Constitution Day: 14 પાર્ટીએ બંધારણ દિવસના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર, PM મોદીએ કહ્યું- કેટલાક રાજકીય પક્ષો જ લોકતાંત્રિક ઢબ ખોઈ ચૂક્યા છે

આજે સંસદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે. 

Constitution Day: 14 પાર્ટીએ બંધારણ દિવસના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર, PM મોદીએ કહ્યું- કેટલાક રાજકીય પક્ષો જ લોકતાંત્રિક ઢબ ખોઈ ચૂક્યા છે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ દિવસના અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું. તેમણે બાબા સાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અને મહાત્મા ગાંધી જેવા દુરંદર્શી મહાનુભવોને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક સમયે આ પવિત્ર જગ્યા પર મહિનાઓ સુધી કેટલાક લોકોએ ભારતના કુશળ ભવિષ્યમાટે મંથન કર્યું હતું. આજના જ દિવસે આતંકી ઘટનાને પણ અંજામ અપાયો હતો. સુરક્ષાદળોએ આતંકીઓ સાથે ભીડંત કરીને પોતાનું બલિદાન આપ્યું હતું. આઝાદીના આંદોલનમાં જે જે લોકોએ બલિદાન આપ્યું તે તમામને નમન કરું છું. 

બલિદાનીઓને પણ આદરપૂર્વક નમન- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે 26/11 આપણા માટે એક એવો દુખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો. ભારતના અનેક વીર જવાનોએ આતંકવાદીઓ સાથે થયેલી ભીડંતમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. હું આજે 26/11ના તે તમામ બલિદાનીઓને આદરપૂર્વક નમન કરું છું. 

બંધારણ હજારો વર્ષોની પરંપરા- પીએમ
તેમણે વધુમાં કહ્યું કે આપણું બંધારણ એ ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા છે, અખંડ ધારા તે ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કારણ કે આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ. 

વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતી હતી, આપણને બધાને લાગ્યું કે તેનાથી મોટો પવિત્ર અવસર શું હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે આ દેશને જે નજરાણું આપ્યું છે તેને આપણે હંમેશા એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ. જ્યારે સદનમાં આ વિષય પર હું 2015માં બોલી રહ્યો હતો, બાબા સાહેબ આંબેડકરની જયંતીના અવસરે આ કાર્યની જાહેરાત કરતી વખતે તે વખતે પણ વિરોધ થયો હતો. આજે જ વિરોધ થાય છે તેવું નથી, તે દિવસે પણ થયો હતો, કે 26 નવેમ્બર ક્યાંથી લાવ્યા, કેમ કરી રહ્યા છો, શું જરૂર હતી. 

जो दल स्वयं लोकतांत्रिक कैरेक्टर खो चुके हों, वो लोकतंत्र की रक्षा कैसे कर सकते हैं।

- पीएम @narendramodi

— BJP (@BJP4India) November 26, 2021

લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચૂક્યા છે રાજકીય પક્ષો
પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનમાં અધિકારો માટે લડતી વખતે પણ કર્તવ્યો માટે તૈયાર કરવાની કોશિશ કરી હતી. જો દેશમાં આઝાદી બાદ કર્તવ્ય ઉપર પણ ભાર મૂકાયો હોત તો સારું થાત. તેમણે કહ્યું કે બંધારણની ભાવનાને ઠેસ પહોંચી છે. બંધારણની એક એક કલમને પણ ચોટ પહોંચી છે. જ્યારે રાજનીતિક પક્ષ પોતાનું કેરેક્ટર ગુમાવે છે. જે પક્ષ સ્વયં લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચૂક્યો હોય, તે લોકતંત્રની રક્ષા કેવી રીતે કરી શકે? મહાત્મા ગાંધીજીએ કર્તવ્યના જે બીજ વાવ્યા હતા, આઝાદી બાદ તે વટવૃક્ષ બનવા જોઈતા હતા. પરંતુ દુર્ભાગ્યપણે શાસન વ્યવસ્થા એવી બની કે તેણે અધિકાર, અધિકારની વાતો કરનારા લોકોને એક અવસ્થામાં રાખ્યા કે 'અમે છીએ તો તમારા અધિકાર પૂરા કરીશું.'

દેશહિત પર રાજનીતિ હાવી ન થવી જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ કોઈ રાજનીતિક પક્ષનો ન હતો. કોઈ પ્રધાનમંત્રીનો ન હતો. આ કાર્યક્રમ સ્પીકર પદની ગરિમાનો હતો. આપણા પૂર્વજ આપણને આશીર્વાદ આપે કે આપણે બંધારણની ગરિમા જાળવી રાખીએ. આપણે કર્તવ્ય પથ પર ચાલતા રહીએ. દેશહિત પર રાજનીતિ હાવી ન થાય. વિચારધારા ભલે અલગ અલગ હોય પરંતુ રાષ્ટ્રહિત સૌથી ઉપર હોય. પીએમે કહ્યું કે પરિવારવાદ લોકતંત્ર માટે જોખમ છે. રાજનીતિક પક્ષ, પાર્ટી- ફોર ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી- આગળ કહેવાની જરૂર લાગતી નથી. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

વિપક્ષી પાર્ટીઓએ કર્યો બહિષ્કાર
અત્રે જણાવવાનું કે સદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે.

કેન્દ્રીય મંત્રીએ કરી કોંગ્રેસની ટીકા
આ બાજુ વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર પર કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલે કહ્યું કે આજનો આટલો મહત્વપૂર્ણ દિવસ અને કોંગ્રેસ જેવી પાર્ટી જેણે દેશ પર પચાસ વર્ષથી વધુ સમય સુધી શાસન કર્યું તે બંધારણ દિવસનો બહિષ્કાર કરી રહી છે. કોંગ્રેસે જીવતા જીવ બાબા સાહેબનું અપમાન કર્યું અને આજે સ્પીકરસાહેબ દ્વારા આયોજિત કરાયેલા સન્માન દિવસનો બહિષ્કાર કરવો એ સિદ્ધ કરે છે કે કોંગ્રેસ ફક્તતેમના પરિવાર સંબંધિત વ્યક્તિના સન્માનને મનાવશે અને બાબા સાહેબ અને સરદાર પટેલ જેવા મહાપુરુષના સન્માનનો બહિષ્કાર કરશે. તેમણે વધુમાં કહ્યું કે અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. પરંતુ આજના દિવસે બહિષ્કાર કરવો બંધારણનું અપમાન છે. 

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'આપણા દેશવાસીઓને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ વિશેષ દિવસે, 4 નવેમ્બર 1948ના રોજ બંધારણીય સભામાં અપાયેલા ડોક્ટર આંબેડકરના ભાષણનો એક અંશ શેર કરુ છું. જેમાં તેમણે ડ્રાફ્ટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા ડ્રાફ્ટ બંધારણને અપનાવવા માટે એક પ્રસ્તાવ રજુ કર્યો.'

On this special day, sharing a part of Dr. Ambedkar’s speech
in the Constituent Assembly on 4th November 1948 in which he moved a motion for adoption of the Draft Constitution as settled by the Drafting Committee. pic.twitter.com/pviZNrKsGd

— Narendra Modi (@narendramodi) November 26, 2021

પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, કોઈ પણ બંધારણ પછી ભલે તે ગમે તેટલું સુંદર, સુવ્યવસ્થિત અને સુદ્રઢ કેમ ન બનાવવામાં આવ્યું હોય, જો તેને ચલાવનારા દેશના સાચા, નિસ્પૃહ નિસ્વાર્થ સેવક ન હોય તો બંધારણ કશું કરી શકે નહીં. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની આ ભાવના પથદર્શક જેવી છે. 

— Narendra Modi (@narendramodi) November 26, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news