શિવસેનાના નારાજ ગણોને અમદાવાદના બદલે આસામ લઇ જવાશે
Trending Photos
અમદાવાદ : મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ખુબ જ ઉથલપાથલ ચાલી રહી છે. આ તમામ ઉથલપાથલનું કેન્દ્ર હાલ ગુજરાત બનેલું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકાના છેડા અમદાવાદ અને સુરત સુધી પહોંચી રહ્યા છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. જેમાં NCPના એક ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. આ તમામ નારાજ ધારાસભ્યો સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે.
હાલ તો હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જો કે નારાજ નેતાઓને મળવા માટે મહારાષ્ટ્ર ભાજપના બે ધારાસભ્ય સંજય કૂટે અને રાહુલ નારવેકર હોટલ પહોંચ્યા હતા. તો બીજી તરફ નારાજ નેતાઓને મળવા અને મનાવવા માટે શિવસેનાના બે નેતા મિલિન્દ નારવેકર અને રવિન્દ્ર ફાટક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ હોટલ ખાતે પહોંચ્યા હતા. થોડીવાર માટે પોલીસ દ્વારા રકઝક કર્યા બાદ પૂછપરછ કરીને હોટલમાં પ્રવેશ આપ્યો હતો. હાલ બંને નેતાઓ હોટલથી રવાના થઈ ગયા છે અને બળવાખોર ધારાસભ્યો સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે. બળવાખોર ધારાસભ્યોએ ભાજપ સાથે સરકાર બનાવવાની માગ મૂકી હતી. ત્યાર બાદ ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવે તેવી વાત હતી. સુરતમાં શિવસેના દ્વારા કોઇ ખેલ ન પાડવામાં આવે તે માટે તેમને અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા હતી.
જો કે ગુજરાતમાં મીડિયાના સતત વધી રહેલા પ્રેશર અને મહારાષ્ટ્ર અને ગુજરાત નજીક નજીકના રાજ્યો હોવાનાં કારણે પણ આખરે આ તમામ ધારાસભ્યોને આસામના ગુવાહાટી ખાતે લઇ જવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તમામ ધારાસભ્યોને ચાર્ટર પ્લેન મારફતે આસામના ગુવાહાટી ખાતે લઇ જવાશે. ત્યાં તેઓની બંધ બારણે બેઠક બાદ નિર્ણયો આ ધારાસભ્ય મંડળ જાહેર કરશે. તેવામાં હવે મહારાષ્ટ્રની રાજનીતિનો "લોચો" સુરતથી ગુવાહાટી પહોંચે તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે