Presidential Election 2022: એનડીએ તરફથી દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, નડ્ડાએ કરી જાહેરાત
BJP's President Election Candidate: વિપક્ષ બાદ એનડીએ પણ પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મૂર્મુને ઉમેદવાર બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ BJP's President Election Candidate: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. એનડીએના સાથી દળો સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ જાહેર થશે.
નોંધનીય છે કે વિપક્ષે આજે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે ભાજપના હેડક્વાર્ટરમાં યોજાયેલી સંસદીય બોર્ડની બેઠકમાં દ્રૌપદી મુર્મૂની ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પીએમ મોદી સિવાય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી સહિત અન્ય નેતા હાજર રહ્યાં હતા.
પત્રકાર પરિષદમાં જેપી નડ્ડાએ કહ્યુ કે દેશને પ્રથમવાર આદિવાસી સમુદાયથી એક રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી છે. તેમના નામની જાહેરાત કરી પાર્ટીએ એક તરફથી આદિવાસી સમુદાયને સાધવાનું કામ કર્યું છે તો બીજી તરફ મહિલા સશક્તિકરણને લઈને પણ સંદેશ આપ્યો છે.
જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ?
આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મૂ છ વર્ષ એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં છે. મુર્મૂ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. મુર્મૂનો ગઈકાલે જન્મદિવસ હતો. તેમનો જન્મ 20 જૂન 1958ના થયો હતો. તેઓ 64 વર્ષના છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંખ્યા બળના આધાર પર ભાજપ-એનડીએ મજબૂત સ્થિતિમાં છે અને જો બીજેડી કે આંધ્ર પ્રદેશની વાઈએસઆર કોંગ્રેસ જેવા દળોનું સમર્થન મળી જાય તો તેની જીત પાક્કી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે