપી છે. "રામ કોઈને પાછળ છોડતા નથી, રામ ક્યારેય પોતાનાં કર્તવ્યોથી મોં ફેરવ્યું નથી. આમ, રામ એ ભારતીય કલ્પનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે માને છે કે આપણા અધિકારો આપણી ફરજો દ્વારા આપોઆપ સાકાર થાય છે." પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ભારતનાં બંધારણની મૂળ પ્રતમાં ભગવાન રામ, મા સીતા અને લક્ષ્મણની છબી છે. બંધારણનાં આ જ પૃષ્ઠમાં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે. અર્થાત્, એક તરફ બંધારણ મૂળભૂત અધિકારોની બાંહેધરી આપે છે, તો સાથે સાથે ભગવાન શ્રી રામના રૂપમાં કર્તવ્યોની શાશ્વત સાંસ્કૃતિક સમજ પણ છે.

આપણા વારસામાં ગૌરવ અને ગુલામીની માનસિકતાના દૂર કરવાના સંબંધમાં 'પંચ પ્રણ'નો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી રામે માતા અને માતૃભૂમિને સ્વર્ગથી પણ ઉપર રાખીને આ માર્ગ પર આપણને માર્ગદર્શન આપ્યું હતું. રામ મંદિર, કાશી વિશ્વનાથ, કેદારનાથ અને મહાકાલ લોકનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે એ ધાર્મિક સ્થળોને નવજીવન આપ્યું છે, જે ભારતનાં ગૌરવનો હિસ્સો છે. પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે લોકો ભગવાન શ્રી રામનાં અસ્તિત્વ વિશે સવાલ ઉઠાવતા હતા અને તેના વિશે વાત કરતાં અચકાતા હતા. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. માર્ગોના વિકાસથી માંડીને ઘાટ અને ચાર રસ્તાના બ્યુટિફિકેશનથી માંડીને નવાં રેલવે સ્ટેશન અને વૈશ્વિક કક્ષાનાં એરપોર્ટ જેવા માળખાગત સુધારાઓ સુધી, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિસ્તારને વધેલાં જોડાણ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનનો પુષ્કળ લાભ મળશે. તેમણે રામાયણ સર્કિટના વિકાસ માટે કામ ચાલી રહ્યું હોવાની માહિતી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક જીર્ણોદ્ધારનાં સામાજિક અને આંતરરાષ્ટ્રીય પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો તથા જાણકારી આપી હતી કે, શ્રીંગવરપુર ધામમાં નિષાદ રાજ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં ભગવાન શ્રી રામ અને નિષાદ રાજની 51 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા હશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રતિમા રામાયણના સર્વસમાવેશકતાના સંદેશનો પ્રચાર કરશે, જે આપણને સમાનતા અને સંવાદિતાના સંકલ્પ સાથે જોડે છે. અયોધ્યામાં 'ક્વીન હીઓ મેમોરિયલ પાર્ક'ના વિકાસ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પાર્ક ભારત અને દક્ષિણ કોરિયાના આંતરરાષ્ટ્રીય સંબંધોને ગાઢ બનાવવાનાં માધ્યમ તરીકે કામ કરશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે આધ્યાત્મિક પ્રવાસનની વાત આવે છે, ત્યારે રામાયણ એક્સપ્રેસ ટ્રેન એ યોગ્ય દિશામાં એક પગલું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ચાહે તે ચારધામ પ્રોજેક્ટ હોય, બુદ્ધ સર્કિટ હોય કે પછી પ્રસાદ યોજના હેઠળની વિકાસ પરિયોજનાઓ" હોય, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "આ સાંસ્કૃતિક કાયાકલ્પ નવા ભારતના સંપૂર્ણ વિકાસના શ્રી ગણેશ છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અયોધ્યા ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે રામ અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમની આરાધના સમગ્ર દેશની છે. તેમની પ્રેરણા, તેમની તપસ્યા, તેમનો માર્ગ, દરેક દેશવાસી માટે છે. ભગવાન રામના આદર્શોનું પાલન કરવું એ આપણા બધા ભારતીયોની ફરજ છે. તેમણે કહ્યું હતું કે, આપણે તેમના આદર્શોને સતત જીવવાના છે અને તેને જીવનમાં લાગુ પાડવાના છે. પ્રધાનમંત્રીએ અયોધ્યાના લોકોને આ પવિત્ર શહેરમાં દરેકનું સ્વાગત કરવાની અને તેને સ્વચ્છ રાખવાની તેમની બેવડી ફરજો વિશે યાદ અપાવીને સમાપન કર્યું હતું. અયોધ્યાની ઓળખ 'કર્તવ્ય નગરી' તરીકે વિકસિત થવી જોઈએ, એમ તેમણે સમાપન કર્યું હતું. અગાઉ પ્રધાનમંત્રીએ ભગવાન શ્રી રામલલા વિરાજમાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી તથા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news