ગોવાના મુખ્યમંત્રી પદની રાત્રે 11 કલાકની શપથવીધી પાછી ઠેલાઈઃ નાયબ અધ્યક્ષ મિશેલ લોબો
જોકે, નવા મુખ્યમંત્રી પદની શપથવીધી હવે ફરી ક્યારે કરવામાં આવશે તેના ગોવા વિધાનસભા નાયબ અધ્યક્ષ મિશેલ લોબોએ કશું જણાવ્યું ન હતું
Trending Photos
પણજીઃ ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના દેહાવસાન બાદ નવો મુખ્યમંત્રી કોણ બનશે તેના અંગે હજુ પણ રહસ્ય ઘેરાયેલું છે. ગોવા વિધાનસભાના નાયબ અધ્યક્ષ મિશેલ લોબોએ જણાવ્યું કે, રાજ્યના નવા મુખ્યમંત્રીની સોમવારે રાત્રે 11 કલાકે રાજભવન ખાતે જે શપથવીધી રાખવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી IANSને ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, 'સાથી પક્ષો અને ભાજપના નેતાઓ વચ્ચે અનેક મુદ્દે હજુ ચર્ચા કરવાની હજુ બાકી છે. જેના કારણે આજે રાત્રે 11 કલાકે નવા મુખ્યમંત્રીની શપથવીધી યોજી શકાશે નહીં.'
જોકે, નવા મુખ્યમંત્રી પદની શપથવીધી હવે ફરી ક્યારે કરવામાં આવશે તેના ગોવા વિધાનસભા નાયબ અધ્યક્ષ મિશેલ લોબોએ કશું જણાવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, રાત્રે ગોવાના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે રાત્રે 11.00 કલાકે રાજભવન ખાતે નવા મુખ્યમંત્રીની શપથવીધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠક પછી ગોવાના મુખ્યમંત્રીના નામની સાથે-સાથે બે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થવાની છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, ગોવા પોરવોર્ડ પાર્ટી (GFP) ના વિજય સરદેસાઈ અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ના સુદીન ધાવલીકર ડેપ્યુટી સીએમ બનશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગોવાના મુખ્યમંત્રી પદ માટે ભાજપ તરફથી પ્રમોદ સાવંત અને વિશ્વજીત રાણેનું નામ ચર્ચામાં હતું. જોકે, વિધાનસભાના આધ્યક્ષ પ્રમોદ સાવંને મુખ્યમંત્રી બનાવવાનો ભાજપે નિર્ણય લઈ લીધો છે. જોકે, ભાજપ સાથી પક્ષો સાથે ગઠબંધનની વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી નામ જાહેર કરવા માગતું નથી.
કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી
40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેના 14 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 12 ધારાસભ્ય છે. ચાલુ વર્ષે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને હવે રવિવારે મુખ્યમંત્રી પર્રિકરના નિધન ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામાને કારણે વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 36 રહી ગઈ છે.
આ ઉપરાંત ગોવા ફોરવોર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી પાસે 3-3 ધારાસભ્ય છે. એનસીપીનો એક ધારાસભ્ય છે અને ત્રણ અપક્ષ ધારાસભ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે