મુંબઈના અંધેરીની ESIC હોસ્પિટલમાં ફરી લાગી આગ
આ જ હોસ્પિટલમાં સોમવારે પણ ભીષણ આગ ફાટી નિકળી હતી, જેમાં 9 લોકોનાં મોત થયા હતા અને 150 જેટલા લોકો દાઝી ગયા હતા
Trending Photos
મુંબઈઃ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ESIC હોસ્પિટલમાં ફરીથી આગ ભભૂકી ઉઠી છે. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે અને આગ બુઝાવાનું કામ શરૂ કરી દીધું છે. આજે હોસ્પિટલના મીટર બોક્સમાં આગ લાગી છે.
મુંબઈના અંધેરીના મરોલમાં આવેલી ESIC કામદાર હોસ્પિટલના મીટર બોક્સમાં મોડી સાંજે અચાનક ધૂમાડાના ગોટે-ગોટા નિકળવા લાગ્યા હતા અને ત્યાર બાદ તેમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગના સમાચાર ફેલાતાં જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક લોકો દોડીને હોસ્પિટલના કમ્પાઉન્ડની બહાર નિકળી ગયા હતા.
હોસ્પિટલ દ્વારા ફાયરબ્રિગેડને કોલ આપવામાં આવતાં 3 ગાડીઓ અહીં આવી પહોંચી છે અને હાલ આગ બુઝાવાની કામગીરી ચાલુ છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ આ આગને કારણે હોસ્પિટલમાં કેટલા લોકો ફસાઈ ગયા છે અને કેટલા ઘાયલ થયા છે તેની વિગતો પણ હજુ આવી નથી.
ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ આજ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં 9 લોકોનાં મોત થયા હતા અને 150 જેટલા લોકો દાઝી ગયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે સોમવારની ઘટનામાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે