સાવધાન ! મુંબઈમાં હાઇ ટાઇડ એલર્ટ, 4.16 મીટર ઉંચા ઉછળશે મોજાં
જો હાઇ ટાઇડ વખતે ભારે વરસાદ થયો તો મુંબઈવાસીઓની મુસીબત વધી શકે છે
Trending Photos
મુંબઈ : મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ પુરી રીતે ભરાઈ ગયો છે. જૂનમાં જ્યારથી વરસાદની શરૂઆત થઇ છે ત્યારથી 8 લોકોના જીવ ચાલ્યા ગયા છે. સોમવારે સાંજ થી અત્યાર સુધી મુંબઈમાં ચાર લોકોની મૌત થઇ ચુકી છે. શહેરમાં આગામી 24 થી 48 કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ સંજોગોમાં હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈમાં આજે સવારે 11.21 કલાકે હાઇ ટાઇડ આવી શકે છે જે દરમિયાન સમુદ્રના મોજાં 4.16 મીટર સુધી ઉછળી શકે છે. જો આ સમયે ભારે વરસાદ આવતો હશે તો મુંબઈગરાઓની સમસ્યા ચોક્કસ વધી શકે છે. હાઇ ટાઇડની આગાહીના પગલે નેવીને એલર્ટ કરી દેવામાં આવી છે અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. વિસ્તારમાં પાણી ભરાઈ જાય, ઝાડ તુટી પડે કે એવી કોઈ સમસ્યા થાય તો આ નંબર 022- 22694725 અને 022- 22694727 પર ફોન કરી શકાય છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ, તેના ઉપનગરો તથા પડોશના નવી મુંબઈ, થાણે જિલ્લા અને પાલઘર જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈના ધારાવી, સાયન, કુર્લા, બાન્દ્રા, ચેંબૂર સહિત અનેક ભાગોમાં અને સબવે વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
રવિવાર સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોના શિડ્યૂલ પણ ખોરવાતા સવારે ઓફિસ જવા નીકળેલા લોકોને તકલીફ પડી હતી. ઈસ્ટ વડાલાના એન્ટોપહિલમાં જમીન ધસી પડતા 20 ગાડીઓ પણ તેની નીચે દબાઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે