કર્ણાટકના સંભવિત રાજકીય ભૂકંપનું એપિસેન્ટર ગુજરાત?
કર્ણાટકમાં વિપક્ષમાં એકતાના દાવા સાથે સરકાર બનાવનાર જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે બધું બરાબર નથી
Trending Photos
કિંજલ મિશ્રા / અમદાવાદ : કર્ણાટકમાં વિપક્ષમાં એકતાના દાવા સાથે સરકાર બનાવનાર જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે બધું બરાબર નથી. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે આ મતભેદ એટલો વધી ગયો છે કે કોંગ્રેસની વિદ્રોહી જુથ હવે બીજેપી સાથે હાથ મેળવીને સરકારને પાડવાના મૂડમાં છે. ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચા છે કે પાંચ જુલાઈએ પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહેલી કુમારસ્વામી સરકારને એની પહેલાં જ પાડી દેવામાં આવશે.
આ પરિસ્થિતિ વચ્ચે એક મહિના પહેલાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહેવાના કારણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેનાર બીજેપી નેતા બી.એસ. યેદિયુરપ્પા એકાએક ફરી સક્રિય થઈ જતા રાજકીય વમળો સર્જાયા છે. તેમણે સોમવારે અમદાવાદ જઈને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી.
અમદાવાદ પહોંચેલા અમિત શાહ ગઈ કાલે ચિંતન શિબિરમાં હાજરી આપવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરબદલ થયો હતો અને તેના ઘરે જ મિટિંગનો દોર ચાલુ થયો હતો જો કે આ મુલાકાતો માં સૌથી આશ્ચર્યજનક મુલાકાત હતી કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદિયુરપ્પા સાથેની 10 મિનિટની મુલાકાત. નવાઈની વાત એ પણ હતી કે આ મિટિંગની જાણ અમિત શાહ અને યેદિયુરપ્પા સિવાય કોઈને નહોતી. જોકે સત્તાવાર જાહેરાત પ્રમાણે યેદિયુરપ્પા અને અમિત શાહ વચ્ચે યોજાયેલી મિટિંગ 2019ની લોકસભાની ચૂંટણીના આયોજનની તૈયારીના ભાગરૂપે હતી.
ભૂતકાળમાં પણ દેશની રાજનીતિમાં ખળભળાટ મચાવી શકે એ પ્રકારના અનેક સિક્રેટ ઓપરેશન અમિત શાહે ગુજરાતમાં રહીને પાર પાડ્યા હતા. ભૂતકાળમાં અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે અને કોંગ્રેસના નેતા તેમજ પૂર્વ સીએમ નારાયણ રાણે સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગને પણ મીડિયાથી દુર રાખવાનો પ્રયાસ કરાયો હતો. જો કે એ મિટિંગના 6 મહિના બાદ જ નારાયણ રાણેએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો અને અલગ પક્ષની શરૂઆત કરી અને આ પક્ષ ભલે બીજેપી સાથે ગઠબંધનમાં ન હોય પણ આડકતરી રીતે બીજેપીના સમર્થકની ભૂમિકામાં જોવા મળે છે.
આ સિવાય ઉત્તર પ્રદેશ ચૂંટણીના 6 મહિના પહેલા અમિત શાહે સારંગપુર સ્વામી નારાયણ મંદિર ખાતે સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અખાડાના સંતો-મહંતોથી માંડી અયોધ્યા રામ મંદીરના મહંત હાજર રહ્યા હતા. આ મિટિંગના પરિણામ ઉત્તર્ પ્રદેશ ચૂંટણીમાં જોવા મળ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સાથે પણ અમિત શાહે એમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી આ મુલાકાત પછી જ કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં તેમને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે