કોંગ્રેસમાં ઘમાસાણઃ રાહુલને રાજી કરવાથી માંડીને ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષના નામ અંગે મંથન

રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાની જીદ પકડીને બેઠા છે અને સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓને પોતાનું રાજીનામું પાછું ન ખેંચવાનું પણ જણાવી દીધું છે. રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને જણાવી દીધું છે કે તેઓ ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા અંગે વિચારણા શરૂ કરે 

કોંગ્રેસમાં ઘમાસાણઃ રાહુલને રાજી કરવાથી માંડીને ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષના નામ અંગે મંથન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીના થયેલા કારમા પરાજયની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું છે અને તે પાછું ન ખેંચવાની જીદ પકડીને બેઠા છે. આથી, રાહુલ ગાંધીને રાજી કરવા માટે કોંગ્રેસના નેતાઓ દોડધામ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે મંગળવારે ફરીથી રાહુલને મળશે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરશે.

એવું કહેવાય છે કે, પાર્ટીના નેતાઓ આ મુદ્દે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પણ ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધી પરિવાર સિવાયની કઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે તેના અંગે પણ પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પોતાનું રાજીનામું પાછું ન ખેંચવાની જીદ પકડીને બેઠા છે. તેમણે કોંગ્રેસના સિનિયર નેતાઓને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓ ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિને અધ્યક્ષ બનાવા માટે એક નેતા શોધી લે. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે, તેમના પર રાજીનામું પાછું ખેંચવાનું દબાણ પેદા ન કરવામાં આવે. 

સોમવારે પાર્ટીના સિનિયર નેતા કે.સી. વેણુગોપાલ અને અહેમદ પટેલ રાહુલ ગાંધીને મળવા ગયા હતા. રાહુલે સ્પષ્ટ કહી દીધું કે, તેઓ પાર્ટીના અધ્યક્ષ બની રહી શકે નહીં. સાથે જ રાહુલે કોંગ્રેસના નેતાઓને પ્રિયંકા ગાંધીનું નામ ન ચલાવવાની પણ અપીલ કરી છે. 

રાહુલ એ વાતથી નારાજ છે કે, લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પાર્ટીના સિનિયર નેતાઓ મૌન બેસી રહ્યા હતા અને અંદરથી પાર્ટીને નુકસાન પહોંચાડતા રહ્યા હતા. તેમણે પાર્ટીને જીતાડવામાં કોઈ મદદ કરી નથી. રાહુલ ગાંધી ખાસ કરીને કમલનાથ અને અશોક ગેહલોત સહિત એક ડઝન જેટલા સિનિયર નેતાઓથી નારાજ છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news