હરિયાણામાં હવે સૈનીની સરકાર, ખટ્ટરના રાજીનામા બાદ ગણતરીના કલાકોમાં નાયબસિંહે લીધા CM પદના શપથ
Haryana Politics: કુરુક્ષેત્રથી સાંસદ નાયબસિંહ સૈની હવે હરિયાણાના નવા સીએમ બનશે. વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. બેઠક બાદ નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરી લેવાયા છે.
Trending Photos
ભાજપ અને જેજેપી વચ્ચે મતભેદ બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સીએમ પદેથી રાજીનામું ધરી દીધુ. મનોહરલાલ ખટ્ટરના રાજીનામાં પડ્યાના ગણતરીના કલાકોમાં હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણીના પગલે હરિયાણામાં આ સત્તા પરિવર્તન થયું છે. ખટ્ટરના રાજીનામા બાદ હરિયાણામાં ભાજપ અધ્યક્ષ નાયબસિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સૈની સાથે કંવરપાલ ગુર્જર સહિત પાંચ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા.
નાયબ સિંહ સૈની આજે રાજ્યપાલ બંદારુ દત્તાત્રેયને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે ખટ્ટરે પોતાની પૂરી કેબિનેટ સાથે રાજીનામું ધરી દીધુ હતું. આમ હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને થયેલા મતભેદોના પગલે આ ગઠબંધન તૂટ્યું છે. આ બધા વચ્ચે ચંડીગઢમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક પણ થઈ. અપક્ષોએ નેતા મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરીને પોતાનું સમર્થન પણ જતાવ્યું છે.
BJP MP Nayab Saini meets Haryana Governor Bandaru Dattatraya and stakes claim to form the government in the state pic.twitter.com/Wyl7JWY0So
— ANI (@ANI) March 12, 2024
વિધાયક દળના નેતા તરીકે પસંદગી થયા બાદ નાયબ સૈનીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું કે સર્વસંમતિથી ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવવા બદલ પીએમ મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી , પ્રદેશ પ્રભારી બિપ્લબ કુમાર દેવજી, પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરજી તમામ વિધાયકગણ અને અપક્ષ ધારાસભ્યોનો આભાર.
અનિલ વિજને વાંકુ પડ્યું?
બીજી બાજુ વિધાયક દળની બેઠક પૂર્વે પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ નારાજ થઈને નીકળી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમને નાયબ સૈનીના નામ પર વાંધો પડ્યો હતો. નોંધનીય છે કે વિજ છ વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે પરંતુ તેમને સીએમ બનાવવામાં આવ્યા નથી.
કોણ છે નાયબ સૈની
નાયબ સિંહ સૈની અંબાલાના મિર્ઝાપુર માજરાના રહીશ છે. તેઓ હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે અને OBC સમુદાયથી આવે છે. નાયબ સિંહ વર્ષ 2005 યુવા મોરચા ભાજપ અઁબાલાના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ 2009માં ભાજપ કિસાન મોરચા હરિયાણાના મહામંત્રી બન્યા. 2012માં ભાજપ અંબાલાથી જિલ્લા અધ્યક્ષ બન્યા. 2014માં નારાયણગઢ વિધાનસભાથી વિધાયક બન્યા હતા. 2016માં હરિયાણા સરકાર માં રાજ્યમંત્રી બન્યા અને વર્ષ 2019માં કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂટાઈ આવ્યા હતા.
2019માં તેમના ધ્વારા રજૂ કરાયેલા ચૂંટણી સોગંદનામા મુજબ તેમની પાસે કુલ 33 લાખની સંપત્તિ છે. જ્યારે પત્ની પાસે 11 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે. દંપત્તિ પાસે કુલ 2 લાખ 85 હજાર રૂપિયા કેશ પણ છે. એફિડેવિટમાં તેમણે જણાવ્યું છે કે તેમની માતા કુલવંત કૌર, પુત્રી વંશિકા, અને પુત્ર અનિકેત સૈની પણ છે. તેમના માતાના એકાઉન્ટમાં પાંચ વર્ષ પહેલા 71 હજાર રૂપિયા હતા. જ્યારે પુત્રી વંશિકા પાસે બે લાખ 93 હજાર રૂપિયા અને પુત્ર પાસે 3 લાખ 29 હજાર રૂપિયા હતા. તેમની પત્નીના સેવિંગ એકાઉન્ટાં ચાર લાખ 70 હજાર રૂપિયા હતા. નાયબ સિંહના બેંક એકાઉન્ટમાં પોણા બે લાખ રૂપિયા હતા.
ખટ્ટરના ખાસ!
અત્રે જણાવવાનું કે નાયબ સિંહ સૈની પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નીકટના ગણાય છે. તેમને તેનો જ ફાયદો મળ્યો છે. વર્ષ 2016માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સૈનીને હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બનાવ્યા હતા. પરંત વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં જીત બાદ તેમણે હરિયાણા સરકારના મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 2023માં તેમને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
હરિયાણા ઓબીસીનો મોટો ચહેરો
નાયબસિંહ સૈની ઓબીસી સમુદાયથી આવે છે. ભાજપે હરિયાણાના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખતા નાયબ સૈનીને સીએમ બનાવવાનો નિર્ણય લીધો છે. ભાજપે હરિયાણામાં જાટની જગ્યાએ સમગ્ર ઓબીસી સમુદાયને સાધવા માટે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે.
હરિયાણામાં નંબર ગેમ
હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે. બહુમત માટે 46 બેઠકોની જરૂર છે. ભાજપના 41 ધારાસભ્યો છે અને તેમને બહુમત માટે 5 ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં કોંગ્રેસ પાસે 30, જેજેપી પાસે 10, હરિયાણા લોકહિત પાર્ટી પાસે 1 અને ઈન્ડિયન નેશનલ લોકદળ પાસે એક ધારાસભ્ય છે. આ ઉપરાંત 6 અપક્ષ ધારાસભ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે