લાંચ કેસમાં આરોપી રાકેશ અસ્થાનાની વધી શકે છે મુશ્કેલી, CBIના વડાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

CBIના વડા આલોક વર્માએ PM મોદી સાથે અસ્થાનાના કેસ મુદ્દે બંધ બારણે બેઠક કરી હતી. 

લાંચ કેસમાં આરોપી રાકેશ અસ્થાનાની વધી શકે છે મુશ્કેલી,  CBIના વડાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર અને ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. CBIના વડા આલોક વર્માએ PM મોદી સાથે અસ્થાનાના કેસ મુદ્દે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. મળતી માહિતી પ્રમાણે PM મોદીએ અસ્થાનાના 2 કરોડની લાંચ કેસની તમામ જીણવટ પૂર્વકની માહિતી લીધી છે. તેમણે FIR મુદ્દે પણ વિગતે ચર્ચા કરી હતી.

શું છે સમગ્ર મામલો
CBIના સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર 2 કરોડની લાંચ લેવાના આરોપસર આ FIR દાખલ થયાની વિગતો આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ સમાચારો વચ્ચે પહેલેથી જ IPS લોબીમાં CBIના ડાયેક્ટર અને ચીફ આલોક વર્મા તેમજ રાકેશ અસ્થાના વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાના સમાચાર આવતાં રહ્યાં છે. તેવામાં હવે આ વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હોય તેવો માહોલ છે.

સમાચારની આંતરિક વિગતો અનુસાર CBIના એન્ટી કરપ્શન યુનિટે આખું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કૂખ્યાત મીટ એક્સપોર્ટર મોઇન કૂરેશી સામે ચાલી રહેલાં એક વિવાદિત કેસને દબાવી દેવા માટે વચેટિયા મનોજ કુમાર મારફતે લાંચ લેવાનો રાકેશ અસ્થાના પર કથિત આરોપ છે. મનોજ કુમારના કૉલ ઇન્ટરસેપ્ટ કર્યાં બાદ આખાંય ઓપરેશનમાં રાકેશ અસ્થાના પર તપાસનું સ્કેનર પહોંચ્યું હતું. જેમાં 15મી ઓક્ટોબરે વચેટિયા મનોજકુમાર સામે FIR દાખલ કરવામાં આવી હતી.

મનોજ કુમારે કબૂલ્યું હતું કે તેણે મીટ એક્સપોર્ટર મોઇન કૂરેશી વતી આ રકમ રાકેશ અસ્થાનાને પહોંચાડી હતી. મનોજ કુમારનું આ નિવેદન CBIએ મેજીસ્ટ્રેટ સમક્ષ રેકૉર્ડ કરાવ્યું હતું. આ સમગ્ર મામલામાં રૉના એક અધિકારી સામંતકુમાર ગોએલનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે. આ આખા મામલાની જાણ PMO અને સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ CBIના ચીફ આલોક વર્માએ રાકેશ અસ્થાનાના સસ્પેન્શન માટે PMO પાસે મંજૂરી પણ મગાવી છે. CBIના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું ધ્યાને આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news