દરેક 'ગુલામ' કેમ થવા માંગે છે આઝાદ? જાણો રાહુલ અને કોંગ્રેસથી કેમ કંટાળ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ

ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. તે જી-23 ગ્રૂપના મહત્વના સભ્ય હતા. પાર્ટી નેતૃત્વને પડકાર આપી રહેલ આ સમૂહના બાકી નેતાઓનું શું સ્ટેટસ છે?.

દરેક 'ગુલામ' કેમ થવા માંગે છે આઝાદ? જાણો રાહુલ અને કોંગ્રેસથી કેમ કંટાળ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ

જયેશ જોશી, અમદાવાદ: કોંગ્રેસ બળવાખોરોના જી-23 ગ્રૂપ છેલ્લા અનેક મહિનાઓથી નેતૃત્વને પડકાર આપી રહ્યું છે. હવે નવી મુશ્કેલી કોંગ્રેસ અધ્યક્ષ પદ ચૂંટણીની મતદાર યાદીને વેબસાઈટ પર મૂકવા અંગેની છે. આનંદ શર્મા, મનીષ તિવારી અને શશિ થરૂર જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા મતદાર યાદીને સાર્વજનિક કરવાની માગણી કરી છે. જી-23ના નેતા ગુલામ નબી આઝાદે પાર્ટી છોડતાં મતદાર યાદીને નકલી ગણાવી હતી. ચર્ચા પણ છે કે જી-23ના નેતા આ માગણીને વધારીને આખી ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પર સવાલ ઉઠાવી શકે છે. પાર્ટી સચિવ વીરેન્દ્ર વશિષ્ઠે તેને અને જી-23ના નેતાઓ દ્વારા મતદાર યાદી પર સાર્વજનિક રીતે સવાલ ઉઠાવવાને અનુશાસનહીનતાનો મામલો ગણાવ્યો છે. અને પત્ર લખીને કાર્યવાહીની માગણી કરી છે. આ ચૂંટણી પહેલાં જી-23 અને બીજા નેતાઓની વચ્ચે વધતા સંઘર્ષનો સંકેત છે. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડી ત્યારે સવાલ ઉઠ્યો કે બીજા કેટલા આ રસ્તે જશે?, તેમાં બીજા કેટલા નેતા જોડાશે. કયા-કયા નેતા છે જી-23માં. અને શું છે તેમની સ્થિતિ. G-23 એ અસંતુષ્ટ વરિષ્ઠ નેતાઓનું એક જૂથ છે જેમણે સંસ્થાના આમૂલ પરિવર્તનની હાકલ કરી છે. શર્મા આ જૂથનો એક ભાગ છે.

1. કપિલ સિબ્બલ:
જી-23ને એકજૂટ કરવામાં સૌથી મોટી પહેલ કપિલ સિબ્બલે કરી હતી. યૂપીએ સરકારમાં મહત્વનું મંત્રાલય સંભાળી ચૂકેલા કપિલ સિબ્બલે જી-23 તરફથી એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. હવે તે કોંગ્રેસ છોડી, સમાજવાદી પાર્ટીના સમર્થનથી અપક્ષ રાજ્યસભાના સાંસદ બન્યા છે.

2. ગુલામ નબી આઝાદ:
કોંગ્રેસના જૂના નેતા અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. યૂપીએ સરકારમાં મંત્રી રહેલા આઝાદ જી-23ના સૌથી સિનિયર નેતાઓમાંથી એક હતા. હવે તે જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવી રહ્યા છે.

3. આનંદ શર્મા:
હિમાચલ પ્રદેશથી કોંગ્રેસના સિનિયર નેતા આનંદ શર્મા પણ યૂપીએ સરકારમાં સિનિયર મંત્રી રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાંક સમયથી તે બીજેપીના સંપર્કમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ તેમણે હંમેશા તેનું ખંડન કર્યુ છે. હિમાચલમાં ચૂંટણી આ વર્ષે છે, પરંતુ હવે સક્રિય નથી.

4. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા:
હરિયાણાના પૂર્વ સીએમ પણ આ જૂથનો હિસ્સો હતા. જોકે જ્યારે પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં તેમની માગણીને અનુરુપ ફેરફાર કર્યો ત્યારથી તે માની ગયા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં તે ગુલામ નબી આઝાદને મળવા ગયા ગયા એટલે ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે. પરંતુ તે નારાજગીનો ઈનકાર કરે છે.

5. મિલિન્દ દેવરા:
મહારાષ્ટ્રના યુવા નેતા પણ યૂપીએ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમની નારાજગી એ વાતને લઈને છેકે પાર્ટીમાં તેમને યોગ્ય જગ્યા આપવામાં આવી નહીં. મિલિન્દ દેવરાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેના પછી માનવામાં આવી રહ્યું છે કે તેમની નારાજગી દૂર થઈ ગઈ.

6. સંદીપ દિક્ષીત:
દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પુત્ર અને પૂર્વ સાંસદ સંદીપ જી-23માં સૌથી મુખ્ય સભ્યોમાં હતા. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેમણે આ જૂથને છોડવાનો સંકેત આપ્યો છે. ગુલામ નબી આઝાદના પાર્ટી છોડવા પર સંદીપ દિક્ષીતે પત્ર લખીને તેમની ટીકા કરી હતી.

7. શશિ થરૂર:
કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પોતાના નિવેદનથી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. તેમણે સંકેત આપ્યા છે કે તે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. તે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવનારા નેતાઓમાં સામેલ છે.

8. પૃથ્વીરાજ ચવ્હાણ:
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ પણ અસંતુષ્ટ જૂથનો હિસ્સો છે. ગુલામ નબી આઝાદના પાર્ટી છોડ્યા પછી તેમણે તેમના પક્ષમાં નિવેદન આપ્યું. રાહુલ ગાંધીના વિરોધી જૂથમાં તેમની ગણતરી કરવામાં આવે છે. તેમના બીજેપી સાથે સંપર્કમાં રહેવાની વાત અવાર-નવાર સામે આવતી રહી છે.

9. વીરપ્પા મોઈલી:
કર્ણાટકના સિનિયર નેતા વીરપ્પા મોઈલી પણ કોંગ્રેસમાં મોટા ફેરફારને લઈને જી-23નો હિસ્સો બન્યા. શરૂઆતમાં તેમણે અનેક નિવેદન પણ આપ્યા. પરંતુ પછીથી તેમણે આ જૂથથી દૂર રહેવાનું પસંદ કર્યુ અને આ જૂથના વિરોધમાં નિવેદન પણ આપ્યું.

10. રાજિન્દર કૌર ભટ્ટલ:
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજિન્દર કૌર ભટ્ટલ પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહના નજીકના માનવામાં આવે છે. જોકે તે કોંગ્રેસમાં રહ્યા પરંતુ ચૂંટણી હારી ગયા. 77 વર્ષના ભટ્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી શાંત છે.

11. મનીષ તિવારી:
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી માત્ર જી-23 ગ્રૂપના સભ્ય જ નથી પરંતુ તેમના કામકાજના કટુ ટીકાકાર પણ બની ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાંથી તેમની વિદાય નક્કી છે. તે પણ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના નજીકના માનવામાં આવે છે.

12. વિવેક તન્ખા:
સિનિયર વકીલ અને મધ્ય પ્રદેશના પાર્ટી નેતા વિવેક તન્ખાએ જ્યારે જી-23 સાથે સંબંધ જોડ્યો હતો ત્યારે બધાને આશ્વર્ય થયું હતું. પછી સોનિયા ગાંધીએ તેમને મળવા બોલાવ્યા. ત્યારથી તેમની નારાજગી ગાયબ થઈ ગઈ. તેમને પાર્ટીએ આ વર્ષે મે મહિનામાં રાજ્યસભા પણ મોકલ્યા.

13. રાજ બબ્બર:
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બર છેલ્લા કેટલાંક વર્ષોથી નારાજ ચાલી રહ્યા છે. તેમનો આરોપ છે કે જ્યારથી પ્રિયંકા ગાંધી ત્યાંના પ્રભારી બન્યા ત્યારથી તેમની ઉપેક્ષા થઈ. વિધાનસભાની ચૂંટણીના સમયે તેમને સમાજવાદી પાર્ટીના સંપર્કમાં રહેવાની વાત પણ સામે આવી પરંતુ તે ત્યાં ગયા નહીં.

14. મુકુલ વાસનિક:
મહારાષ્ટ્રના કદાવર નેતા અને સોનિયા ગાંધીના નજીક રહેલા મુકુલ વાસનિક જ્યારે જી-23માં સામેલ થયા ત્યારે કહેવામાં આવ્યું કે પાર્ટીમાં કેટલાંક લોકોને જ બધી શક્તિ મળવાથી તે નારાજ હતા. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી તેમની નારાજગી દૂર થઈ ગઈ છે.

15. જિતિન પ્રસાદ:
જી-23ના ગઠનમાં જિતિન પ્રસાદે સક્રિય ભૂમિકા ભજવી હતી. યૂપીએ સરકારમાં મંત્રી રહેલા જિતિન પ્રસાદ રાહુલ ગાંધી ટીમના મેમ્બર પણ માનવામાં આવતા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં તે કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા છે.

16. કૌલ સિંહ ઠાકુર:
કૌલ સિંહ ઠાકુર હિમાચલ પ્રદેશના સિનિયર કોંગ્રેસ નેતા છે. જોકે હજુ તે પાર્ટીમાં છે. પરંતુ તેમને આનંદ શર્માની નજીકના નેતા માનવામાં આવે છે. ગયા અઠવાડિયે તેમણે આનંદ શર્માની ઉપેક્ષા કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

17. કુલદીપ શર્મા:
હરિયાણા વિધાનસભાના પૂર્વ સ્પીકર કુલદીપ શર્મા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની નજીકના માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે હુડ્ડાની વાત માની લેવામાં આવી તો તેમણે પણ પોતાની નારાજગી દૂર કરી લીધી છે. તે દિલ્લીમાં થયેલી રેલીમાં પણ ઘણા સક્રિય હતા.

18. યોગાનંદ શાસ્ત્રી:
દિલ્લી કોંગ્રેસના સિનિયર નેતા અને સ્પીકર રહેલા યોગાનંદ શાસ્ત્રી પણ જી-23માં સામેલ થતાં પહેલાં પાર્ટી નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. તેમણે આ જૂથમાં સામેલલ થવાના થોડા દિવસ પછી પાર્ટી છોડી દીધી અને એનસીપીમાં સામેલ થઈ ગયા.

19. પીજે કુરિયન:
રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ પીજે કુરિયન કેરળના સિનિયર નેતા છે. કેરળ કોંગ્રેસ એકમમાં તેમની અવગણનાથી ઘણા વર્ષોથી તે નારાજ છે. તે સતત પાર્ટી નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમને મનાવવામાં પાર્ટી સફળ થઈ શકી નથી.

20. રેણુકા ચૌધરી:
યૂપીએ સરકારમાં મંત્રી રહેલા રેણુકા ચૌધરી જ્યારે જી-23નો હિસ્સો બન્યા ત્યારે બધાને આશ્વર્ય થયું. તે ગાંધી પરિવારની અત્યંત નજીકના નેતા માનવામાં આવતી હતી. તે પાર્ટીમાં પોતાની અવગણનાથી નારાજ છે. જોકે છેલ્લા કેટલાંક સમયથી તે પાર્ટી નેતૃત્વની સાથે હોવાનો પ્રયાસ કરી રહ્યા છે.

21. અરવિંદરસિંહ લવલી:
પૂર્વ ગૃહ મંત્રી દિવંગત સરદાર બૂટા સિંહના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય સરદાર અરવિંદર સિંહ લવલી પણ આ જૂથના સભ્ય હતા. જોકે 2017માં તે બીજેપીમાં ચાલ્યા ગયા પરંતુ 9 મહિના પછી ફરીથી તે કોંગ્રેસમાં પાછા આવી ગયા.

22. અજય સિંહ:
અજય સિંહ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાંથી એક છે. તે વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે. જોકે છેલ્લા કેટલાંક સમયથી તેમણે આ જૂથથી અંતર બનાવી લીધું છે. પાર્ટીએ તેમને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા આપવાનો વાયદો કર્યો છે.

23. અખિલેશ પ્રસાદ સિંહ:
બિહારના કોંગ્રેસ રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ વિશે કહેવામાં આવ્યું છે કે તે પોતાની ઉપેક્ષાથી નારાજ થઈને આ જૂથમાં જોડાયા. જોકે છેલ્લાં કેટલાક દિવસોથી તેમની પાર્ટીમાં સક્રિય કામગીરી ચાલુ થઈ ગઈ છે. તેમણે નારાજગી દૂર થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news