Gyanvapi ASI Survey: જ્ઞાનવાપીમાં સર્વેનો બીજો દિવસ, મસ્જિદના ભોંયરામાં નરસિંહ અવતારની ખંડિત મૂર્તિ મળવાનો દાવો
Gyanvapi Masjid ASI Survey: : જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે સતત બીજા દિવસે પણ થયો હતો. સર્વે દરમિયાન ASIની તપાસ ટીમને અનેક મહત્વના પાસાઓ ધ્યાને આવ્યા છે. બીજા દિવસે પણ ભોંયરામાં તપાસ કરવામાં આવી હતી.
Trending Photos
વારાણસીઃ વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASIએ સતત બીજા દિવસે સર્વેની કામગીરીને આગળ વધારી. આ દરમિયાન મસ્જિદના ભોંયરા પાસેથી મંદિરના અવશેષો મળ્યા હોવાનો હિંદુ પક્ષે દાવો કર્યો છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે ASIને સર્વે દરમિયાન શ્લોકના લખાણ, ત્રિશૂલ અને ખંડિત થયેલી મૂર્તિ મળી છે. જો કે સર્વેની કામગીરી હજુ ચાલતી હોવાથી ASIએ આ અંગે સત્તાવાર રીતે કોઈ ખુલાસો નથી કર્યો. મુસ્લિમ પક્ષે જ્યાં સર્વેમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે, ત્યાં MIMના સાંસદ ઓવૈસીએ આ મુદ્દે ભડકાઉ નિવેદન આપી દીધું.
સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ભારતીય પુરાતત્વ વિભાગે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલી મસ્જિદમાં સર્વેની કામગીરીને ઝડપી બનાવી છે. પરિસરની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજા દિવસે પણ સર્વેની કામગીરીને આગળ ધપાવવામાં આવી. આ કવાયત માટે ASIના 61 સભ્યોની ટીમ પરિસરમાં પહોંચી હતી.
સૌની નજર મસ્જિદના ભોંયરા પર હતી. શનિવારે ASIની ટીમ આ ભોંયરામાં પહોંચી હતી. આ દરમિયાન હિંદુ પક્ષકારો, હિંદુ પક્ષના વકીલ તેમજ મુસ્લિમ પક્ષના પ્રતિનિધિ પણ હાજર હતા. કલાકો સુધી ભોંયરામાં સર્વેની કામગીરી કરવામાં આવી. હિંદુ પક્ષકાર સીતા સાહુનો દાવો છે કે ભોંયરાની દિવાલો પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ જોવા મળી છે. ભોંયરામાં એક સાડા ચાર ફૂટની ખંડિત મૂર્તિ મળવાનો દાવો કરાયો છે. આ મૂર્તિ અડધી મનુષ્ય અને અડધી પશુની છે. તેને નરસિંહ અવતારની મૂર્તિ સાથે પણ સાંકળવામાં આવે છે. આ ઉપરાંત અહીં તૂટેલા થાંભલાના અવશેષ અને તેમજ દિવાલો પર પાંચ કળશ, કમળ, ત્રિશૂલ તેમજ મૂર્તિઓની આકૃતિઓ મળી હોવાનો પણ દાવો કરાયો છે. જો કે સર્વેની કામગીરી ચાલી રહી હોવાથી ASIએ કંઈક કહ્યું નથી.
અગાઉ મુસ્લિમ પક્ષે ભોંયરાની ચાવી સોંપવાનો ઈન્કાર કર્યો હતો, જો કે સ્થાનિક વહીવટી તંત્રએ હસ્તક્ષેપ કરતા મુસ્લિમ પક્ષ ચાવી સોંપવા રાજી થયો હતો.
ASIની ટીમે તમામ મહત્વના પુરાવાને અંકિત કર્યા છે, સર્વેની કામગીરીની વીડિયોગ્રાફી પણ કરાઈ છે. ASIનો સર્વે ચાર સપ્તાહમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. સર્વે બાદ ASI પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં અદાલતને સોંપશે.
સુપ્રીમ કોર્ટે ASIને મસ્જિદ પરિસરમાં ખોદકામ કરતા અટકાવી છે, ત્યારે આ સર્વે GPR એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી કરવામાં આવશે. તેમાં ખોદકામ કર્યા વિના જમીનની અંદર 15-20 મીટર નીચેની માહિતી મળે છે. રડારના તરંગો સીધા ભૂગર્ભમાં જાય છે. આ તરંગો જમીનની અંદર દટાયેલી વસ્તુઓની માહિતી આપે છે. તરંગોના આધારે ASI જે તે વસ્તુનો ગ્રાફિકસ તૈયાર કરશે. આ ગ્રાફિક્સના આધારે જાણી શકાશે કે જમીનની મંદિરના અવશેષો છે કે નહીં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષે સર્વે માટે રાજી થયો છે, ત્યાં AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સર્વે બાદની સ્થિતિ પર સંદેહ વ્યક્ત કર્યો છે. તેમનો આક્ષેપ છે કે ભાજપ અને આરએસએસ સર્વેની કામગીરીને આધારે એક માહોલ ઉભો કરી રહ્યા છે. બાબરીનો ઉલ્લેખ કરતાં તેમણે 23 ડિસેમ્બર અને 6 ડિસેમ્બર જેવી ઘટના ઘટવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
હિંદુ પક્ષ પહેલાથી જ દાવો કરતો આવ્યો છે કે જ્ઞાનવાપી મૂળ મંદિર છે, મુસ્લિમ આક્રમણકારીઓએ મંદિર તોડીને તેના પર મસ્જિદ બાંધી હતી. જેના કારણે મંદિરના અવશેષો હજુ પણ મસ્જિદની દિવાલો પર હોવાનો દાવો કરાય છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો એક ઈન્ટરવ્યૂમાં જ્ઞાનવાપીને મસ્જિદ માનવાનો જ ઈન્કાર કરી દીધો હતો.
હિંદુ પક્ષે એક રીતે જ્ઞાનવાપીને મંદિર માની લીધું છે. યોગી આદિત્યનાથનું નિવેદન પણ પોતાનામાં ઘણું બધું કહી જાય છે, ત્યારે હવે ASIના સર્વે પર સૌની નજર છે. આ સર્વેનો રિપોર્ટ પોતાનામાં અંતિમ સત્ય હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે