UJJAIN TEMPLE: શા માટે ઉજ્જૈનને મનાય છે ધરતીનું નાભી સ્થળ? જાણો કાલભૈરવને શા માટે ચઢે છે દારૂનો પ્રસાદ
શિવ પુરાણ અનુસાર ઉજ્જૈનમાં બાબા મહાકાલનું મંદિર ખૂબ પ્રાચીન છે. આ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં થઈ હતી. આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈન મહાકાલનું શિવલિંગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે.
Trending Photos
નિરજ ચોકસી, અમદાવાદઃ ઉજ્જૈનને ભગવાન મહાકાલની નગરી કહેવામાં આવે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું. ક્ષિપ્રાના કિનારા પર વસેલું ઉજ્જૈન શહેર તેની ધાર્મીક માન્યતાઓના કારણે જાણીતું છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
કેમ કહેવાય છે ઉજ્જૈન ધરતીનું નાભી સ્થળ
મહાકાલ મંદિરના શિખરની ઠીક ઉપરથી કર્ક રેખા પસાર થતી હોવાથી આ સ્થળને ધરતીનું નાભી સ્થળ કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં રાજા પ્રધોતનું રાજ હતું તે સમયથી લઈને ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દી સુધી મહાકાલ મંદિરના અવશેષ પ્રાપ્ત થાય છે. છઠ્ઠી સદીમાં ઉજ્જૈનના રાજા ચંદ્રપ્રદ્યોતે મહાકાલ પરિસરની વ્યવસ્થા માટે તેમના પુત્ર કુમાર સંભવની નિમણૂંક કરી હતી.
ભસ્મ આરતીની પરંપરા
પૌરાણીક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે,પ્રાચીનકાળમાં દૂષણ નામના રાક્ષસે ઉજ્જૈન નગરીમાં હાહાકાર મચાવ્યો હતો. નગરવાસીઓને આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવે તેનો વધ કર્યો ત્યાર પછી ગામના લોકોએ બાબાને અહીં વસી જવાનો આગ્ર કર્યો ત્યારથી ભગવાન શિવ મહાકાલના સ્વરૂપમાં ત્યાં વસી ગયા. શિવે દૂષણને ભસ્મ કર્યો અને પછી તેની રાખથી પોતાનો શ્રૃંગાર કર્યો. આ કારણે આ મંદિરનું નામ મહાકાલેશ્વર રાખવામાં આવ્યું અને શિવલિંગની ભસ્મથી આરતી કરવાની શરૂઆત કરાઈ. અહીં પહેલા રોજ શિવની ભસ્મથી આરતી ઉતારવામાં આવતી હતી. પરંતુ હવે સમય પ્રમાણે કપિલા ગાયના છાણમાંથી બનેલા છાણા, શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ તેમજ બોરના લાકડાઓને બાળી ભસ્મ તૈયાર કરવામાં આવે છે. આ આરતી દરમિયાન ત્યાંનું વાતાવરણ એક જુદા જ પ્રકારના ધાર્મિક તરંગો વાળુ થઇ જાય છે. મંદિરમાં લાવી શિવલિંગને આ ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ ભસ્મ આરતી માટે ભક્તો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવે છે.
Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...
ભસ્મ આરતીમાં મહિલાઓ માટે નિયમ
મહાકાલની 6 આરતી થાય છે જેમાં સૌથી ખાસ માનવામાં આવે છે ભસ્મ આરતી - આ આરતીના સમયે મહિલાઓને સાડી પહેરવી પડે છે અને ઘૂંઘટ કાઢવો પડે છે. માન્યતા છે કે તે સમયે શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે. આ સ્વરૂપના દર્શન કરવાની પરવાનગી મહિલાઓને નથી હોતી.
પુરૂષો માટે પણ છે નિયમ
આ આરતીમાં મહાકાલેશ્વરના દર્શન કરવા માટે પુરૂષોને ફક્ત ધોતી પહેરવાની હોય છે. આ ધોતી પણ એકદંમ સ્વચ્છ હોવી જરૂરી છે.
દિવસમાં 6 વખત થાય છે આરતી
મહાકાલેશ્વર મંદિરમાં દિવસમાં 6 વખત આરતી થાય છે જેમાં 6 વખત શિવજીના અલગ-અલગ શ્રૃંગાર કરવામાં આવે છે.
1.ભસ્મનું શ્રૃંગાર
2.શિવ ઘટા ટોપ સ્વરૂપ
3.શિવલિંગને અપાય છે હનુમાનનું સ્વરૂપ
4.ઊગવાન શિવનો શેષ નાગ અવતાર જોવા મળે છે
5.શિવને દુલ્હાનું રૂપ આપવામાં આવે છે
6.શયન આરતી થાય છે તેમાં શિવના સ્વરમાં હોય છે શિવ
ઉજ્જૈન મંદિર તેના સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે. વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર કાલિદાસે તેઓના જીવનના 50 વર્ષ અહીંયા જ વિતાવ્યાં હતાં.
ગ્રંથોમાં કઈ સદીમાં મહાકાલનો ઉલ્લેખ છે
કહેવામાં આવે છે કે,10મી સદીના અંતિમ દશકાઓમાં માલવા પર પરમાર રાજાઓનું રાજ હતું. 11મી સદીવા 8માં દશકામાં ગજની નામના સેનાપતિએ 12મી સદીમાં પૂર્વાર્ધમાં ઉદયાદિત્ય અને નર વર્માના શાસનમાં મંદિરનું ફરીથી નિર્માણ થયું. ઉદયાદિત્ય અને નર વર્માના શાસન પછી સુલ્તાન ઈલ્તુતમિશે મહાકાલેશ્વર મંદિર પર બીજી આક્રમણ કરી તેને ધ્વસ્ત કરી દીધું. 14મી અને 15મી સદીના ગ્રંથોમાં મહાકાલનો ઉલ્લેખ મળે છે. 18મી સદીના ચોથા દશકામાં મરાઠા સામરાજ્યનું માલવા પર આધિપત્ય હતું. ત્યાર પછી પેશ્વા બાજીરાવ પ્રથમે ઉજ્જૈનનો કાર્યભાર તેમના વિશ્વસ્ત સરદાર રાણોજી શિંદેને આપ્યો.
નાગચંદ્રેશ્વર મંદિર
વર્તમાનમાં જે મંદિર છે તેનું નિર્માણ રાણોજી શિંદેએ જ કરાવ્યું છે. મંદિરના મધ્યભાગમાં ઓમકારેશ્વરનું શિવલિંગ છે સૌથી ઉપરના ભાગ પર નાગચંદ્રેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં એક જ વખત નાગપંચમીના દિવસે જ ખુલે છે.
કાલભૈરવ મંદિર
આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે કાલભૈરવ મંદિર. અહીંયા ભૈરવબાબાની મૂર્તિ દારૂ પીવે છે. કાલભૈરવને દારૂ ખુબ પ્રિય છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ રીતે એ જાણવા નથી મળ્યું કે આખરે દારૂ ક્યાં જાય છે. વામમાર્ગી તાંત્રીકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ઉજ્જૈન જનારા ભકતો મહાકાલ બાદ તુરંત જ આ મંદિરે જાય છે.
મંગલનાથ મંદિર
સ્કંધ પુરાણના અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલી કથા છે. અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યાચારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું. તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી ફાટી અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે