Delhi: જે કામ UK-દુબઈના ડોક્ટર ન કરી શક્યા, તે ભારતીય ડોક્ટરોએ કરી બતાવ્યું

ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ ગણાય છે. તે દર્દીને નવું જીવન આપે છે. આ વાત આસ્થા મોંગિયાના કેસમાં બરાબર જોવા મળી. અત્યંત જોખમી સર્જીરી માટે યુકે દુબઈના ડોક્ટરોએ ચોખ્ખી ના પાડી ત્યાં ભારતના ડોક્ટરોએ સફળતાપૂર્વક સર્જરી કરી અને મહિલાને નવું જીવન આપ્યું. 

Delhi: જે કામ UK-દુબઈના ડોક્ટર ન કરી શક્યા, તે ભારતીય ડોક્ટરોએ કરી બતાવ્યું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (માં સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોને મોટી સફળતા મળી છે. તેમણે 30 વર્ષની મહિલાના જડબાનું હાડકું અને ખોપડીના હાડકાને ઓપરેશનથી અલગ કર્યું છે. જે જન્મથી જોડાયેલું હતું. આ કારણે તેનું મોઢું પણ ખુલી શકતું નહતું. દોઢ મહિના પહેલા આસ્થા મોંગિયા નામની મહિલાને સર ગંગારામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લાવવામાં આવી હતી. જે દિલ્હીના પંજાબ નેશનલ બેન્કમાં સિનિયર મેનેજર પદ પર કાર્યરત છે. ઓપેરશન બાદ આસ્થા સંપૂર્ણ રીતે ઠીક છે અને તેનું મોઢું લગભગ 3 સેન્ટિમીટર સુધી ખુલવા લાગ્યું છે. 

જન્મથી જ જોડાયેલું હતું જડબા અને મોઢાનું હાડકું
આસ્થા મોંગિયા જન્મથી પીડિત હતી અને તેના જડબાનું હાડકું મોઢાની બંને બાજુથી ખોપડીના હાડકા સાથે જોડાયેલું હતું. આ જ કારણે તે પોતાનો મોઢું ખોલી શકતી નહતી. એટલે સુધી કે તે પોતાની આંગળીથી પોતાની જીભને પણ સ્પર્શી શકતી નહતી અને ન તો કઈ ખાઈ શકતી હતી. તે માત્ર પ્રવાહી પદાર્થ પર જીવિત હતી. મોઢું ન ખુલવાના કારણે દાંતમાં ઈન્ફેક્શન થઈ ગયું અને હવે ગણતરીના જ દાંત બચ્યા છે. મહિલા એક આંખથી જોઈ શકતી પણ નથી. 

યુકે-દુબઈની હોસ્પિટલોએ સર્જરીની ના પાડી દીધી
સૌથી મોટી સમસ્યા એ હતી કે મહિલાનો આખો ચહેરો ટ્યૂમરની લોહીભરી નસોથી ભરાયેલો હતો. આ જા કારણે કોઈ પણ હોસ્પિટલ સર્જરી માટે તૈયાર નહતી. પરિવારે ભારત ઉપરાંત યુકે અને દુબાઈની મોટી હોસ્પિટલોમાં મહિલાને દેખાડ્યું હતું. પરંતુ બધાએ સર્જરી માટે ના પાડી દીધી હતી. 

એક ભૂલથી થઈ શકે એમ હતું દર્દીનું મોત
સર ગંગારામ હોસ્પિટલના સીનિયર પ્લાસ્ટિક સર્જન ડો.રાજીવ આહૂજાએ કહ્યું કે જ્યારે અમે દર્દીને જોઈ તો પરિવારને જણાવ્યું કે સર્જરી ખુબ જ રિસ્કી છે અને વધુ બ્લિડિંગથી ઓપરેશન ટેબલ પર મોત પણ થઈ શકે છે. અમે પ્લાસ્ટિક સર્જરી, વાસ્ક્યુલર સર્જરી અને રેડિયોલોજી વિભાગની ટીમ બોલાવી અને ખુબ ચર્ચા બાદ આ જટિલ સર્જરીને અંજામ આપવાનો નિર્ણય કર્યો. સર્જરી માટે ટીમનું નેતૃત્વ ડો.રાજીવ આહૂજાએ કર્યું. આ ટીમમાં ડો.રમન શર્મા અને ડો.ઈતિશ્રી ગુપ્તા (પ્લાસ્ટિક સર્જરી), ડો. અંબરીશ સાત્વિક (વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરી) અને ડો. જયશ્રી સૂદ અને ડો. અમિતાભ (એનેસ્થેસિયા ટીમ) સામેલ હતા. 

સાડા ત્રણ કલાક ચાલ્યું ઓપરેશન
ઓપરેશનના 3 અઠવાડિયા પહેલા દર્દીના ચહેરા પર ખાસ ઈન્જેક્શન (સ્કલેરોસેન્ટ) લગાવવામાં આવ્યું. જેનાથી લોહીથી ભરેલી નસો થોડી સંકોચાય છે. 20 માર્ચ 2021ના રોજ દર્દીને ઓપરેશન થિયેટર લઈ જવાઈ. સૌથી પહેલા ધીરે ધીરે ટ્યૂમરની નસોને બચાવતા ડોક્ટર મોઢાના જમણા ભાગે પહોંચી જ્યાં જડબું ખોપડી સાથે જોડાયેલું હતું. ત્યારબાદ તેને કાપીને અલગ કરાયું. આ રીતે ડાબા ભાગમાં પણ જોડાયેલા જડબાને અલગ કરાયું. અહીં જરા અમથી ભૂલથી જો ટ્યૂમરની નસ કપાઈ જાત તો દર્દીનું ઓપરેશન થિયેટરમાં જ મોત થઈ શકતું હતું. સંપૂર્ણ રીતે સફળ ઓપરેશનમાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો. 

4-6 સેન્ટીમીટર ખુલે છે સામાન્ય વ્યક્તિનું મોઢું
ઓપરેશન ટેબલ પર દર્દીનું મોઢું લગભગ અઢી સેન્ટીમીટર ખુલી ચૂક્યું હતું. 25 માર્ચ 2021ના રોજ જ્યારે આસ્થા મોંગિયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ તો તેનું મોઢું 3 સેન્ટીમીટર સુધી ખુલી ગયું હતું. જ્યારે એક સામાન્ય વ્યક્તિનું મોઢું લગભગ 4થી 6 સેન્ટીમીટર ખુલે છે. ડો. રાજીવ આહૂજાએ જણાવ્યું કે મોઢાની ફિઝિયોથેરાપી અને વ્યાયામથી દર્દીનું મોઢું વધુ ખુલશે. 

સામાન્ય રીતે વાતચીત કરી શકે છે મહિલા
મહિલાના પિતા હેમંત પુષ્કર મોંગિયાએ જણાવ્યું કે મારી પુત્રીએ છેલ્લા 30 વર્ષમાં ખુબ કષ્ટ સહન ક્યા છે. તેનું મોઢું એટલું પણ નહતું ખુલતું કે તે પોતાની જીભને હાથથી સ્પર્શ કરી શકે. સફળ સર્જરી બાદ તે હવે મોઢું ખોલી શકે છે અને પોતાની જીભને પણ સ્પર્શી શકે છે. તથા સામાન્ય વ્યક્તિની જેમ વાતચીત કરી શકે છે. 

મહિલાએ ભગવાન અને ડોક્ટરોનો આભાર માન્યો
30 વર્ષ બાદ પોતાનું મોઢું ખુલ્યા બાદ આસ્થા મોંગિયાએ  કહ્યું કે આ બીજા જન્મ માટે હું ભગવાન અને ડોક્ટરોનો આભાર માનું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news