અહેમદ પટેલના પુત્રને EDએ મોકલ્યું સમન્સ, 14,500 કરોડના કૌભાંડમાં થશે પુછપરછ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નજીકના રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ફેસલની સ્ટર્લિંગ બાયોટેક કેસમાં પુછપરછ કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નજીકના રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ફેસલની સ્ટર્લિંગ બાયોટેક કેસમાં પુછપરછ કરવામાં આવશે. ઈડીએ અહેમદ પટેલના પુત્રને ત્રીજી વખત પુછપરછ માટે બોલાવ્યો છે. સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી હજારો કરોડની સંપત્તી જપ્ત કરવામાં આવી છે.
સ્ટર્લિંગ બાયોટેક કંપની ગુજરાતની એક ફાર્મા કંપની છે અને તેના પર આંધ્ર બેન્કમાં ગોટાળો કરવાનો આરોપ છે. આ કૌભાંડમાં અનેક લોકો સંડોવાયેલા છે. ઈડીએ આ અંગે ગયા મહિને અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પુછપરછ કરી હતી. સ્ટર્લિંગ બાયોટકના માલિકો અને પ્રમોટર્સ સાંડેસરા ભાઈઓ સાથેના કથિત સંબંધો અંગે અહેમદ પટેલના જમાઈની પુછપરછ કરાઈ હતી.
રૂ.14,500 કરોડની બેન્ક લોન દ્વારા આંધ્ર બેન્ક સાથે છેતરપીંડી આચરનારા વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તી સાંડેસરા અત્યારે ફરાર છે. ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સાંડેસરા ગ્રુપે ભારતીય બેન્કોની ઓવરસીઝ બ્રાન્ચો પાસેથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે.
લોન લીધા બાદ આ નાણાને નકલી કંપનીઓ ઊભી કરીને તેના દ્વારા જુદા-જુદા દેશોમાં મોકલવામાં આવ્યા અને પછી નાઈજિરિયામાં તેનું રોકાણ કરાયું છે. ઈડીએ થોડા દિવસ પહેલા જ કરેલી કાર્યવાહી કરતા સાંડેસરા ગ્રુપની વિદેશોમાં રૂ.9,778 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી, જેમાં નાઈજિરિયામાં ઓઈલ ફીલ્ડ, વિમાન, જહાજ અને લંડનમાં ઘરનો સમાવેશ થાય છે.
ભારતમાં 249 અને વિદેશોમાં 96 નકલી કંપનીઓ
ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, સાંડેસરા ગ્રુપે પોતાના કર્મચારીઓના નામે ભારત અને વિદેશોમાં નકલી કંપનીઓ બનાવી રાખી હતી. ભારતમાં 249 અને વિદેશમાં 96 કંપનીઓ ખોલી હતી. આ નકલી કંપનીઓ યુએઈ, અમેરિકા, ઈંગ્લેન્ડ, મોરેશિયસ, બારબાડોસ, પનામા અને નાઈજિરિયામાં છે. આ દેશોમાં બનેલી કંપનીઓમાં નાણાની હેરફેર કરીને પછી અંતે નાઈજિરિયામાં રોકાણ કરવામાં આવતું હતું.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે