દિલ્હી ચૂંટણીમાં BJPએ કર્યું 2015ની ભૂલનું પુનરાવર્તન, આ 5 કારણોથી હારી પાર્ટી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. પ્રચંડ બહુમત સાથે અરવિંદ કેજરીવાલ ફરી દિલ્હીના સીએમ બનવા જઈ રહ્યાં છે. તો ભારતીય જનતા પાર્ટીએ વધુ પાંચ વર્ષ દિલ્હીની સત્તાથી બહાર રહેવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી 46 સીટો જીતી ચુકી છે અને 16 પર આગળ છે. કુલ મળીને તેને 62 સીટ મળી રહી છે. ભાજપ 5 સીટ પર જીતી ચુક્યું છે અને 3 પર આગળ ચાલી રહ્યું છે. તો પાંચ વર્ષ બાદ પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું નથી. આ હારની સાથે દિલ્હીમાં ભાજપનો વનવાસ કાળ લાંબો થઈ ગયો છે. ભાજપ દિલ્હીની સત્તાથી છેલ્લા 21 વર્ષથી દૂર છે. આ વનવાસ વધુ 5 વર્ષ માટે વધી ગયો છે. ભાજપની હારના કારણો પર નજર કરવામાં આવે તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે પાર્ટીએ જે ભૂલ 2015માં કરી હતી, તે ભૂલનું 2020ની વિધાનસભા ચૂંટણીમાં પુનરાવર્તન કર્યું છે. પરિણામ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. આવો ભાજપની હારના તે પાંચ કારણો પર નજર કરીએ.
1. ભાજપનો નકારાત્મક પ્રચાર
ભાજપે 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો. અખબારોમાં જાહેરાત આપીને અરવિંદ કેજરીવાલ પર વ્યક્તિગત હુમલા કર્યાં હતા. આ નકારાત્મક પ્રચારની કિંમત ભાજપે હાર દ્વારા ચુકવી હતી. પાર્ટીને માત્ર 3 સીટો મળી હતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી ભાજપના મોટા નેતાઓએ સ્વીકાર કર્યો હતો કે, નકારાત્મક પ્રચારથી તેને નુકસાન થયું હતું. ભાજપે 2015ની ભૂલથી કોઈ શીખ ન લીધી. 2020ની વિધાનસભાની ચૂંટણીમાં પણ દિલ્હી ભાજપના નેતાઓએ ખુબ નકારાત્મક પ્રચાર કર્યો હતો. પાર્ટીએ માત્ર 7 સીટથી સંતોષ કરવો પડ્યો છે.
CM કેજરીવાલે લીધો 'હનુમાન ભક્ત' અવતાર, ધરાશાયી થઈ ગઈ 'રામ ભક્ત' BJP
2. સીએમ ઉમેદવાર જાહેર ન કરવા
ભાજપે 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કિરણ બેદીને પોતાના સીએમ ઉમેદવાર જાહેર કર્યાં હતા. પરંતુ તેનાથી પાર્ટીને કોઈ લાભ ન થયો. પાર્ટીએ આ વખતે રણનીતિમાં ફેરફાર કર્યો અને સીએમ ઉમેદવાર જાહેર ન કર્યો. તો આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સવાલ કર્યો કે, અરવિંદ કેજરીવાલની સામે ભાજપમાંથી સીએમ ઉમેદવાર કોણ છે? ભાજપ હંમેશા આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પાર્ટીએ કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. ચૂંટણી પહેલા એકવાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સીએમનો ચહેરો હશે. પરંતુ હાઈકમાનના દબાવને કારણે તેઓ પોતાના નિવેદનથી ફરી ગયા હતા.
3. દિલ્હી ભાજપમાં આંતરિક વિવાદ
દિલ્હી ભાજપના નેતાઓમાં એકતાનો અભાવ પણ ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો. 2015ની વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજય બાદ ભાજપે કોઈ બોધપાઠ ન લીધો. દિલ્હીમાં પાર્ટીએ નેતૃત્વ ક્ષમતાનો વિકાસ ન કર્યો. લગભગ આજ કારણ છે કે પાર્ટી પોતાનો સીએમ ઉમેદવાર જાહેર ન કરી શકી. દિલ્હી ભાજપ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, વિજય ગોયલ અને પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના જૂથવાદમાં વેંચાયેલી જોવા મળી હતી. પાર્ટીની પાસે 5 વર્ષનો સમય હતો પરંતુ પાર્ટી કોઈ પોતાનો મોટો સ્વીકાર્ય ચહેરો તૈયાર ન કરી શકી. જેથી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે.
4. સ્થાનીક મુદ્દા પર ધ્યાન ન આપવું
દિલ્હી ભાજપને ખ્યાલ હતો કે તેણે કેજરીવાલના ફ્રી મોડલનો સામનો કરવાનો છે. પાર્ટીએ શિક્ષા-સ્વાસ્થ્ય, વિજળી-પાણી જેવા મુદ્દા પર વાત કરવાની જરૂર હતી. પરંચુ ભાજપે રાષ્ટ્રીય મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કર્યો. પાર્ટીને આ ભૂલ ભારે પડી. લોકોએ આમ આદમી પાર્ટીના શિક્ષણ, પાણી, શાળા જેવા મુદ્દા પર મત આપ્યા.
5. છેલ્લી ઘડીએ પ્રચાર
આમ આદમી પાર્ટીએ આશરે એક વર્ષ પહેલાથી ચૂંટણીની તૈયારી કરી લીધી હતી. આમ આદમી પાર્ટીની તૈયારી સામે ભાજપ વામણી પુરવાર થઈ. પાર્ટીએ માત્ર એક મહિના પહેલા પ્રચાર અભિયાનને બળ આપ્યું. તેણે પોતાના તમામ મોટા નેતાને પ્રચારમાં ઉતાર્યાં પરંતુ પાર્ટીને કોઈ મોટો ફાયદો ન થયો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે